Aapnu Gujarat
બ્લોગ

૧૩ રાજ્યોમાં ૧૫ પાર્ટીઓનું વિપક્ષોનું મહાગઠબંધન

જ્યારે કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર અસ્તિત્વમાં આવી તો આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા એક એન્ટી ભાજપ મહાગઠબંધનનો વિચાર મજબૂત થતો દેખાઈ રહ્યો છે. જેડીએસ-કોંગ્રેસની ગઠબંધ સરકારની ઉજવણી મનાવવા માટે લગભગ તમામ બીનભાજપી પાર્ટીઓ એક મંચ પર એકઠી થઈ હતી.માત્ર ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ જ આ શપથ ગ્રહણ સમારોહથી દૂર રહ્યા હતા.કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના તમામ મોટા નેતાઓ એક સાથે જાવા મળ્યા હતા. એક જ મંચ પર વિપક્ષના આટલા નેતાઓને એક સાથે જાઈને ફરી ૨૦૧૯માં લોકસભાની ચુંટણી પહેલા એક જુટ વિપક્ષની અટકળો શરુ થઈ ગઈ છે. ૧૯૯૬ પછી સૌથી મોટી સંખ્યામાં વિપક્ષો એક મંચ પર ભેગા થયા છે.૨૦૧૯ની ચૂંટણી સુધીમાં જો આ વિપક્ષી એકતા અકબંધ રહે તો આગામી ચૂંટણીમાં ૧૨ રાજ્યોની ઓછામાં ઓછી ૩૬૭ બેઠકો પર ભાજપે સીધા અને દ્વિપક્ષી પડકારનો સામનો કરવાનો થાય, જે ભાજપ માટે બહુ જ કપરું બની શકે છે.ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠકની પેટાચુંટણીમાં સપા અને બસપાએ ગઠબંધન કરીને ભાજપ સામે જીત મેળવી છે ત્યારે એ જોઈને લાગી રહ્યુ છે કે જો વિપક્ષ એક જુટ થાય તો તેની અસર માત્ર ઉત્તરપ્રદેશમાં નહીં પરંતુ સમગ્ર ભારત પર પડી શકે છે. જેમાંથી ઉત્તરપ્રદેશમાં ભાજપને સૌથી મોટુ નુકશાન થઈ શકે છે. આંકડા મુજબ યુપીમાં ભાજપને સપા, બસપા અને કોંગ્રેસ જો એક સાથે આવે તો અંકગણિત મુજબ ૨૦૧૯માં ૪૬ સીટનું નુકસાન થઈ શકે છે.ગત લોકસભામાં ઉત્તરપ્રદેશમાં ભાજપે ૭૧ બેઠકો જીતી હતી. પરંતુ વિપક્ષ એકજુટ થાયચ તો ભાજપની બેઠકો ઘટીને ૪૬ પર આવી જાય તેમ છે. જો આંકડાની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં વિરોધી પાર્ટીઓને મળેલ કુલ મતનો સરવાળો કરવા છતા ભાજપ સરળતાથી ૨૨૬ બેઠકો જીતી શકે છે. પરંતુ ૨૦૧૪ પ્રમાણે મતદાન થાય તે જરુરી નથી. ચુંટણીમાં આંકડાઓની સાથે કેમેસ્ટ્રીની પણ જરુર પડે છે. ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચુંટણી અને ગોરખપુર ફુલપુર પેટાચુંટણીમાં લોકોએ જાયુ છે કે જો કેમેસ્ટ્રી યોગ્ય રહે તો પરિણામ બદલાઈ શકે છે. પરંતુ એ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી હોય છે કે પાર્ટીઓ માટે પોતાના મતદારોને અન્ય કોઈ પાર્ટી માટે મતદાન કરવા તૈયાર કરવા પણ એક મુશ્કેલ કામ હોય છે.
