Aapnu Gujarat
ગુજરાત

પાંડેસરાના રેપ વીથ મર્ડરના કેસમાં મુખ્ય આરોપી પકડાયો

ગુજરાત સહિત દેશભરમાં બહુ ચકચાર જગાવનાર પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી ૧૧ વર્ષીય બાળકીના કેસમાં ૧૩ દિવસની ભારે મહેનત અને અથાગ પ્રયાસો બાદ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચને મુખ્ય આરોપી હર્ષ ગુર્જરની ધરપકડ કરવામાં અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં બહુ મોટી સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચ દ્વારા સનસનીખેજ એવા આ કેસમાં મુખ્ય આરોપી હર્ષ ગુર્જર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં આ કેસને લઇ ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે. સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી અને નોંધનીય વાત એ સામે આવી હતી કે, બાળકીની લાશ પાંડેસરાના જે વિસ્તારમાં ફેંકાઇ ત્યાં આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલી કાળા કલરની કાર માત્ર ૫૬ સેકન્ડ માટે રોકાઇ હતી અને તેના સીસીટીવી ફુટેજમાં કાળા કલરની આ કાર તેની હેડલાઇટના પ્રકાશના આધારે એક પારખુ પોલીસ જવાનની નજરમાં કેદ થઇ જતાં માત્ર આટલી નાની અમથી કડી પરથી ક્રાઇમબ્રાંચે આરોપીઓના ઘર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે સુરતના પાંડેસરના સોમેશ્વર સોસાયટીમાં રહેતા હરિસિંહ ગુર્જરની ધરપકડ કરી આખરે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. તેની પૂછપરછના આધારે મુખ્ય આરોપી એવા તેના ભાઇ હર્ષ ગુર્જર સહિત બે આરોપીઓને પણ પોલીસે રાજસ્થાનના ગંગાપુરથી ઝડપી લીધા હાત. પોલીસે હત્યા કરાયા બાદ બાળકીને જે કારમાં લઇ જઇ પાંડેસરા વિસ્તારમાં બાલાજી ગોડાઉનથી ૫૦૦ મીટરના અંતરે ફેંકવામાં આવી હતી, તે જી.જે ૫ સી.એલ ૮૫૨૦ નંબરની કાર પણ જપ્ત કરી લીધી હતી. પાંડેસરાના વડોદ વિસ્તારમાંથી કાર ઝડપાઈ હતી. દરમ્યાન પોલીસ બાળકીની માતાની પણ તપાસ ચલાવી રહી છે, જે પણ ગાયબ છે. પોલીસ તેની પણ હત્યા થઇ છે કે કેમ તેની તપાસમાં હવે જોતરાઇ છે. આ માટે પોલીસે આરોપીઓની કડકાઇથી પૂછપરછ શરૂ કરી છે. જેમાં બહાર આવેલી પ્રાથમિક વિગતોમાં, આરોપીઓ બાળકીને તેમના ટાઇલ્સના કોન્ટ્રાકટના કામમાં કામ કરાવવા માટે રાજસ્થાનથી લાવવામાં આવી હતી પરંતુ પાછળથી તેની પર દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઇ હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસ હવે તેની માતાની તપાસ કરી રહી છે કારણ કે, આ સમગ્ર પ્રકરણ હવે ડબલ મર્ડર કેસની આશંકામાં ઘેરાતો જાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગત ૬ એપ્રિલના રોજ દુષ્કર્મ અને હત્યા કરાયેલી હાલતમાં ૧૧ વર્ષીય બાળકી મળી આવી હતી. બાળકીની ઓળખ નહી થતાં પોલીસને એક તબક્કે જાણકારી આપનારને ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. બીજીબાજુ, અત્યંત ઘૃણાસ્પદ અને ફિટકાર જન્માવે તેવી આ ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને ૧૩ દિવસ બાદ આજે શહેર ક્રાઇમબ્રાંચને બહુ મોટી સફળતા મળી હતી અને ત્રણ આરોપીઓને પકડી લઇને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો હતો. હવે બાળકીના પિતાનો દાવો કરનારા અને બાળકીના ડીએનએ ટેસ્ટ મેચ થાય છે કે નહી તેના રિપોર્ટની પોલીસ દ્વારા રાહ જોવાઇ રહી છે.

Related posts

લોકરક્ષક દળ ભરતી પરીક્ષા પેપર લીક કૌભાંડ : મનહર પટેલે ચિલોડાની એક હોટલ ખાતે રૂપિયા ઉઘરાવ્યા

aapnugujarat

ચાંદખેડામાં તસ્કરો ત્રાટક્યાં

aapnugujarat

युवती की शादी के पहले प्रेमी की हत्या करके शव को पेड़ पर लटकाया  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1