Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પદ્માવત ફિલ્મની રિલીઝને અંતે લીલીઝંડી : ૨૫મીએ રજૂ કરાશે

વિવાદોમાં ઘેરાયેલી સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતની રિલીઝને આખરે લીલીઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આજે આ ફિલ્મની રજૂઆતને લીલીઝંડી આપતા ફિલ્મ ક્યારે રજૂ થશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. જો કે, આ ફિલ્મને લઇને હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. કારણ કે રાજપૂત સમુદાયના લોકો લાલઘૂમ થયેલા છે. ભાજપ શાસિત ચાર રાજ્યોએ ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુક્યો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સરકારના નોટિફિકેશન ઉપર પણ સ્ટે મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે આ રાજ્યોમાં પણ ફિલ્મની રજૂઆત માટેનો માર્ગ મોકળો થયો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર અને જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની બનેલી ખંડપીઠે ફિલ્મના નિર્માતા વાયકોમ૧૮ અને અન્યના વકીલની દલીલો ઉપર સુનાવણી હાથ ધરી હતી. હવે ૨૫મી જાન્યુઆરીના દિવસે ફિલ્મ રજૂ થશે. આ ફિલ્મમાં દિપીકાની સાથે શાહીદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ અગાઉ પણ બે વખત સુપ્રીમ કોર્ટે ફિલ્મના પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકવા માટેના પ્રયાસ નિષ્ફળ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, સેન્સર બોર્ડના નિર્ણયથી પહેલા ફિલ્મના સંબંધમાં કોઇ અભિપ્રાય આપી શકાય નહીં. મોડેથી સેન્સર બોર્ડે પણ ફિલ્મની રજૂઆતને લીલીઝંડી આપી હતી. ભણશાલીની આ ફિલ્મને લઇને રાજપૂત સમુદાયે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૮મી નવેમ્બરના દિવસે ફિલ્મની રજૂઆતને લઇને રાજકીય પક્ષોના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ ફિલ્મ ૧૩મી સદીમાં મેવાડના મહારાજા રતનસિંહ અને તેમની સેના તથા દિલ્હીમાં સુલ્તાન અલાઉદ્દીન ખિલજી વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધ ઉપર આધારિત છે. ફિલ્મના સેટ ઉપર જેતપુર અને કોલ્હાપુરમાં તોડફોડ કરવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશ સંજય લીલા સાથે પણ એ વખતે કરણી સેનાના લોકોએ મારામારી કરી હતી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આજે જોરદાર તર્કદાર દલીલો થઇ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ફિલ્મ દર્શાવતી વેળા શાંતિ જાળવવાની રાજ્યોની જવાબદારી છે.
આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલા મામલાનો ઉલ્લેખ કરાયો હતો જેના ઉપર લોકો હસી પડ્યા હતા. કોર્ટમાં તર્કદાર દલીલોનો દોર ચાલ્યો હતો. ફિલ્મના નિર્માતા અને ડાયરેક્ટર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પૂર્વ એજી મુકુલ રોહત્યાગીએ દરમિયાનગીરી કરી હતી જ્યારે ફિલ્મ પર પ્રતિબંધ મુકનાર તરફથી એએસજી તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ કહ્યું હતું કે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે જેથી પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે, સેન્સર બોર્ડે આ ફિલ્મને સમગ્ર દેશમાં રજૂઆત માટે સર્ટી આપી દીધા છે જેથી કોઇ રાજ્ય તેના ઉપર પ્રતિબંધ મુકી શકે નહીં. સાલ્વેએ કહ્યું હતું કે, સેન્સર બોર્ડ સિનેમાટોગ્રાફ એક્ટ હેઠળ ફિલ્મોને સર્ટિ આપે છે જેથી કોઇ રાજ્ય તેને ઇન્કાર કરી શકે નહીં. બીજી બાજુ રાજ્યો તરફથી પ્રતિબંધ મુકનાર તરફથી તુષાર મહેતાએ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે. ફિલ્મની રજૂઆતથી કાયદો અને વ્યવસ્થાની તકલીફ ઉભી થઇ શકે છે. તૂષાર મહેતાએ કહ્યું હતું કે, સેન્સર બોર્ડ સર્ટિ આપતી વેળા તે બાબત તરફ ધ્યાન આપતું નથી કે ફિલ્મની રજૂઆત વેળા કાયદો અને વ્યવસ્થાની તકલીફ ઉભી થશે. તૂષાર મહેતાએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. બીજી બાજુ હરીશ સાલ્વેએ ફિલ્મ વેળા દર્શાવવામાં આવનાર ડિસ્કલેમર સાંભળીને સંભળાવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ એક કાલ્પનિક વાર્તા પર આધારિત છે. ઇતિહાસ સાથે કોઇ લેવા દેવા નથી. સાલ્વેએ તો કોર્ટમાં અહીં સુધી કહ્યું હતું કે, એક દિવસ તેવો ઇચ્છે છે એવી બાબત ઉપર દલીલ આપે કે કલાકારોને ઇતિહાસ સાથે ચેડા કરવાના અધિકાર છે. આના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું હતું કે, આવું હોઇ શકે નહીં. તમે મહાત્મા ગાંધીને વ્હીસ્કી પિતા દર્શાવી શકો નહીં. આના ઉપર સાલ્વેએ કહ્યું હતું કે, પરંતુ આ ઇતિહાસ સાથે ચેડા થશે નહીં. આવી દલીલબાજી વેળા લોકો હસી પડ્યા હતા.

Related posts

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ ખાબકી નહેરમાં

editor

દહાણુમાં ખાડાને કારણે બુલેટ પરથી ગબડી પડતાં બાન્દ્રાનાં ૩૬ વર્ષીય મહિલા બાