Aapnu Gujarat
બ્લોગ

સિદ્વાર્થ મલ્હોત્રાની સતત ચોથી ફિલ્મ ફલોપ

સિદ્ધાર્થ મલ્હોત્રા આજના યંગસ્ટર્સમાં ખાસ્સો લોકપ્રિય છે પણ કદાચ તેની ફિલ્મોની પસંદગીમાં તે માત ખાઇ રહ્યો છે નહીતર સારો એકટર હોવા છતાં તેને આટલી નિષ્ફળતા સહન કરવી પડી ન હોત.વરૂણ ધવનની કારકિર્દી પણ તેની સમાંતર જ શરૂ થઇ હતી અને રણબીરને પણ તેની જ પેઢીનો ગણાવી શકાય જો કે બંને કલાકારો આજે ટોચે ગણાય છે જ્યારે સિદ્વાર્થ મલ્હોત્રા હજી પોતાના પગ જમાવવાનાં પ્રયાસો કરી રહ્યો છે.હાલમાં જ તેની રજુ થયેલી અય્યારીને પણ દર્શકોએ ખાસ પ્રતિસાદ આપ્યો નથી અને તે ફલોપ સાબિત થઇ છે.તેવામાં સિદ્વાર્થ પર ભરોસો મુકનારા નિર્માતા નિર્દેશકોને આંચકો પહોચ્યો છે.
અય્યારી અંગે વાત કરવામાં આવે તો આ ફિલ્મ સાથે નિરજ પાંડેનું નામ જોડાયેલું છે જે આ પ્રકારની ફિલ્મો બનાવવામાં નિપુણ મનાય છે.તેમણે અ વેનસડે, સ્પેશિયલ ૨૬, બેબી, એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી જેવી સારી ફિલ્મો બનાવી છે.જો કે અય્યારીમાં તે ચુક ખાઇ ગયાનું સ્પષ્ટપણે વર્તાઇ આવે છે. ભારતીય સેનામાં પણ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તેવા વિષય પર તેમણે ફિલ્મ બનાવી પણ તે પોતે જ તેને રજુ કરવામાં ગુંચવાઇ ગયા હોવાનું ફિલ્મ જોતા જણાઇ આવે છે.
બેબીની જેમ આ ફિલ્મમાં પણ એક ટીમ છે જે પોતાની ઓળખ છુપાવીને કોવર્ટ ઓપરેશનને અંજામ આપે છે.આ ફિલ્મમાં લશ્કરનાં ભ્રષ્ટાચાર ઉપરાંત આદર્શ સોસાયટી કૌભાંડને પણ વણી લેવાનો પ્રયાસ કરાયો છે.ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટ નિરજે લખી છે પણ આ સ્ક્રીપ્ટમાં જ અનેક ખામીઓ જોવા મળે છે.ઘણાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેના જવાબ મળતા નથી. જયને અભય પર વિશ્વાસ છે જયારે તેને ભ્રષ્ટાચારની વાત ખબર પડે છે ત્યારે તે અભયને જણાવતો નથી.લશ્કરનાં પ્રમુખને સારા વ્યક્તિ દર્શાવવામાં આવ્યા છે તેમ છતાં જય તેમને મુશ્કેલીમાં મુકે છે.માત્ર ગુરિંદરને પકડાવીને વાત પર વિરામ મુકી શકાતો હતો પણ તેમ કરાયું નથી આ અને આવી ઘણી વાતો ફિલ્મ જોતી વખતે ખટકતી રહે છે અને તેમાં લેખકની નબળાઇ સતત વર્તાતી આવે છે.આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડને જે રીતે ઉજાગર કરાયું છે તે હાસ્યાસ્પદ લાગે છે.સોનિયા અને જયની લવસ્ટોરી પણ ફિલ્મમાં ઠુંસવામાં આવી છે.એક જાસુસ પોતાનું કાર્ડ પોતાની પ્રેમિકા સામે ટેબલ પર ભૂલી જાય તે વાત જ ગળે ઉતરતી નથી.