Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ૧૦મી મેએ આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના ભાગરુપે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવશે. જેના ભાગરુપે માર્કશીટ, પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળ પર સવારે ૧૧ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કરવામાં આવશે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. પોતાની શાળાની માર્કશીટ પ્રમાણપત્ર રજૂ કરીને મેળવી લેવાની રહેશે. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. સવારે ૯ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. હજુ સુધી પરિણામને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. બીજી બાજુધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ મે મહિનામાં જ જાહેર થવાની શક્યતા છે. મોટાભાગની ઉત્તરવહીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડના સુત્રોનું કહેવું છે કે, સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ૧૫થી ૨૦મી મેની વચ્ચે જાહેર થઇ શકે છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ ૨૮થી ૩૧મી મેની વચ્ચે જાહેર થવાની શક્યતા છે. જો કે, ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા ૧૨મી માર્ચથી શરૂ થઇ હતી. ૧૨મી માર્ચથી શરૂ થયેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૭૯ ઝોનના કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા, જયાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપી હતી. આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આવી જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. પરિણામને લઇને પરીક્ષા બાદથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી. સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પરિણામની જાહેર થઇ નથી પરંતુ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ તરત જ આ પરિણામની તારીખ પણ ટૂંકમાં જાહેર કરાશે.

Related posts

નીટનાં ગુજરાતી વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર તાકીદે વટહુકમ લાવે

aapnugujarat

આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાને લઇ ઉદાસીનતા

aapnugujarat

બિન અનામત આયોગે ૨૦ વિદ્યાર્થીઓને રૂ.૨.૩૫ કરોડની રકમ ફાળવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1