Aapnu Gujarat
ગુજરાત

બજેટસત્ર ખોરવવાના વિપક્ષના વર્તન સામે વિરોધ દર્શાવવા મુખ્યપ્રધાન સહિતના ભાજપ નેતાના આજે પ્રતિક ઉપવાસ

તાજેતરમાં સંસદનું બજેટસત્ર વિપક્ષના અસહકારભર્યા વલણના કારણે ખોરવાઇ જવાના વિરોધમાં ભાજપ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માંડી પક્ષના નાનામાં નાના કાર્યકરો પણ જોડાનારા છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના નેતાઓ આવતીકાલે લાલદરવાજા પાસે અપના બજારની સામે પાર્કિંગ પ્લોટમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી વિપક્ષના વર્તનનો અનોખો વિરોધ કરશે. તો આ જ પ્રકારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં પ્રતિક ઉપવાસ કરવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ આજે અમદાવાદમાં વિવિધ વોર્ડ અને સ્થળોએ પ્રતિક ઉપવાસ પર બેસવાના છે. રાજયમાં ભાજપ દ્વારા જિલ્લા-તાલુકા કક્ષાએ પણ પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં જિલ્લા-તાલુકા ભાજપના સ્થાનિક નેતાઓ, આગેવાનો અને કાર્યકરો જોડાશે. આજે શહેરમાં લાલ દરવાજા પાસે અપના બજારની સામે પ્રતિક ઉપવાસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, સાંસદ ડો.કિરીટ સોલંકી, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, શંકર ચૌધરી અને વીર સતિશજી સહિતના સંખ્યાબંધ નેતાઓ અને આગેવાનો પણ જોડાશે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રતિક ઉપવાસ કાર્યક્રમને લઇ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, સલામતી, ટ્રાફિક નિયમન સહિતના ચોક્કસ પગલા લેવાયા છે. તો, અમદાવાદ શહેરના વિવિધ વોર્ડોમાં ભાજપ દ્વારા સવારે ૧૦-૦૦થી લઇ સાંજે પ-૦૦ વાગ્યા સુધી બબ્બે કલાકના પ્રતિક ઉપવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ પ્રમુખોથી માંડી સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપવાસ પર બેસશે.
ગુજરાતમાં પ્રતિક ઉપવાસના ભાજપના એલાનને સફળ બનાવવા ગાંધીનગર સ્થિત ભાજપના કમલમ્‌ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારોની એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, શંકર ચૌધરી અને વીર સતિશજી સહિતના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં તા.૧૪મી એપ્રિલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે ડો.બાબા સાહેબની પ્રતિમાને ભાજપના નેતાઓને નહી સ્પર્શવા અંગેની દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીની ચીમકીને લઇ મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ બીજેપી નેતાઓ સંસદની કાર્યવાહી ખોરવવાના વિપક્ષના વર્તનના વિરોધમાં પ્રતિક ઉપવાસ પર બેસવાના છે જે નોંધનીય ઘટના છે.

Related posts

ઠક્કરનગરમાં વેપારીની છરીના ઘા મારીને ક્રૂર હત્યાથી ચકચાર

aapnugujarat

બાપુનગરમાં ચાર આરોપીને લોકઅપમાં પુરાતા હોબાળો

aapnugujarat

શહેરનાં મુખ્ય બ્રિજ નીચેની જગ્યા બગીચા તરીકે વિકસાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1