પોતાના કોમન દુશ્મનને હરાવવા માટે ગઠબંધન કરી લેવુ પુરતુ હોતુ નથી આ સાથે કેટલાક સકારાત્મક અને આદર્શ ઉદ્દેશ્યો પણ ગઠબંધનમાં હોવા જાઈએ. ૨૦૧૯ની ચુંટણી માટે રચાઈ રહેલ ચક્રવ્યુહ વચ્ચે મોદી અને શાહની નજર બિહાર અને પશ્ચિમ બંગાળ પર છે. બિહારમાં કોંગ્રેસ આરજેડી સાથે મળીને એનડીએને જારદાર ટક્કર આપી શકે છે. મોદીને હરાવવા માટે કોંગ્રેસ લાલુપ્રસાદ યાદવ સાથે પણ હાથ મીલાવી શકે છે.આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ટીએમસી સાથે મળીને ચુંટણી લડી શકે છે. શક્ય છે કે ડાબેરીઓ પણ તેમની સાથે જોડાય. આમ પણ મોદી સામે વિપક્ષની એક્તાની જાહેરાત કરનાર મમતાએ દરેક રાજ્યમાં મજબુત પાર્ટીને ભાજપ સામે બાથ ભીડવા દેવાનો ફોર્મ્યુલા પહેલાથી જ આપી દીધો છે. આસામમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરી ભાજપ પૂર્વોત્તરમાં પોતાના પગ પ્રસારી રહ્યુ છે. ત્યારે ૨૦૧૯માં ભાજપ સામે કોંગ્રેસ બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ સાથે ગઠબંધન કરીને ચુંટણી લડે તેવી શક્યતા છે. ઓરીસ્સામાં જે રીતે ભાજપની પકડ મજબુત બની રહી છે તે જાતા નવીન પટનાયકની પાર્ટી બીજેડી કોંગ્રેસ સાથે હાથ મીલાવી શકે છે.આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં એનડીએમાંથી અલગ થઈ ચુકેલ ટીડીપી પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચુંટણી લડી શકે છે. કર્ણાટકમાં ભાજપને પછડાટ આપ્યા બાદ રાજકીય સમીકરણ ખૂબ જ ઝડપથી બદલાયા છે તે જાતા તમિલનાડુમાં પણ કોંગ્રેસ ડીએમકે સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે પહેલાથી જ ગઠબંધન છે. ઝારખંડમાં પણ કોંગ્રેસ જેએમએ સાથે હાથ મીલાવી ચુકી છે. તો હરીયાણામાં આઈએનએલડી કોંગ્રેસ સાથે જાડાઈ ચુક્યુ છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે છે. ૧૯૮૪ ની સાલમાં ૪૧૭ જેટલી માતબર બેઠકો પર જીત મેળવવા છતાંપણ દક્ષિણ ભારતમાં એલટીટીઇ બોફોર્સ અને પંજાબમાં આતંકવાદના મુદ્દે કોંગ્રેસથી અલગ પડેલા વી.પી. સિંહ જ વર્ષ ૧૯૮૯ માં કોંગ્રેસ પર ભારે પડી ગયા અને જનતા દળ નામનો પક્ષ રચીને ઘણા નેતાઓને ભેગા કરીને ૧૪૩ બેઠકો મેળવીને પીએમ બની ગયા.હાલમાં કર્ણાટકમાં ભાજપ જેમ દાવા કરે છે કે સૌથી વધુ બેઠકો લાવવા છતાં ઓછી બેઠકો લાવનાર પક્ષનો નેતા સીએમ બની ગયો અને નૈતિકતાના ગીતો ગાય છે પણ કર્ણાટકમાં ભાજપને તો કોંગ્રેસ કરતાં ૬૪ લાખ જેટલા મતો ઓછા મળ્યા છે, તેની સામે વર્ષ ૧૯૮૯ માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૯૭ બેઠકો મળી હતી અને ૩૯.૫૩ ટકા મત મળ્યા હતા, તો જનતા દળને ૧૪૩ બેઠકો મળી હતી અને ૧૭.