Aapnu Gujarat
રમતગમત

કેવી રીતે સહેવાગે આઈપીએલને બચાવી, ગેઈલે કર્યો ખુલાસો

ક્રિસ ગેઈલને ટી૨૦ ક્રિકેટનો બેતાજ બાદશાહ કેમ કહેવામાં આવે છે તે તેણે ગુરૂવારે મોહાલીમાં રમાયેલી મેચમાં સાબિત કરી દીધું. કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતા ગેઈલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ૬૩ બોલમાં અણનમ ૧૦૪ રનની ઈનિંગ્સ રમી હતી. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૧મી સિઝનની પ્રથમ સદી હતી.પોતાની દમદાર ઈનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો અને તેણે આ માટે વીરેન્દ્ર સહેવાગનો આભાર માન્યો હતો. ૩૮ વર્ષીય ગેઈલે કહ્યું હતું કે હું હંમેશા પ્રતિબદ્ધ રહું છું. હું કોઈ પણ ફ્રેન્ચાઈઝી માટે રમતો હોવ પરંતુ મારૂ શ્રેષ્ઠ પ્રદર્શન કરૂ છું. મારા માટે આ નવી ફ્રેન્ચાઈઝી છે. ઘણા લોકો કહે છે કે ગેઈલે હજી ઘણું સાબિત કરવાનું છે. તેમણે મને પસંદ કર્યો ન હતો અને હરાજીમાં પણ ખરીદ્યો ન હતો. મારૂ માનવું છે કે વીરેન્દ્ર સહેવાગે મને ખરીદીને આઈપીએલને બચાવી લીધી છે. સહેવાગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગેઈલ અમને બે મેચ પણ જીતાડશે તો અમારા રૂપિયા વસૂલ છે.
તેણે કહ્યું હતું કે આ મારા માટે ઘણી સારી શરૂઆત છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું અને હવે કોલકાતા જવાનો સમય આવી ગયો છે. બેટિંગમાં મૂડ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. ઘણા વર્ષોથી ભારતમાં રમતો હોવાના કારણે હું પરિસ્થિતિને સારી રીતે સમજી શકું છું. મારી સદીથી હું ખુશ છું.ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોથી ગેઈલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતો હતો પરંતુ આ સિઝન માટે બેંગલોરે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્‌સમેનને રિલિઝ કર્યો હતો. આ ઉપરાંત ખેલાડીઓની હરાજીના પ્રથમ બે રાઉન્ડમાં એક પણ ટીમે તેને ખરીદ્યો ન હતો. અંતે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ગેઈલને ખરીદ્યો હતો.

Related posts

આઈપીએલ : આજે બેંગ્લોર-પંજાબ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

દિનેશ કાર્તિક ફરી બની શકે છે કેકેઆરનો કેપ્ટન

editor

ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચ્યો

editor

Leave a Comment

UA-96247877-1