ફિલ્મમાં અનેક પ્રસંગો બિનજરૂરી છે ખાસ કરીને કાશ્મીરનો પ્રસંગ જેમાં અભય એક ખબરીને મારીને જયનો જીવ બચાવે છે આ પ્રસંગને ફિલ્મની વાર્તા સાથે કોઇ જ સંબંધ નથી તેમ છતાં તેને ફિલ્મમાં સ્થાન કેમ આપવામાં આવ્યું છે જે સમજાતું નથી.આ ફિલ્મમાં નિરજની દિગ્દર્શનની ખામીઓ જણાઇ આવે છે.વાર્તાને જે રીતે પડદા પર રજુ કરાઇ છે તે દર્શકોને સતત કન્ફયુઝનમાં રાખે છે.ફિલ્મનાં આરંભમાં ઘણાં છેડાઓ છુટા રાખવામાં આવ્યા હતા અને દર્શકોને લાગે છે કે તે આગળ જતા જોડવામાં આવશે અને અનેક ઉતાર ચડાવ જોવા મળશે પણ તેવું થતું નથી.આ પ્રકારની ફિલ્મોમાં મહિલા કરેકટરની એટલી જરૂરિયાત હોતી નથી તેમ છતાં તેમને રાખવામાં આવે છે અને તે કારણે જ રકુલપ્રીત અને પુજા માત્ર શો પીસ બનીને રહી જાય છે.સિનેમેટોગ્રાફી ઠીક છે પણ એડીટિંગ ઢીલું છે.
અભિનયમાં મનોજ છાપ છોડી જાય છે પણ સિદ્વાર્થના કેરેકટરને યોગ્ય રીતે લખવામાં આવ્યું નથી.પરિણામે તે વેડફાયો હોવાનું લાગે છે.વિક્રમ ગોખલે, આદિલ હુસેન અને કુમુદ મિશ્રા સારા કલાકારો છે અને તે પોતાની છાપ છોડી જાય છે પણ અનુપમ ખેર અને નસીરૂદ્દીન શાહ જેવા ઉત્તમ કલાકારો વેડફાયા છે.આમ સિદ્વાર્થ માટે આ ફિલ્મ પણ એક ખરાબ ફિલ્મ જ સાબિત થઇ છે.પ્રથમ વિકેન્ડમાં આ ફિલ્મે ૧૧.૭૦ કરોડનો વ્યવસાય કર્યો હતો આના કરતા વધારે તો સિદ્વાર્થની જ અ જેન્ટલમેન અને ઇત્તેફાકે કર્યો હતો.
જો કે આ ફિલ્મ જ એટલી નબળી હતી કે તેને ફલોપ જતા કોઇ જ રોકી શકવાનું ન હતું પણ આ ફિલ્મ સાથે જ્યારે સિદ્વાર્થ જેવા સ્ટાર કલાકારનું નામ જોડાય ત્યારે તેને સારી ઓપનિંગ અપાવવાની જવાબદારી પણ તેની જ રહે છે પણ તે પોતાના બળે પ્રથમ વિકેન્ડ તો છોડો પણ પ્રથમ શોમાં પણ દર્શકો લાવી શક્યો ન હતો જે તેના સ્ટારડમ પણ એક આઘાત સમાન છે.તેની સતત આ ચોથી ફિલ્મ છે જે નિષ્ફળ રહી છે.બાર બાર દેખો, અ જેન્ટલમેન, ઇત્તેફાક અને અય્યારી તમામને નિષ્ફળતા જ સાંપડી છે. ઇત્તેફાકે તો અન્ય રાઇટસનાં બળે પોતાની કિંમત વસુલી લીધી હતી પણ થિયેટર્સમાં તો તેનો બિઝનેશ પણ નબળો જ રહ્યો હતો અને સ્ટારડમ થિયેટર દ્વારા જ હાંસલ થાય છે.સિદ્વાર્થની સાથે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર વરૂણ આજે ટોચે છે પણ સિદ્વાર્થ સતત પછડાટ ખાઇ રહ્યો છે જો કરણ જોહરનો સાથ ન મળ્યો હોત તો તે ઇન્ડસ્ટ્રીમાં ટકી શક્યો હોત કે કેમ તે સવાલ છે પણ કરણ તેને ક્યાં સુધી બચાવશે.સિદ્વાર્થે જો ટકવું હશે તો પોતાના બળ પર જ હિટ આપવી પડશે.
