Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં સોશ્યલ મીડિયા એડિક્ટ પત્નીને પતિએ પતાવી દીધી

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત પાસેની એક સોસાયટીમાં રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનના મકાનમાં ભાડેથી રહેતી એક પરિણિતાની રહસ્યમય સંજોગોમાં લાશ મળવાના ચકચારભર્યા પ્રકરણમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિણિતાના મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો હતો અને આરોપી પતિ ભરતભાઇ પરમારની ધરપકડ કરી લીધી હતી. આરોપી પતિ ભરતભાઇ પરમારે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી લીધી હતી કે, તેની પત્ની દુર્ગા સોશ્યલ મીડિયાની એડિક્ટ બની ગઇ હોઇ અને છેલ્લા ઘણા વર્ષોથી તેમની વચ્ચે ચાલતા ઝઘડાનો અંત લાવવા તેમણે પત્ની દુર્ગાનું કાસળ કાઢી નાંખ્યું હતું. આ માટે તેમણે દુર્ગાના જમવામાં ઝેરી દવા ભેળવી દઇ ખવડાવી દીધી હતી, જેના કારણે તે તરફડિયા મારતી હતી, એ વખતે તેમણે તેનું ગળુ દબાવી દીધુ હતું. પોલીસે સમગ્ર મામલામાં તપાસ આગળ ચલાવી છે. આ બનાવની વિગતો એવી છે કે, ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં ૩૩ નંબરના મકાનમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતાં ગીરીશભાઇ પરસોત્તમભાઇ પરમાર રહે છે. તેમણે એક વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા અને કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા ભરતભાઇ પરમારને મકાન ભાડે આપ્યું હતું. ભરતભાઇ તેમની ૩૦ વર્ષીય પત્ની દુર્ગાબહેન અને પાંચ વર્ષના પુત્ર સાહિલ સાથે આ મકાનમાં રહે છે. શનિવારે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ભરતભાઇ પોતાના પુત્ર સાહિલને સ્કૂલે મૂકી તેમની સાઇટ પર નોકરીએ ગયા હતા ત્યારે દુર્ગાબહેન ઘરમાં એકલા હતા. દરમ્યાન સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ દુર્ગાબહેન સાહિલને સ્કૂલમાં લેવા નહી જતાં સ્કૂલના સંચાલકોએ ભરતભાઇને ફોન કરીને જાણ કરી હતી. જેથી ભરતભાઇએ દુર્ગાબહેનને ફોન કર્યો હતો પરંતુ દુર્ગાબહેને ફોન નહી ઉપાડતાં ભરતભાઇએ તેમના મસિયાઇ બહેનને ફોન કરીને સાહિલને સ્કૂલમાંથી લઇ આવવા જણાવ્યું હતું. મસિયાઇ બહેન સાહિલને સ્કૂલેથી લઇ આવી ઘેર પહોંચ્યા હતા અને આવીને જોયું તો, દુર્ગાબહેન પલંગ પર પડયા હતા. એ જ સમયે ગીરીશભાઇના પત્ની ઉષાબહેન જે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેઓ પણ સાહિલને ટયુશનમાં જવાનું હોવાથી તેને લેવા માટે ઉપરના માળે ગયા હતા. બંનેએ દુર્ગાબહેનને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ દુર્ગાબહેન ઉઠયા ન હતા, તેથી આડોશપાડોશના લોકો પણ ત્યાં સુધીમાં એકઠા થઇ ગયા હતા. બધાએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી દુર્ગાબહેનને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં પોલીસે મકાન માલિકના સ્ટેટમેન્ટના આધારે પતિ ભરત પરમારને શંકાના પરિઘમાં લીધો હતો અને તેની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરી લીધી હતી.

Related posts

सात मजदूरों मौत मामले में डभोई की दर्शन होटल सील

aapnugujarat

ચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત

aapnugujarat

વર્તમાન સભ્ય-રાજયસભા સાસંદોને ટિકિટ નહી મળે : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1