૭૮ ટકા એટલે કે કોંગ્રેસ કરતાં અડધાથી પણ ઓછા મત મળ્યા હતા તો ભાજપને ૮૫ બેઠકો અને ૧૧.૩૬ ટકા મતો મળ્યા હતા.તેમ છતાં સૌથી વધુ બેઠકો અને સૌથી વધુ મતો મેળવનાર કોંગ્રેસ પક્ષ સત્તાથી દુર રહ્યો અને સામે રહેલા વિપક્ષોએ ભેગા મળીને સરકાર રચી હતી.આજકાલ ભાજપ અને તેના સમર્થકો ભેગા થયેલા વિપક્ષો પર અભદ્ર ટીપ્પણીઓ કરી રહ્યા છે પરંતુ હજુ ભાજપે જ ત્રીજા મોરચાનો ભાગ રહીને એક કોંગ્રેસને રોકવા માટે સરકારમાં જોડાઈ હતી તે કદાચ ભૂલવું ના જોઈએ અને આવું ભાજપે એક નહી પણ ૨ વખત કર્યું છે.
૧૯૮૯ માં આવેલા ત્રિશંકુ પરિણામોની વચ્ચે માત્ર ૧૪૩ બેઠકો મેળવનાર વીપી સિંહને વડાપ્રધાન બનવું હતું અને તેના માટે જનતાદળ, તેલુગુ દેશમ પાર્ટી, ડીએમકે, અસમ ગણપરિષદ દ્વારા ગઠબંધન રચવામાં આવ્યું હતું અને તેને ડાબેરીઓ અને ભાજપનું સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપવામાં આવ્યું હતું.
આમ કોંગ્રેસને રોકવા માટે એકબીજાના વિચારધારાથી આજેપણ ઘોર વિરોધી અને એકબીજાના કટ્ટર આલોચક ભાજપ, ડાબેરી અને સમાજવાદી વિચારધારાના નેતાઓ સત્તા માટે ભેગા થઇ ગયા હતા.આ ઉપરાંત અગાઉ પણ ભારતીય જનતા પક્ષ નામની રચના થઇ તે અગાઉની જનસંઘે સમાજવાદી પક્ષો અને કોંગ્રેસના બળવાખોરો સાથે મળીને મહાગઠબંધન રચ્યું હતું પણ ઇન્દિરા ગાંધીની આંધી સામે મોટી પછડાટ ખાવી પડી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતના વિજય બાદ ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધતી જ ગઈ પણ કટોકટી અને બેરોજગારીને મુદ્દે ભેગા થયેલા વિરોધી નેતાઓએ દેશભરમાં ઇન્દિરા ગાંધી માટે પડકાર ઉભો કરી દીધો હતો અને નકારાત્મક છાપ બનાવી દીધી હતી.કટોકટી બાદ પણ કોંગ્રેસની સામે રહેલા પક્ષો માટે ચૂંટણીમાં જીત મેળવવી અઘરી હતી ત્યારે બધા પક્ષો જયપ્રકાશ નારાયણના શરણે ગયા અને તેમણે બધા પક્ષોને ભેગા થઈને એક છત નીચે આવવા આહવાન કર્યું હતું. ત્યારબાદ ૨૩ જાન્યુઆરી ૧૯૭૭ ના રોજ જનતા મોરચાની રચના કરવામાં આવી જેમાં જેમાં ચરણસિંહનો પક્ષ ભારતીય લોક દળ, સ્વતંત્ર પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ભારતીય જનસંઘ જોડાયા હતા, જો કે આ પક્ષો ભેગા થઈને એક પક્ષમાં વિલીનીકરણ ચૂંટણી બાદ કરશે તેવું નક્કી થયું હતું પરંતુ કોંગ્રેસને રોકવા માટે તે સમયના નેતાઓ પોતાના પક્ષનું ભેગા થઈને એક જ પક્ષમાં વિલીનીકરણ કરવા સુધી તૈયાર થઇ ગયા હતા.
