Aapnu Gujarat
ગુજરાત

૧૪ ઉત્સવ પૈકી ૧૦માં કોઇ વિદેશી પ્રવાસી ફરકયો નહીં

રાજય સરકાર દ્વારા ટુરીઝમ હબ અને છાશવારે કરોડો રૂપિયાના ખર્ચે ઉત્સવોનું આયોજન કરી વિદેશી પર્યટકોને આકર્ષવાના કરાતા દાવાઓ પોકળ અને ખોખલા સાબિત થયા છે. પ્રજાના પૈસે ઉત્સવોના તાયફા કરતી રાજય સરકારને આ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે જોરદાર રીતે ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન વિભાગ દ્વારા અપાયેલી માહિતીમાં એવી ચોંકાવનારી માહિતીનો ખુલાસો થયો હતો કે, સરકારના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લ બે વર્ષમાં ૧૪થી વધુ ઉત્સવો-મહોત્સવો યોજાયા હતા અને તેની પાછળ રૂ.૬,૨૦૮ લાખ એટલે કે, રૂ.૬૨.૦૮ કરોડનું આંધણ કરાયું હતું પરંતુ તેમછતાં ૧૪માંથી ૧૦ ઉત્સવોમાં એક પણ વિદેશી પર્યટક ફરકયો સુધ્ધાં ન હતો. ટુરીઝમ હબ અને પ્રજાના પૈસે ઉત્સવોના તાયફા કરતી ભાજપ સરકાર પર વિપક્ષે આ મુદ્દે પસ્તાળ પાડી હતી.વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી મુજબ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઉત્સવો પાછળના બેફામ ખર્ચાઓમાં સૌથી વધુ રૂ.૫૪૦૪ લાખ ડેકોરેશન અને અન્ય ખર્ચ પાછળ કરાયા હતા. જો કે, તેમછતાં રાજય સરકાર કે તેનો પ્રવાસન વિભાગ વિદેશી પર્યટકોની સંખ્યા વધારી શકયા ન હતા. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા રાજયમાં ઉત્સવો-મહોત્સવના આયોજન સંબંધી પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખુદ પ્રવાસનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧૪ જેટલા ઉત્સવો-મહોત્સવો યોજવામાં આવ્યા હતા, જેની પાછળ રૂ.૬૨.૦૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેમાં ૨૦૧૬માં રૂ. ૨૧૧૪ લાખ અને ૨૦૧૭માં રૂ.૪૦૯૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં આ મહોત્સવોમાં ૨૨૧૮ જેટલા વિદેશી પર્યટકો અને ૨૦૧૭માં ૨૭૨૨ વિદેશી પર્યટકો આવ્યા હતા પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, તેમાંથી દસ મહોત્સવ એવા હતા કે, જેમાં એકપણ વિદેશી પ્રવાસી ફરકયો સુધ્ધાં ન હતો. વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, પ્રવાસન વિભાગે આ મહોત્સવ એટલા માટે યોજયા હતા કે, રાજયમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધે પરંતુ આ મહોત્સવો માત્ર તાયફા અને સરકારની ઉજવણીનું નાટક બનીને રહી ગયા હતા. કારણ કે, બે વર્ષમાં ૧૪ મહોત્સવો પાછળ રૂ.૬૨.૦૮ કરોડનું આંધણ કરવા છતાં પણ માંડ પાંચ હજાર વિદેશી પર્યટકો આકર્ષી શકાયા ન હતા.

Related posts

કાંકરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા થરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

અમદાવાદીઓને આજથી રાસ્કાનું પાણી મળશે

aapnugujarat

તુટેલા રોડ મામલે ઈજનેરોને બચાવી લેવા માટે પેરવી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1