Aapnu Gujarat
ગુજરાત

રંઘોળા કરૂણાંતિકા : નાસતા ફરતા ટ્રક ડ્રાઇવરની ધરપકડ

ભાવનગર રાજકોટ હાઇવે પર તાજેતરમાં રંઘોળા ગામ પાસે જાનૈયાઓને જઇ રહેલી એક ટ્રક બ્રીજ પરથી નીચે નાળામાં ખાબકતાં વરરાજાના માતા-પિતા, ભાઇ-ભાભી અને દાદી સહિત કુલ ૩૨ જાનૈયાઓના મોત નીપજવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આજે નાસતા ફરતા ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલાની સાવરકુંડલા પાસેથી ધરપકડ કરી લીધી હતી. આરોપી ટ્રક ડ્રાઇવર પકડાઇ જતાં હવે આ કરૂણાંતિકામાં સત્ય હકીકત બહાર આવી શકશે. પોલીસે આરોપી ડ્રાઇવરની આકરી પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. બીજીબાજુ, આ સમગ્ર કરૂણાંતિકામાં ગંભીર રીતે ઘવાયેલી વધુ એક મહિલાનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક હવે ૩૫ નો થયો છે. ભાવનગર-રાજકોટ હાઇવે પણ રંઘોળા ગામ નજીક બ્રીજ પરથી નાળામાં ટ્રક ખાબકવાના ગોઝારા અકસ્માતમાં જેને કસૂરવાર ઠરાવતી ચર્ચા ચાલી રહી હતી તે ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલા અકસ્માત બાદ છેલ્લા ત્રણ દિવસથી નાસતો ફરતો હતો. પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી, જેમાં મહુવા ડીવાયએસપીના નેજા હેઠળની ટીમ દ્વારા આજે આરોપી ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલાને સાવરકુંડલા પાસે કુંઢડી ગામેથી રંગેહાથ ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. બીજીબૂાજુ, આજે આરોપી ટ્રક ડ્રાઇવરે આત્મહત્યા કરી લીધી હોવાની વાતે સોશ્યલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવી હતી. જો કે, આ આખીય વાત પોલીસ તપાસમાં બોગસ સાબિત થઇ હતી અને અંતે આરોપી પકડાઇ ગયો હતો. આરોપી ટ્રક ડ્રાઇવર વરરાજા વિજયના કૌટુંબિક કાકા થાય છે. બનાવના દિવસે ટ્રક ડ્રાઇવર નીતિન નેસડા ગામે આજે ડિઝલ પૂરાવી ટ્રક લઇને આવ્યા હતા. આ ટ્રક ભોળાદ ગામના પરેશ આહિરની હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રકના બોનેટ પર નીતિનના કૌટુંબિક ભાઇ બેઠો હતો. અગાઉ તેના કહેવા પ્રમાણે, ટ્રક ઓવરટેક કરવા જતાં નિયંત્રણમાં રહી ન હતી અને આખરે બ્રીજ પરથી નીચે પટકાઇ હતી. તે અને ડ્રાઇવર નીતિન એ વખતે ટ્રકમાંથી કૂદી જતાં તેઓ બચી ગયા હતા. ટ્રક ડ્રાઇવર દુર્ઘટના બાદ ગભરાઇ જતાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે, બીજીબાજુ, ટ્રક ડ્રાઇવરે બનાવ વખતે દારૂ પીધેલી હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડયું હતું.
પોલીસે આ તમામ બાબતોની ખરાઇ અને તપાસ હવે ભારે ઝીણવટભરી રીતે શરૂ કરી છે. પોલીસે દાવો કર્યો હતો કે, હવે આ સમગ્ર પ્રકરણમાં સત્ય હકીકત બહાર આવી શકશે.

Related posts

કરણી સેના દ્વારા કરાયેલ આગચંપી મામલાઓમાં વિમા કંપનીઓને સપ્તાહમાં કલેઇમ ચૂકવવાની માંગણી 

aapnugujarat

કેસર કેરીનો આગોતરો પાક ૨૦મી થી બજારમાં આવશે

editor

ગુજરાતમાં આગઝરતી ગરમીથી લોકો પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1