Aapnu Gujarat
ગુજરાત

ચાણકયપુરી વિસ્તારમાં કોલેજિયન યુવક ડ્રાઇવરની બેદરકારીથી કચડાઈ ગયો

શહેરના ચાણકયપુરી વિસ્તારમાં આર.સી.ટેકનીકલ રોડ પર આજે વહેલી સવારે ટોરન્ટ ફાર્માની બસના ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી બાજુમાંથી બાઇક પર પસાર થઇ રહેલા કોલેજીયન યુવકને હડફેટે લેતાં યુવક બસના આગલા વ્હીલમાં આવી જતાં ઘટનાસ્થળે જ યુવકનું કરૂણ મોત નીપજયું હતું. યુવકના મોત બાદ ગભરાઇ ગયેલો ટોરન્ટ ફાર્મા બસનો ડ્રાઇવર બસ ત્યાં જ મૂકીને ભાગી છૂટયો હતો. બીજીબાજુ, અકસ્માતને પગલે સ્થાનિક રહીશોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા અને ઉગ્ર વિરોધ કરી આરોપી ડ્રાઇવરને પકડવાની માંગણી સાથે એક તબક્કે ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડયો હતો. બાદમાં ટોરન્ટ ફાર્માની બસનો આરોપી ડ્રાઇવર પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ જતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ચાણકયપુરી વિસ્તારમાં રહેતો અને પ્રેસીડેન્ટ કોલેજમાં અભ્યાસ કરતો સુલભ નીતિનભાઇ પટેલ(ઉ.વ.૨૦) નામનો યુવક આજે તેની યામાહા બાઇક લઇને આર.સી.ટેકનીકલ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વહેલી સવારે ટોરન્ટ ફાર્માની બસની બાજુમાંથી તેણે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોરન્ટ ફાર્માના બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી યુવકને હડફેટે લીધો હતો, જેથી તે ડિવાઇડર સાથે અથડાઇ બાઇક સાથે નીચે સ્લીપ થઇ ગયો હતો અને સીધો જ બસના આગલા વ્હીલમાં આવી ગયો હતો અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત જોઇને સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પરંતુ જોયુ તો, યુવક લોહીલુહાણ હાલતમાં કચડાયેલો પડયો હતો. એ દરમ્યાન બસનો આરોપી ડ્રાઇવર બસ મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. યુવકના કરૂણ મોતને પગલે સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી કારણ કે, આ રોડ પર અવારનવાર આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે અને વારંવાર અહીં બમ્પ અને સ્પીડબ્રેકરની માંગણી કરી હોવાછતાં તે નહી મૂકાતાં સ્થાનિકોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોના વિરોધ અને દેખાવોને લઇ ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં દોડી આવી હતી, તો સ્થાનિક મહિલા કોર્પોરેટર કુસુમબહેન જોશી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે નજીકના સમયમાં ટ્રાફિક વિભાગની મંજૂરી મળતાં જ બમ્પ-સ્પીડ બ્રેકર બનાવવાની હૈયાધારણ આપી હતી. સ્થાનિકોએ પોલીસ સમક્ષ આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવા ઉગ્ર માંગણી કરી હતી. પોલીસે સ્થાનિક રહીશોને ન્યાયી તપાસની કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી સમગ્ર મામલો થાળો પાડયો હતો. કોલેજીયન યુવકના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી તો, તેની કોલેજમાં આ સમાચાર મળતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. મૃતક યુવક સુલભ પટેલના મિત્રોએ ભારે શોક વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સુલભ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, ઘરનો બધો દારોમદાર તેની પર હતો. આ ઘટના બહુ જ દુઃખદ અને આઘાતજનક છે.

Related posts

રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કાળોકેર હજુય યથાવત : મૃતાંક ૫૭ ઉપર પહોંચ્યોં

aapnugujarat

૨૩ ડિસેમ્બરે અમદાવાદમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

aapnugujarat

વયોવૃદ્ધ મહિલા સાથે પોલીસના અમાનવીય વર્તનથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1