Aapnu Gujarat
બ્લોગ

બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતાં ઓછી

પેટ્રોલ-ડીઝલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ ૮૦ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. મોદી સરકાર દાવો કરી રહી છે કે બધું ક્રૂડના કારણે થઈ રહ્યું છે. પરંતુ તે સંપૂર્ણ હકીકત નથી. ક્રૂડના સ્થિર ભાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તેનું મોટું કારણ છે ક્રૂડ પર લાગેલા અનેક પ્રકારના ટેક્સ. ટેક્સના કારણે ૧ લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને ૩૬ રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે. આઈઓસી મુજબ ૨૧ મેના દિવસે ડીલરોને ૩૭.૧૯ રૂપિયામાં પ્રતી લિટર પેટ્રોલ અપાયું હતું. ત્યાર બાદ ૨૫.૪૪ ટકા ઉત્પાદન ટેક્સ, ૪.૭૨ ટકા ડીલર કમિશન અને ૨૧.૨૬ ટકા વેટ ઉમેરતા તેનો ભાવ બમણો થઈ ગયો. કેન્દ્ર અને રાજ્ય સરકારના ખજાનામાં પ્રતિ લીટર ૩૬ રૂપિયા આવી ગયા.બીજીબાજુ નિષ્ણાતોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલના ભાવ ૮ રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો થઈ શકે છે. ત્યાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માત્ર એટલું કહ્યું કે અમે માનીએ છીએ કે તેનાથી મધ્યમ વર્ગને તકલીફ પડી રહી છે. પરંતુ તેઓ શું રાહત આપશે તે અંગે ચૂપકીદી જાળવી રાખી છે. મોર્ગન સ્ટેનલી મુજબ પેટ્રોલ ડીઝલના ભાવ હજી ૬થી ૮ રૂપિયા સુધી વધી શકે છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીએ પણ પેટ્રોલના ભાવમાં ૪ રૂપિયા પ્રતિ લિટર સુધીના ઊછાળાની આશંકા વ્યક્ત કરી છે.કર્ણાટક ચૂંટણી પછી અઠવાડિયામાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. ૧૨મેથી અત્યાર સુધીમાં દિલ્હીમાં પેટ્રોલ ૧.૬૨ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૬.૨૬ રૂપિયા અને મુંબઈમાં ૮૪.૦૭ રૂપિયા થઇ ગયા.
આ દરમિયાન, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેનાથી સામાન્ય જનતાને થઇ રહેલી મુશ્કેલીઓની વાતનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ દિલ્હીમાં ૭૬.૦૬ રૂપિયા હતું. અહીંયા ડીઝલ પહેલેથી જ લાઇફટાઇમ હાઇ (૬૭.૫૭ રૂપિયા) પર સ્થિર છે.ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, “હું સ્વીકાર કરું છું કે તેલના ભાવમાં વધારાથી દેશની જનતા અને ખાસ કરીને મિડલક્લાસ લોકોને ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. તેની પાછળનું કારણ તેલ કંપનીઓના પ્રોડક્શનમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં આવેલી તેજી છે. ભારત સરકાર ટુંક સમયમાં જ તેનો કોઇ ઉકેલ શોધી લેશે.”બીજી બાજુ, દિલ્હીમાં વધી રહેલા તેના ભાવ પર લોકોએ કહ્યું કે સરકારને મોંઘવારી પર લગામ મૂકવા માટે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવી જોઇએ. મુંબઈના ગ્રાહકોએ કહ્યું કે મુંબઈ દિલ્હી અને ગુજરાતની સાપેક્ષે પેટ્રોલ આટલું મોંઘું કેમ છે? લોકોને દરરોજ આશરે ૧૨૦ રૂપિયા સુધીનો પેટ્રોલનો ખર્ચ કરવો પડે છે.ગયા વર્ષે ગુજરાત ચૂંટણી પહેલા ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન જેવી સરકારી કંપનીઓએ ત્યાં લગભગ ૧૫ દિવસ સુધી સતત ૧-૩ પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં ૧૪ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ વિધાનસભા ચૂંટણી થઇ હતી. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓએ ભાવ વધારવા શરૂ કરી દીધા.
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા પ્રમાણે, કાચા તેલના ભાવોમાં ૨ વર્ષ સુધીમાં ઉછાળો આવવાનો અંદાજ છે. ૨૦૨૦ સુધીમાં તે ૯૦ ડોલર/બેરલ સુધી પહોંચી શકે છે. આ પહેલા ઓક્ટોબર ૨૦૧૪માં તે ૯૦ ડોલર/બેરલને પાર પહોંચ્યું હતું.કર્ણાટક ચૂંટણી પહેલા તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા. તેનાથી તેમને લગભગ ૫૦૦ કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન છે. તેની ભરપાઈ માટે હવે કંપનીઓ તેલના ભાવમાં દરરોજ વધારો કરી રહી છે. ભારતમાં પેટ્રોલની વધતી કિંમતની સરખામણી પાડોશી દેશો સાથે થઈ રહી છે.જો સાર્ક દેશોમાં ભારતને છોડી દઈએ તો પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત ભારત કરતા ઓછી છે.એક તર્ક એવો અપાઈ રહ્યો છે કે જો ભારતથી ગરીબ દેશ સસ્તું પેટ્રોલ વેચી શકે છે તો ભારત આવું શા માટે કરી શકતું નથી. તેનું મુખ્ય કારણ છે કે ભારતનાં દરેક રાજ્યમાં અલગ-અલગ ટેક્સ લગાવવામાં આવે છે.આ ટેક્સમાં ઉત્પાદન કર, વેટ અને સેસ વગેરેનો સમાવેશ થાય છે.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કોઈ પણ સરકાર પેટ્રોલ ડીઝલમાંથી મળનાર મહેસૂલી આવકમાં કપાત કરવા ઇચ્છતી નથી.

Related posts

MORNING TWEET

aapnugujarat

પરીક્ષાની પુરબહાર મોસમમાં વાલીઓએ સમજવાની વાત

aapnugujarat

સટ્ટા બજાર : રમનારો હારે, રમાડનારો જીતે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1