પ્રસ્તુત છે સિધ્ધાર્થ સાથેની એક બોલ્ડ મુલાકાત… તારા પહેલા ક્રશ વિશે થોડી વાત કર…. મારી સ્કૂલની બિઝનેસ સ્ટડીની શિક્ષિકા મારો પ્રથમ ક્રશ હતી. અમારી સ્કૂલની તે સૌથી યુવાન શિક્ષિકા હતી અને મને તે ઘણી ગમતી હતી. આ કારણે હું એ વિષયમાં પણ ઘણો રસ લેતો હતો. એ વાત અલગ છે કે હું કંઈ શીખ્યો નહોતો. પરંતુ મને એના લેકચર ગમતા હતા.
તારી પહેલી ડેટ કેવી હતી? તે સમયે હું સ્કૂલમાં હતો અને મારી ઉંમર ૧૬ વર્ષની હતી. મારી ગર્લફ્રેન્ડ સાથે હું એક જોઈન્ટમાં રોલ ખાવા ગયો હતો. આથી વધારે હું ખર્ચી શકું તેમ નહોતું. સ્કૂલ છૂટયા પછી હું તેને ત્યાં લઈ ગયો હતો. અને અમે ફાઉન્ટન પેપ્સી અને રોલ ખાધા હતા. આ ડેટ માટે મારે એક બહાનું બનાવવું પડયું હતું. સવારથી મેં કંઈ ખાધુ નથી આથી તું મને કંપની આપ. આ પછી નિયમિત રીતે મારી સાથે બહાર આવવા મારે માટે એને ઘણી પટાવવી પડી હતી.
તારી પર્ફેક્ટ ડેટ કેવી છે? મને લાગે છે કે એ દરિયા કિનારા પરની છે. દરિયા કિનારો, શીતળ પવન, તારાઓથી ચમકતું આકાશ, ચાંદની આ બધા તત્ત્વો મૂડ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી તમારે વધુ મહેનત કરી પડતી નથી. અને મઝાની વાત તો એ છે કે આ ડેટ સૌથી સોંઘી છે.
શું તુ પ્રથમ નજરના પ્રેમમાં માને છે? હા, મારે પહેલી નજરે જ પ્રેમમાં પડવું છે. જોકે હજુ સુધી મને આનો અનુભવ થયો નથી, પરંતુ અનુભવ કરવો છે. હું રોમાન્ટિક પુરુષ છું. કોઈપણ સ્ત્રીમાં સૌપ્રથમ તારું ધ્યાન ક્યાં ખેંચાય છે? મને લાગે છે એના વાળ. બીજી કોઈ વસ્તુ પહેલા તેના કેશ પર મારું ધ્યાન ખેંચાય છે. અને કઈ વસ્તુ ગમતી નથી?
