Aapnu Gujarat
ગુજરાત

વિદ્યાપીઠ નજીક આંગડિયા લૂંટ-હત્યા કેસમાં તમામ છ આરોપીઓ ૧૧ દિનના પોલીસ રિમાન્ડ પર

શહેરના આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસેના પોશ એરિયામાં જાહેરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા પ્રકરણમાં વાડજ પોલીસે આજે છ આરોપીઓને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે તમામ આરોપીઓને તા.૨ જી એપ્રિલ સુધીના ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા મહત્વનો હુકમ કર્યો હતો. જો કે, પોલીસની રિમાન્ડ અરજીમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપીઓ દ્વારા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બહુમૂલ્ય હીરા, મોતી, સ્ટોન, રોકડ રકમ સહિત કુલ અઢી કરોડ રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી, જેમાં હજુ માત્ર રૂ.૪૪ લાખના મુદ્દામાલની જપ્તી જ થઇ શકી છે. વાડજ પોલીસે આજે વિદ્યાપીઠ લૂંટ વીથ મર્ડરના ચકચારભર્યા કેસમાં આરોપી જોરાવરસિંહ ઉર્ફે જોરુ વાઘજીભાઇ ચૌહાણ, રાજુ મારવાડી, પ્રકાશ મારવાડી, કિરીટ ચૌહાણ અને રજનીશ ધોબી(કનોજિયા) અને ઉત્તરપ્રદેશના શાર્પશૂટર આશુ યાદવ એમ છ આરોપીઓને લોખંડી જાપ્તા હેઠળ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીઓ લૂંટ ચલાવ્યા બાદ અને આંગડિયા પેઢીના કર્મચારીને ફાયરીંગ કરી મોત નીપજાવ્યા બાદ સુરેન્દ્રનગર અને ઉત્તરપ્રદેશ નાસી ગયા હતા અને ત્યાં લૂંટનો મુદ્દામાલ સંતાડી દીધો છે, તેથી આરોપીઓને સાથે રાખી ત્યાં તપાસ કરવા જવાનું છે. આરોપીઓ પિસ્ટલ સહિતના હથિયારો કયાંથી અને કોની મદદથી લાવ્યા હતા તેની તપાસ કરવાની છે. આરોપીઓ ગુનો આચર્યા બાદ કયાં કયાં છુપાયા હતા અને તેમને કોણે આશરો આપ્યો હતો તે વિશે માહિતી જાણવાની છે. આ સમગ્ર પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે, તે પણ જાણવાનું છે. આ ગુનામાં અન્ય આરોપીઓ ઉત્તરપ્રદેશના વતની એવા પ્રદીપ ભૈયા, મોહમંદ શકીલ ઉર્ફે કકુ અને મકસુદ આલમ ઉર્ફે રાણા એ ત્રણ આરોપીઓના હજુ નાસતા ફરે છે અને તેઓને પકડવાના છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓના પૂરતા દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે તમામ છ આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરની રતનપોળમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી અરવિંદભાઇ પટેલ(ઉ.વ.૫૦) વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ આંગડિયાનો થેલો લઇ મહેસાણા-પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે મહેસાણા-પાલનપુર જવાના એસટી બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા. અરવિંદભાઇ એસટી બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક જ બે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી અરવિંદભાઇ પાસેથી થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરવિંદભાઇએ હાથમાં થેલો છોડયો ન હતો, તેથી ઉશ્કેરાયેલા લૂંટારુ શખ્સોએ તેમની પાસેના રિવોલ્વર જેવા હથિયારમાંથી તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ફાયરીંગ કર્યું હતું. એક પછી એક એમ ત્રણ ગોળીઓ ધરબાઇ જતાં અરવિંદભાઇ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા અને લુંટારાઓ રૂ.૫.૧૦ની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી છૂટયા હતા.

Related posts

अहमदाबाद को पानी देता रास्का नहर अभी ३ महीने बंद रहेगा

aapnugujarat

સજા હાર્દિકનું ભાવિ બગાડી શકે ?!

aapnugujarat

पांच से ज्यादा मेमो मिलने वाले को १० दिनों में जुर्माना चुकाना पड़ेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1