Aapnu Gujarat
ગુજરાત

નરોડા પાટિયા કાંડમાં માયાબહેન કોડનાની નિર્દોષ : બજરંગીને સજા

ગુજરાતના અતિસંવેદનશીલ રાયોટીંગ કેસ પૈકીના એક અને ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ એ.એસ.સુપહીયાએ આજે બહુ મહત્વના સીમાચિહ્નરૂપ ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં હાઇકોર્ટે ભાજપના પૂર્વ પ્રધાન અને નરોડાના પૂર્વ ધારાસભ્ય ડો.માયાબહેન કોડનાનીને સ્પેશ્યલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજાનો હુકમ ગેરકાયદે અને રદબાતલ ઠરાવી તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ડો.માયાબહેન કોડનાનીને નિર્દોષ ઠરાવતાં માયાબહેનને બહુ જ મોટી રાહત મળી છે. બીજીબાજુ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી જેલની ટ્રાયલ કોર્ટે સજામાં ઘટાડો કરી હાઇકોર્ટે બજરંગીને ૨૧ વર્ષની જન્મટીપની સજા કરી છે. તદુપરાંત, હાઇકોર્ટે ૧૩ જેટલા આરોપીઓની જન્મટીપની ૨૧ વર્ષની સજા કાયમ રાખી છે. આ સિવાય સ્પેશ્યલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા આરોપીઓ પૈકીના ત્રણ આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા છે અને તેમને સાંભળીને હવે હાઇકોર્ટ તા.૯મી મેના રોજ સજા સંભળાવશે. નરોડા પાટિયાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ કેસમાં સીટ સ્પેશ્યલ કોર્ટના ડેઝીગ્નેટેડ જજ ડો.જયોત્સનાહબેન યાજ્ઞિકે ડો.માયાબહેન કોડનાનીને ૨૮ વર્ષની જેલ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા સહિત કુલ ૩૨ આરોપીઓને ૧૪થી ૨૧ વર્ષ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી, જયારે ૨૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. સીટ સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદાથી નારાજ ડો.માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ દ્વારા તેમની સજાના હુકમને પડકારતી જુદી જુદી અપીલો ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ હતી, તો, સામે પક્ષે આરોપીઓની સજા વધારવા અને નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા કરાવવા માટે સરકારપક્ષ તરફથી તેમ જ ફરિયાદી અસરગ્રસ્તપક્ષ તરફથી પણ અપીલો દાખલ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે ડો.માયાબહેન કોડનાનીની અપીલ ગ્રાહ્ય રાખી તેમને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજાનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો અને તેમને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આરોપી બાબુ બજરંગીની અપીલ અંશતઃ ગ્રાહય રાખી હતી અને તેમને જીવે ત્યાં સુધી જેલના બદલે ૨૧ વર્ષની જન્મટીપની સજા કરી છે. હાઇકોર્ટે સરકારપક્ષ અને ફરિયાદી અસગ્રસ્ત પક્ષની અપીલો અંશતઃ ગ્રાહ્ય રાખી હતી. જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયેલા ૨૯ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા છે અને તેમને સાંભળીને હવે હાઇકોર્ટ દ્વારા તા.૯મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ડો.માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના કેટલાક આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ યોગેશ લાખાણી, બી.બી.નાયક સહિતના દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા, જયારે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર પ્રશાંત જી.દેસાઇ, આર.સી.કોડેકર અને ગૌરાંગ વ્યાસ હાજર રહ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટે ઓગસ્ટ-૨૦૧૭માં ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કર્યો હતો. અપીલ ચાલવા દરમ્યાન આરોપી અશોક ઉત્તમચંદ ગુજરી ગયો હતો. હાઇકોર્ટના ચુકાદાથી સૌથી મોટી રાહત ડો.માયબહેનને મળી છે.

Related posts

કોંગીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત ૨૮ સભ્યો સસ્પેન્ડ કરાયા

aapnugujarat

परप्रांतीयों पर हमले के केस में राज्य सरकार का एफिडेविट

aapnugujarat

राहुल गांधी ने किए जगन्नाथ मंदिर में दर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1