Aapnu Gujarat
રાષ્ટ્રીય

એસસી-એસટી એક્ટમાં ચુકાદાથી દેશમાં રોષ છે : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી સ્પષ્ટ રજૂઆત

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે જોરદાર રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, એસસી-એસટી એક્ટને લઇને હાલમાં જ આપવામાં આવેલા તેના ચુકાદાથી આ કાયદાની જોગવાઈ નબળી પડી ગઈ છે. આના કારણે દેશને નુકસાન થયું છે. એસસી-એસટી એક્ટમાં ચુકાદાને લઇને દેશમાં નારાજગી પ્રવર્તી રહી છે. એક્ટની જોગવાઈઓ નબળી પડી છે. આમા સુધારા માટે પગલા લઇ શકાય છે. સરકારે ટોપ કોર્ટમાં કહ્યું હતું કે, આ અતિસંવેદનશીલ ચુકાદા પર તેના નિર્ણયથી દેશમાં નારાજગી પ્રવર્તી રહી છે. ધાંધલ ધમાલ અને હિંસાનું વાતાવરણ સર્જાયું છે. સરકાર સ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પગલા લઇ રહી છે પરંતુ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. સરકારે એવી રજૂઆત પણ કરી હતી કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉભી થયેલી ભ્રમની સ્થિતિને ચુકાદા પર ફેરવિચારણા કરીને અથવા તો નિર્ણયને પરત લઇને ભ્રમને દૂર કરી શકાય છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે લેખિતરીતે સરકાર તરફથી અભિપ્રાયો રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક્ટ ૧૯૮૯માં સુધારાન કોઇ વાત થઇ નથી. આના બદલે તેના દ્વારા કેટલીક જોગવાઇમા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને તેની શક્તિઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, ન્યાયપાલિકા અને વિધેયકાઓની શક્તિઓ જુદી જુદી છે. રજૂઆતમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હિંસા નિવારણ એક્ટમાં જે ફેરફાર કર્યા છે તેનાથી દેશને નુકસાન થયું છે. કેન્દ્રની મોદી સરકારનું વલણ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, આ ખુબ જ સંવેદનશીલ મામલો છે. આ ચુકાદાના પરિણામે દેશમાં ખુબ જ નારાજગી દેખાઈ રહી છે. સદ્‌ભાવની ભાવના ખતમ થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે ૨૦મી માર્ચના દિવસે ચુકાદો આપ્યા બાદ તેની પ્રતિક્રિયા બે વખત જોવા મળી ચુકી છે. બીજી એપ્રિલના દિવસે દલિત સંગઠનો તરફથી ભારત બંધની હાંકલ કરવામાં આવી હતી. ભારત બંધ હિંસક રહેતા વ્યાપક તોડફોડ અને હિંસા થઇ હતી. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વેળા એસસી-એસટી એક્ટ હેઠળ તરત ધરપકડ ઉપર પ્રતિબંધ મુકવા અને આગોતરા જામીનની જોગવાઈને મંજુરી આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમના આ ચુકાદા બાદ દલિત સમુદાયના લોકોમાં અભૂતપૂર્વ નારાજગી જોવા મળી હતી અને ભારત બંધની હાકલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી સાથે સંબંધિત ચુકાદા સામેના વિરોધમાં બીજી એપ્રિલના દિવસે ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૧૩થી પણ વધુ લોકોના મોત થયા હતા. સંપત્તિને વ્યાપક નુકસાન પણ થયું હતું. સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. બીજી એપ્રિલ બાદ સોશિયલ મિડિયા ઉપર અપાયેલા ૧૦મીના બંધને લઇને પણ હિંસા ભડકી ઉઠી હતી જેમાં અનેક જગ્યાઓએ ઝપાઝપી થઇ હતી. અનેક જગ્યાઓએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાને લઇને તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને આજે કેન્દ્ર સરકાર તરફથી ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

Related posts

રાષ્ટ્રપતિ કરતાં ઉપરાષ્ટ્રપતિનું બજેટ છ ગણું વધારે હોય છે

aapnugujarat

2 Pak infiltrators from L-e-T killed and 1 of their injured associates fled back to PoK at Rajouri

editor

વિજય માલ્યા મામલે જેટલીનાં રાજીનામાંની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1