Aapnu Gujarat
ગુજરાત

નાણાપ્રધાનનાં બજેટ પ્રવચન વચ્ચે કોંગ્રેસના સભ્યોનો ભારે હોબાળો

રાજયના નાણાંમંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું નાણાંકીય બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસના સભ્યોએ જોરદાર વિરોધ, હંગામો અને હોબાળો મચાવ્યો હતો. જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના વોકઆઉટ બાદ નાણાંમંત્રી નીતિન પટેલે રાજયનું બજેટ રજૂ કર્યું હતું. જો કે, નાણાંમંત્રીના બજેટને વિરોધ પક્ષ કોંગ્રેસે આકરા શબ્દોમાં વખોડી કાઢયું હતું અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ બજેટ એ માત્ર અલંકારિક શબ્દોથી મઢેલુ આંકડાકીય માયાજાળ છે. તેમાં ૨૦૧૯નીઆગામી લોકસભાની તૈયારીઓનું પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાતની ભોળી અને નિર્દોષ પ્રજાને કાલ્પનિક અને ભ્રામક વાતોની માયાજાળમાં ફસાવવા સિવાય કોઇ કામ ભાજપ સરકાર કરતી નથી તેવો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો સરકાર વિરોધી અને રૂપાણી સરકારના રાજીનામાંની માંગણી સાથે જોરદાર સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી મૂકયું હતું. વિરોધપક્ષ કોંગ્રેસના સભ્યોએ કેગનો રિપોર્ટ વિધાનસભા સત્રની શરૂઆતમાં જ રજૂ કરવા માંગણી કરી હતી અને પ્રજાના પૈસે જે તાયફા કર્યા છે, તેની પાઇપાઇનો હિસાબ આપવા તાકીદે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી હતી. ગુજરાત વિધાનસભામાં આજે બપોરે એક વાગ્યે રાજયના નાણાંમંત્રી નીતિન પટેલે રાજયનું નાણાંકીય બજેટ રજૂ કરવા માટે જેવા ઉભા થયા અને પોતાનું પ્રવચન શરૂ કર્યું કે, તરત જ કોંગ્રેસના સભ્યોએ ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષના શાસનનો હિસાબ માંગ્યો હતો અને પૃચ્છા કરી હતી કે, તમે લોકોને વિકાસ અને મોટા મોટા સપનાઓ બતાવી અત્યારસુધી છેતર્યા છે તો આજે ગૃહમાં ગુજરાતની પ્રજાને તેનો જવાબ આપો. ભાજપ સરકારે સૌનો સાથ, સૌનો વિકાસના નામે મસમોટા બણગાં ફુંકયા પણ રાજયના છેવાડાના માનવી સુધી હજુ બુનિયાદી તેમ માળખાકીય સુવિધાઓ અને લાભો પહોંચાડવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. પ્રજાના કરોડો રૂપિયા ભાજપ સરકારે તેના તાયફાઓ, મેળાવડા અને ઉત્સવો પાછળ પોતાના અંગત સ્વાર્થમાં ખર્ચી રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં જોરશોરથી પાણી વગરની રૂપાણી સરકાર નહી ચલેગી, નહી ચલેગી, નર્મદાનું પાણી રૂપાણી પી ગયા, દલિત વિરોધી, ખેડૂત વિરોધી સરકાર નહી ચલેગી, નહી ચલેગી, ગામડા વિરોધી સરકાર, ખેડૂત વિરોધી સરકાર નહી ચલેગી સહિતના જોરદાર સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી મૂકયું અને શાસકપક્ષ પર હાવી થઇ ગયા હતા. વિપક્ષના સભ્યોએ ભાજપ સરકારને ચાબખા મારતાં જણાવ્યું કે, ભાજપના શાસનમાં ખેડૂતોને ટેકાના ભાવો મળતા નથી, નર્મદાનું પાણી ચૂંટણીના તાયફાઓ અને ઉત્સવોમાં વાપર્યું, પ્રચાર ઉત્સવ માટે વડાપ્રધાન મોદીએ સી પ્લેન ઉડાડયું, આજી ડેમ ભરવા કચ્છની યોજના પાછળ નર્મદાનું પાણી વેડફી નાંખ્યું છે અને આજે પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે, પ્રજાને પીવાનું અને ખેડૂતોને સિંચાઇનું પાણી મળતુ નથી.હર્ષદ રીબડીયાએ મગફળી ગૃહમાં ઉછાળી સરકાર પર માર્મિક પ્રહારો કર્યા હતા. વિપક્ષના સભ્યોએ તેમાં સૂર પૂરાવતાં જણાવ્યું કે, મગફળીના ગોડાઉનો સળગી ગયા પરંતુ સરકાર આરોપીઓને સજા કરવામાં નિષ્ફળ ગઇ છે. રાજયમાં બેરોજગારી, મોંઘુ શિક્ષણ કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પેટ્રોલ-ડિઝલ પર ઉંચા વેરાની વસૂલાત સહિતના અનેક પ્રાણપ્રશ્નો હોવા છતાં સરકાર પ્રજાના ખિસ્સામાંથી પોતાના અંગત સ્વાર્થ અને રાજકારણ માટે બિન્દાસ્ત રીતે નાણાં ખેરવી રહી છે. એક રૂપિયાના ટોકનભાવે ઉદ્યોગપતિઓને જમીનો ફાળવાય છે, જયારે ગામડાઓમાં ખેડૂતો જમીનવિહોણા બનતા જાય છે. સરકાર સ્વદેશીની મોટી મોટી વાતો કરે છે પરંતુ વિદેશી અનુકરણ અને વિદેશી પ્રોડકટો લોકોના ઘર સુધી પહોંચી છે. રાજયમાં ભૂમાફિયાઓનો ત્રાસ ઘણો વધ્યો છે. ત્રાસવાદના મુદ્દે મોટી વાતો કરનાર ભાજપ આ મુદ્દે પણ સરેઆમ નિષ્ફળ રહી છે. ગુજરાત સહિત દેશની સરહદો પર હજુયે નિર્દોષ સૈનિકો શહીદ થઇ રહ્યા છે અને આંતકવાદી હુમલા ઓછા થતા નથી. વિપક્ષના સભ્યોના વાકપ્રહારોનો સરકાર તરફથી કોઇ જવાબ નહી મળતાં વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

Related posts

સિંહ મોત મામલે હાઇપાવર કમિટિની રચના કરવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ

aapnugujarat

અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું

aapnugujarat

सूरत में श्रमिकों की कमी से व्‍यापारी परेशान

editor

Leave a Comment

UA-96247877-1