Aapnu Gujarat
ગુજરાત

બાપુનગરમાં ચાર આરોપીને લોકઅપમાં પુરાતા હોબાળો

શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ, ગુંડાઓનો આંતક દિન પ્રતિદિન વધતો જાય છે. થોડા દિવસો પહેલાં જ પૂર્વ વિસ્તારના નાગરિકો દ્વારા પોલીસને જાગૃત કરવા અને આવા અસામાજિક-ગુંડા તત્વોને નશ્યત કરવાની માંગણી સાથે રેલીઓ યોજવામાં આવી હતી પરંતુ તેમછતાં આજે ફરીથી બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ખાતે કેટલાક અસામાજિક અને ગુંડા તત્વોએ ખુલ્લી તલવારો સાથે જાહેરમાં આંતક મચાવતાં સમગ્ર વિસ્તારમાં ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે, બાપુનગર પોલીસે આ પ્રકરણમાં ચાર આરોપીઓને લોકઅપમાં પૂરતાં તોફાની ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લઇ જોરદાર હોબાળો મચાવ્યો હતો. બીજીબાજુ, સ્થાનિક લોકોમાં આવા તત્વો વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં ગરીબનગરના છાપરામાં આફતાબ ઉર્ફે અલ્તાફ એહમદ શેખ અને સરવર અબ્દુલ કરીમ નામના બે માથાભારે યુવકો વિરૂધ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તેઓ અગાઉ દારૂના ધંધામાં પણ સંડોવાયેલા હતા. શનિવારે આ બંને માથાભારે શખ્સો વચ્ચે કોઇ કારણસર સમગ્ર મામલો બીચકયો હતો અને બંને પક્ષે ટોળાઓ હાથમાં ખુલ્લી તલવારો, ચપ્પા, પાઇપો, દંડા સહિતના હથિયારો લઇ સામસામે આવી ગયા હતા. એટલું જ નહી, જોતજોતામાં બંને પક્ષે જબરદસ્ત પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જાહેરમાં આતંકની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક લોકોમાં ભારે ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બાપુનગર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે અલ્તાફ અને સરવર સહિત ચાર જણાંને લોકઅપમાં પૂરતા તેમના સમર્થકો એવા તોફાની ટોળા દ્વારા જોરદાર હોબાળો મચાવાયો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતું. દરમ્યાન ગોમતીપુર વિસ્તારમાં રાજપુર ખાતે ગઇ મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી, જેમાં ચાર જણાંને ઇજા પહોંચી હતી. ગોમતીપુર પોલીસે આ બનાવ અંગે ૭૦થી ૮૦ જણાં વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો સહિતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

સ્ત્રી મિત્રને પાઠ ભણાવવા પ્લેન હાઇજેકની ધમકી આપનાર બિરજુ સલ્લાને આજીવન કારાવાસની શક્યતા

aapnugujarat

વોટબેંક મેળવવા માટે કોંગ્રેસે હવે ઓબીસી ટ્રમ્પ કાર્ડ રમ્યું

aapnugujarat

દિયોદરના સામાલા ગામે નર્મદાના નીર વધાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1