Aapnu Gujarat
ગુજરાત

એનએ કન્સ્ટ્રકશનમાં બિલ્ડર સામે હવે નવી અરજી કરાઈ

એન.એ એટેલ ના નહી હા ની લોભામણી જાહેરાતો, આકર્ષિક હોર્ડિંગ્સ અને સરકાર માન્ય સ્કીમ હોવાની ભ્રામક જાહેરાતો અને પ્રચારના આધારે લોકોને સસ્તામાં મકાન આપવાના સપના બતાવી નિર્દોષ નાગરિકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રૂ.૧૨૦૦ કરોડનું કૌભાંડ આચરવાના પ્રકરણમાં એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર નીલેશ શાહ વિરૂધ્ધ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વધુ કેટલીક અરજીઓ પીડિત ગ્રાહકો દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં ગ્રાહક ફોરમના હુકમ મુજબની વ્યાજ સાથેની રકમ નહી ચૂકવાઇ હોવા સહિતની ગંભીર હકીકત ફોરમના ધ્યાન પર મૂકવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ તરફથી ગ્રાહક સુરક્ષા ધારાની કલમ-૨૭ અન્વયે ફોરમના હુકમનો અમલ નહી કરવા બદલ કસૂરવાર બિલ્ડર નીલેશ શાહને જેલની સજા ફટકારવાની ઉગ્ર માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ ગ્રાહક ફોરમ દ્વારા કસૂરવાર બિલ્ડર નીલેશ શાહ વિરૂધ્ધ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી તા.૩૦મી જૂન પર મુકરર કરવામાં આવી છે. એન.એ.કન્સ્ટ્રકશનના ડેવલપર્સ, બિલ્ડર અને ઓર્ગેનાઇઝર નીલેશ મુકુંદરાય શાહે ૭૦૦૦થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.૧૦ લાખ,૧૧ હજારમાં સસ્તા ભાવના ફલેટો ગુજરાતના મોટા શહેરોમાં બાંધવાની સ્કીમોની લોભામણી જાહેરાતો કરી હતી. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં ભોગ બનેલા નિર્દોષ ગ્રાહકો તરફથી ગ્રાહક ફોરમમાં આજે દાખલ કરનાર વધુ કેસો અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, મોટાભાગના ગ્રાહકોએ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ના સમયગાળા દરમ્યાન રૂ.૨,૬૧,૦૦૦ના ચેક ભરીને સાબરમતી મોટેરો સ્ટેડિયમ પાસે, વેલજીભાઇના કૂવા પાસે ઘરનું ઘર ખરીદવા એડવાન્સ પેમેન્ટ આપી ફલેટ બુક કરાવ્યા હતા. પરંતુ પાછળથી કૌભાંડનો પર્દાફાશ થયો કે, બિલ્ડરે રહેઠાણના ફલેટ બનાવવા જમીન ખરીદી ન હતી અને સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ બાંધકામનો પ્લાન રજૂ કરી બાંધકામની રજાચિઠ્ઠી પણ મેળવી ન હતી. બિલ્ડર નીલેશ શાહ દ્વારા છેતરાયેલા સેંકડો ગ્રાહકોએ ગ્રાહક ફોરમના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં કોર્ટે સંબંધિત ગ્રાહકોને વ્યાજ સાથે ભરેલી રકમ પરત ચૂકવવાના હુકમો કર્યા હતા. શહેરના ગોમતીપુર વિસ્તારની દલિત મહિલા હંસાબહેન મકવાણાના કેસમાં પણ ફોરમે તેમણે મકાન ખરીદવા ભરેલી રૂ.૧૦ લાખ, ૧૧ હજારની રકમ વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવી આપવા બિલ્ડર નીલેશ શાહને હુકમ કર્યો હતો. આ હુકમને બે વર્ષ અને ત્રણ મહિના વીતી જવા છતાં બિલ્ડર નીલેશ શાહ તરફથી કોઇ રકમ નહી ચૂકવાતાં દલિત મહિલા તરફથી રકમની વસૂલાત અને કસૂરવાર બિલ્ડરને શિક્ષા ફરમાવવા એકઝીકયુશન પિટિશન દાખલ કરાઇ હતી. આ જ પ્રકારે સુનીલ કડલિયા, વીણબહેન ભાવસાર, નિર્મળાબહેન સોલંકી, તનુમતીબહેન અને રાજેન્દ્રભાઇ શ્રીમાળી સહિતના ગ્રાહકોના કિસ્સામાં પણ વ્યાજ સાથે સંબંધિત રકમ ચૂકવવાના ગ્રાહક ફોરમના હુકમની બબ્બે વર્ષના વ્હાણાં વીતી જવા છતાં બિલ્ડર નીલેશ શાહ તરફથી કોઇ અમલવારી નહી થતાં આવા ગ્રાહકોએ પણ ગ્રાહક ફોરમમાં એકઝીકયુશન પિટિશન દાખલ કરાઇ હતી. આ તમામ અરજીઓમાં ગ્રાહક ફોરમે ગંભીર નોંધ લઇ કસૂરવાર બિલ્ડર નીલેશ શાહ વિરૂધ્ધ નોટિસો જારી તા.૩૦મી જૂનના રોજ મુકરર કરી હતી. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, એન.એ.કન્સ્ટ્રકશનના કરોડો રૂપિયાના સસ્તા ભાવના ફલેટના કૌભાંડમાં ગરીબ, પછાત અને દલિત વર્ગના સેંકડો ગ્રાહકો ફસાયા છે અને છેલ્લા છ વર્ષથી કાનૂની લડત આપી રહ્યા છે. નિર્દોષ અને લાચાર ગ્રાહકો પોલીસ સ્ટેશન, સચિવાલય-ગાંધીનગર, મુખ્યમંત્રીથી લઇ સાંસદો-ધારાસભ્યો સહિતના તમામ સત્તાધીશો સમક્ષ લેખિત રજૂઆતો કરીને થાકી ગયા પરંતુ કોઇ વ્હારે ના આવ્યું ત્યારે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ નિર્દોષ ગ્રાહકો તરફથી કાનૂની લડતમાં સાથ આપી તેમની પડખે ઉભા રહી સાચા અર્થમાં તેમના દુઃખમાં સહભાગી બની છે ત્યારે સરકારે પણ આગળ આવવું જોઇએ.

Related posts

जीएसटीः अहमदाबाद शहर के कापड़ बाजार अनिश्चितकालीन के लिए बंद

aapnugujarat

રાજપથ ક્લબ નજીક કન્સ્ટ્રકશન સ્ટ્રકચર તૂટી પડતાં મજુરનું મોત

aapnugujarat

राज्य में बारिश का जोर कम हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1