Aapnu Gujarat
ગુજરાત

સસ્પેન્ડેડ સભ્યોને દિલ્હીનું તેડું : મોવડીઓ સાથે ચર્ચા કરાશે : ગૃહમાં ગરિમા હણાતાં કોંગી હાઇકમાન્ડે નોંધ લીધી

ગુજરાત વિધાનસભામાં ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને ગાળાગાળીની કલંકિત ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડયા છે. ખાસ કરીને ભાજપના ધારાસભ્ય પર માઇક વડે હુમલો કરનાર અને ગૃહમાં બબાલ કરનારા કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યો પ્રતાપ દુધાત, અમરીષ ડેર અને બળદેવ ઠાકોરને દિલ્હી હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. વિધાનસભા ગૃહમાં લોકશાહીની ગરિમા હણાતાં ખુદ કોંગી હાઇકમાન્ડે તેની ગંભીર નોંધ લીધી છે અને તેથી સસ્પેન્ડેડ ધારાસભ્યોને શીખ અને ખાનગીમાં ઠપકો આપવાના આશયથી તેઓને દિલ્હી બોલાવાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સસ્પેન્ડેડ ધારાસભ્યો પ્રતાપ દુધાત, અમરીષ ડેર અને બળદેવ ઠાકોર આજે મોડી રાત્રે અથવા આવતીકાલે દિલ્હી પહોંચે તેવી શકયતા છે. જો કે, તાજી જાણકારી પ્રમાણે બળદેવ ઠાકોરને પક્ષ દ્વારા બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહત્વની જવાબદારી સોંપાઇ હોવાથી તેઓ હાલ જવાના નથી તેવી વિગતો જાણવા મળી રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહની કલંકિત ઘટનાને લઇ તેની ગંભીરતા સમજી કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત પણ આવતીકાલે દિલ્હી પહોંચી રહ્યા છે અને કોંગી હાઇકમાન્ડ સાથે તેઓ પણ કોંગ્રેસના ગુજરાતના સસ્પેન્ડેડ ધારાસભ્યો સાથે ચર્ચા કરે તેવી શકયતા છે. બીજીબાજુ, આવતીકાલથી ત્રણ દિવસ માટે એટલે કે, તા.૧૬, ૧૭ અને ૧૮ માર્ચે દિલ્હીમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઇ રહ્યું છે, જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, આગેવાનો, ધારાસભ્યો ભાગ લેવા આવનાર છે. રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેમનું પક્ષનું અને તેમનું આ પહેલુ રાષ્ટ્રીય અધિવેશન હોઇ ઘણું મહત્વનું મનાઇ રહ્યું છે. આ અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, ધારાસભ્યો સહિત ૪૦૦ લોકો ભાગ લઇ રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલાં ગુજરાત વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સહિતના પક્ષના મોવડીઓ દ્વારા ચર્ચા વિચારણા કરાશે. સસ્પેન્ડેડ ધારાસભ્યો પાસેથી કોંગ્રેસના મોવડીઓ સમગ્ર ઘટનાની સાચી હકીકત અને અંદરની વાત જાણવાનો પ્રયાસ કરશે. એટલું જ નહી, ગૃહમાં લોકશાહીની ગરિમાને ઝાંખપ લાગે તેવું વર્તન કરવા બદલ પક્ષ દ્વારા આ સસ્પેન્ડેડ ધારાસભ્યોને શીખ આપવાની સાથે સાથે ખાનગીમાં ઠપકો પણ અપાય તેવું ચર્ચાઇ રહ્યું છે કારણ કે, ઉપરોકત કલંકિત ઘટનાને લઇ કોંગ્રેસની છબીને પણ અસર ચોક્કસ થઇ છે અને તે હેતુથી જ કોંગી હાઇકમાન્ડે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ સસ્પેન્ડ ધારાસભ્યોને તાબડતોબ દિલ્હી બોલાવ્યા છે. સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ અને આગેવાનો તો દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Related posts

સરખેજ નજીકથી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં ચરસ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

aapnugujarat

सुरत में सैक्स रेकेट का भांडाफोड : एक गिरफ्तार

aapnugujarat

રાજયસભા ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસના છ ઉમેદવારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1