Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પદ્માવત વિવાદ : આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. દેશભરમાં ફિલ્મની રજૂઆતને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે રાજસ્થાન સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ પરના પ્રતિબંધને ઉઠાવી લેવાના તેના નિર્ણયમાં સુધારા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે આ તમામ અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ દેશમાં ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવ્યા બાદ ફિલ્મની રજૂઆતને લઇને હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. ગયા ગુરુવારના દિવસે જ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ દ્વારા ફિલ્મ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદથી વિરોધ પ્રદર્શનનો દોર જુદા જુદા રાજ્યોમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવતી વેળા કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટેની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારોની છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો. ફિલ્મ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધ સામે નિર્માતા નિર્દેશકો દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાને આજે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને જાળવવાની બાબત બંધારણીય ફરજ છે. ફિલ્મની રજૂઆતને રોકવા માટે વાત કરવામાં આવી છે. કારણ કે અનિચ્છનીય બનાવ બનવાની દહેશત રહેલી છે. અગાઉ ચાર રાજ્યો તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ફિલ્મને મંજુરી આપતી વેળા સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માણ અને અન્ય પાસાઓ ઉપર ધ્યાન આપ્યું છે. સંભવિત કાયદો અને વ્યવસ્થાની બાબત ઉપર ધ્યાન આપ્યું નથી. ફિલ્મને લઇને સામાજિક મતભેદોની સ્થિતિ પ્રવર્તી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારના દિવસે ફિલ્મને મંજુરી આપતી વેળા વિસ્તારપૂર્વક વાણી સ્વતંત્રતાના અધિકાર અંગે વાત કરી હતી. શુક્રવારના દિવસે પણ ફિલ્મની રજૂઆત સામે અરજી કરવામાં આવી હતી પરંતુ આ અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ફિલ્મ સામે વાંધો ધરાવનાર સંગઠનોનું કહેવું છે કે, ફિલ્મમાં રાજપૂત સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાના પ્રયાસ કરાયા છે. ફિલ્મની રજૂઆતને સેન્સર બોર્ડે મંજુરી આપી હોવા છતાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અગાઉ પ્રતિબંધ મુક્યો હતો. અત્રે નોંધનીય છે કે પદ્માવત ફિલ્મની રિલીઝ અંગે સુપ્રીમકોર્ટે આપેલી લીલીઝંડી બાદ પણ ફિલ્મને રજૂ કરવાના મુદ્દે ભારે અસમંજસભરી સ્થિતિ સર્જાઇ હતી. દેશના જુદા જુદા ભાગોમાં તોડફોડ, આગચંપી અને હાઇવે ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી છે. ફિલ્મના વિરોધને લઇ રાજપૂત સમાજ દ્વારા સૌથી વધુ આક્રોશ મહેસાણામાં જોવા મળ્યો છે. મહેસાણામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦થી વધુ એસટીબસો સળગાવવામાં આવી હતી, તો ગઇકાલે મોડી રાત્રે સાણંદથી અમદાવાદ આવી રહેલી એક એએમટીએસ બસને આગ ચાંપવામાં આવી હતી અને નિકોલ વિસ્તારમાં રાજહંસ થિયેટરમાં રાજપૂત સમાજના લોકોએ ભારે તોડફોડ મચાવી હતી. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના દેશના જુદા જુદા રાજ્યોમાં જોરદાર દેખાવો કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાન સરકારની અરજીમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવી છે. કેટલાક કારણો પણ અપાયા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને ફિલ્મ નિર્માતા નિર્દેશકો સંતુષ્ટ છે પરંતુ થિયેટર માલિકો અને અન્યોમાં વ્યાપક દહેશત રહેલી છે.

Related posts

अगस्ता वेस्टलैंड घोटाला : राजीव सक्सेना के खिलाफ ED की याचिका पर कोर्ट कल करेगा सुनवाई

aapnugujarat

निठारी कांडः सुरेन्द्र कोली और पंढेर को फांसी की सजा सुनाई

aapnugujarat

એએપીને કુમાર વિશ્વાસ ઉપર હજુય વિશ્વાસ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1