એકબીજાથી એકદમ વિપરીત વિચારધારા અને માનસિકતા હોવા છતાં બસ કોંગ્રેસને રોકવાની નેમ સાથે જયપ્રકાશ નારાયણના નેજા હેઠળ બધા પક્ષો એક થઈને બેસી રહ્યા હતા, તેઓની વિચારધારા કોમન થઇ ગઈ હતી અને તે હતી કટોકટી વિરોધી આંદોલન અને કોંગ્રેસનો વિરોધ. જો કે રાજકારણમાં સત્તાની સામે વિચારધારા અને પ્રજાના હિત કોરાણે જ મુકાઈ જતા હોય છે અને તેમાં કોઈ નવી વાત નથી.
આ જનતા મોરચાના અધ્યક્ષ સ્થાને મોરારજી દેસાઈ બેઠા, જનરલ સેક્રેટરીના સ્થાન પર રામકૃષ્ણ હેગડે અને જનસંઘના લાલકૃષ્ણ અડવાણી પ્રવક્તા બન્યા હતા. ૧૦ પક્ષો અને કોંગ્રેસના બળવાખોર નેતાઓ જનતા મોરચાના બેનર હેઠળ ભેગા થયા હતા. અકાલી દળ, ડાબેરીઓએ પણ જનતા મોરચાના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. એટલે કોંગ્રેસને રોકવી બધી જ પાર્ટીઓની પ્રાથમિકતા બની ગઈ હતી.ચૂંટણી થઇ અને તેના પરિણામ આવ્યા જેમાં ઉત્તર ભારતના રાજ્યોમાં મોટાપાયે જનસમર્થન મેળવીને જનતા મોરચાને બહુમતી મળી. વડાપ્રધાન તરીકે નામ નક્કી કરવામાં વિવાદ થયો અને અંતે મોરારજી દેસાઈની પસંદગી થઇ, જેમાં જનસંઘના બાજપાઈ અને અડવાણીને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા.આમ ભાજપે પણ ભૂતકાળમાં એક પક્ષ કોંગ્રેસ – એક નેતા ઇન્દિરા ગાંધીની સામેના ટોળામાં ભેગા થવાના અખતરા કરેલા છે, જો કે મોરારજી દેસાઈ હોય કે વીપી સિંહ હોય આવી કોઈ ત્રીજા મોરચાની સરકાર લાંબી ટકી શકી નહોતી.કોઈ એક પક્ષને રોકવા માટે વિરોધીઓ ભેગા થાય તેમાં કોઈ નવી વાત નથી, આજે અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનર્જી, લાલુ યાદવ અને કોંગ્રેસ ભેગા થાય છે તેમાં ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે પણ આવા મહાગઠબંધનોની દેશના ઇતિહાસમાં શરુઆત થઇ હતી ત્યારે પોતે પણ તેનો જ એક ભાગ હતો અને તેમાંથી જ આગળ આવ્યો છે તે ભૂલવું ના જોઈએ. અલબત્ત અનેક રાજ્યોમાં પણ તે આજના વિપક્ષમાં રહેલા અનેક પક્ષો જોડે મળીને સરકાર બનાવી ચુક્યો છે તો હાલમાં પણ તે કોંગ્રેસને રોકવા ગઠબંધનો કરીને સરકાર બનાવીને બેઠા જ છે.સત્તાના અહંકારમાં ભાજપ જે વર્તન કરી રહ્યું છે અને વિરોધીઓને જે ઉપમા આપી રહ્યું છે ત્યારે એટલું તો વિચારવું જ જોઈએ કે ભલે ભૂતકાળને ભૂલી જાવ અથવા ભુલાવી દો પરંતુ ભવિષ્યમાં જયારે સમીકરણો બદલાશે ત્યારે કદાચ ફરીથી દુનિયાના આ ચક્રમાં તે પણ આવા કોઈ ગઠબંધનમાં જોડાઈ શકે છે, કદાચ ત્યારે તેને જ તેના શબ્દો નડી શકે છે.કારણકે રાજકારણમાં કોઈ વ્યક્તિ અથવા કશું પણ કાયમી નથી હોતું.

Related posts

दुनिया में बज रहा भारत का डंका

editor

किसानों पर घटिया राजनीति

editor

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1