Aapnu Gujarat
શિક્ષણ

નવચેતન સ્કૂલના ધો-૧૦ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ન્યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજયુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્કૂલ પાસે બોર્ડની માન્યતા નહી હોવાછતાં સંચાલકો અને ટ્ર્‌સ્ટીઓએ વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે પ્રવેશ આપતાં હવે છેલ્લીઘડીયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો અને નવચેતન સ્કૂલના ધોરણ-૧૦ના ૩૨ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી ગંભીર પરિસ્થિતિ આવીને ઉભી હતી. જો કે, આખરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માનવતા દાખવી વિદ્યાર્થીઓનું કારકિર્દીનું આખુ વર્ષ ના બગડે તે હેતુથી તેઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવા અંગે રસ્તો કાઢવાની સૂચના આપતાં રાજય સરકાર દ્વારા આખરે નવચેતન સ્કૂલના આ તમામ ૩૨ વિદ્યાર્થીઓને આવતીકાલથી શરૂ થઇ રહેલી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાનો ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત મળી છે. જો કે, વિદ્યાર્થીઓએ ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ સત્તાવાળાઓ દ્વારા છેલ્લી ઘડીયે હવે આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની ખાસ વ્યવસ્થા કરી છે. દરમ્યાન આ સમગ્ર પ્રકરણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરાયેલી ગંભીર છેતરપીંડી અંગે ડીઇઓ દ્વારા ગઇકાલે નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં આજે શાહીબાગ પોલીસે શાળાના બે આરોપી ટ્રસ્ટીઓ હરીશ દેસાઇ અને સુરેશ દવેની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી એવો કહેવાતો સંચાલક પ્રીતેશ ઘનશ્યામ પટેલ હજુ પણ નાસતો ફરે છે. પોલીસે તેને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કૌભાંડની પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ન્યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજયુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્કૂલ પાસે બોર્ડની માન્યતા નહી હોવાછતાં જૂન-૨૦૧૬માં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી અને ધોરણ-૯ અને ૧૦ના નવા વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની માન્યતા નહી હોવાછતાં પ્રવેશ અપાયો હતો. ધોરણ-૯માં પાસ થયેલા વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ- ૧૦માં આવ્યા હતા અને તેમણે આખુ વર્ષ અભ્યાસ કર્યો હતો અને હવે બોર્ડની પરીક્ષામાં બેસવાનો સમય આવ્યો ત્યારે બોર્ડે શાળાની માન્યતા જ નહી હોવાથી તેઓના ફોર્મ સ્વીકાર્યા જ નહી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમગ્ર મામલાની ખબર પડી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકે તેમ નહી હોવાથી મુખ્ય ટ્રસ્ટી અને ચેરમેન એવા આર.એસ.પટેલ તરફથી હાઇકોર્ટમાં પિટિશન પણ કરાઇ હતી.
જો કે, હાઇકોર્ટે બોર્ડની માન્યતા નહી હોવાથી સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાને લઇ ટ્રસ્ટીઓને કોઇ જ રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે ટ્રસ્ટીઓ તરફથી પિટિશન પાછી ખેંચી લેવાઇ હતી. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મ નહી સ્વીકારાતાં તેમના ભાવિ સામે અંધકાર છવાઇ ગયો હતો કારણ કે, આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી હતી. બીજીબાજુ, વિદ્યાર્થીઓની રોકકળ અને વાલીઓની આજીજીને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માનવતા દાખવી આ વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે માટે તેઓને પરીક્ષામાં બેસવા દેવાની ખાસ સૂચના જારી કરી હતી અને તેના આધારે બોર્ડના સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની વ્યવસ્થા કરાઇ હતી. જો કે, આ વિદ્યાર્થીઓ રેગ્યુલર નહી પરંતુ જે શાળા માન્યતા ધરાવતી હોય તેના ખાનગી વિદ્યાર્થીઓ તરીકે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. જો કે, સરકારના આ માનવતાભર્યા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત મળી છે. તેઓએ સરકારનો ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો બહુ મોટો આભાર માન્યો હતો. ધરપકડ કરવામાં આવેલા શાળાના બે આરોપી ટ્રસ્ટીઓ હરીશ દેસાઇ અને સુરેશ દવેને ૧૪મી સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો છે.

Related posts

शिक्षा पाठ्यक्रम में जीएसटी को शामिल किया जाय : कैट

aapnugujarat

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

editor

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1