શરીરની ગંધ. જોકે મને આની ઘણી સૂગ છે. આ ઉપરાંત બ્રાન્ડની દીવાની સ્ત્રી મને જરા પણ આકર્ષી શકતી નથી. સાઈઝ ઝીરો કે ભરાવદાર કાયા? પર્ફેક્ટ સ્ત્રી કોઈ નથી. દરેકમાં કોઈને કોઈ પ્લસ અને માઇનસ પોઈન્ટ હોય છે. સાઈઝ ઝીરો હોવા છતાં સ્વસ્થ હોય તો એ આકર્ષક છે. વળાંકોનો પ્રશ્ન છે તો કોને એ નથી ગમતા? હું પંજાબી હોવાથી મને વળાંકો પ્રિય છે. કોઈ યુવતી આકર્ષક હોય પરંતુ ભરાવદાર હોય તો તે પણ મને આકર્ષી શકે છે. તને મળેલી કોઈ વિચિત્ર પ્રશંસા તને યાદ છે? મારા મોડેલિંગના દિવસો દરમિયાન હું દિલ્હીમાં એક ફોટો શૂટ કરતો હતો. આથી મેં ચૂસ્ત શોર્ટસ પહેર્યાં હતા. એક છોકરીએ મારી પાસે આવીને મને કહ્યું હતું કે આ શોટ્‌ર્સ તને જે રીતે ફીટ થાય છે એ મને પસંદ પડયું છે. તે સમયે હું ૧૮ કે ૧૯ વરસનો હતો. પહેલા તો હું આનો અર્થ સમજી શક્યો નહોતો. હા, આ શોટ્‌ર્સ સારે છે,’’ એમ મેં તેને કહ્યું હતું ત્યારે તેણે મને કહ્યું હતું ના, તને જે રીતે એ ફીટ થાય છે એ મને ગમે છે,’’ આ પછી મારા મગજમાં બત્તી થઈ અને મેં આરસીમાં જોયું તો ચોક્કસ જગ્યાઓ પર આ શોટ્‌ર્સ ઘણા ટાઈટ હતા. (સ્મિત ફરકાવે છે).
બોલીવુડની સૌથી સેક્સી અભિનેત્રી કોણ છે એમ તને લાગે છે? કરીના કપૂર ખાન ખરેખર સેક્સી છે. મને કેટરિના કૈફ પણ ઇશ્ક શાવા (જબ તક હૈ જાન)માં ગમી હતી. આ ગીતમાં તેણે પહેરેલો ડ્રેસ પણ સેકસી હતો. અને ભૂતકાળમાં હું માધુરી દીક્ષિતનો મોટો ચાહક હતો.
તારી પહેલી ફિલ્મ ’સ્ટુડન્ટ ઑફ ધ યર’માં આલિયા ભટ્ટ સાથે તારું એક ચુંબન દ્રશ્ય હતું. તો શું તને આવા દ્રશ્યો ભજવતા સંકોચ થાય છે ખરો? ના, આનો સંપૂર્ણ શ્રેય આલિયા અને કરણ જોહરને જાય છે. તેમણે આ દ્રશ્યને ઘણું સુંદર બનાવ્યું હતું. સામાન્ય રીતે અમે આ દ્રશ્યની પ્રેક્ટિસ કે રિહર્સલ કર્યું હતું. તેની ઉંમર પ્રમાણે આલિયા ઘણી આત્મવિશ્વાસુ છે. તે કેમેરાને સમજે છે. જોકે આ દ્રશ્ય ભજવવાનું છે એ જાણતા હું થોડો નર્વસ થયો હતો. કારણ કે, અત્યાર સુધી કોઈ પણ હીરો-હિરોઈનની જોડીએ પડદા પર સારું કહી શકાય એવું બેનમૂન ચુંબન દ્રશ્ય આપ્યું નહોતુ. આ ઉપરાંત કરણ પણ પહેલી વાર ચુંબન દ્રશ્યનું શૂટ કરી રહ્યો હતો. ભવિષ્યમાં પણ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હશે તો હું આવા દ્રશ્યો ભજવવા તૈયાર છું. જોકે આ માટે હું મરણિયો બન્યો નથી. પરંતુ વાર્તાની જરૃરિયાત હોય અને દ્રશ્ય બિભત્સ રીતે નફિલ્માવાય તો શું વાંધો છે?

Related posts

આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી ભારતીય રેલવે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

મોદી માટે મોરચો મુશ્કેલ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1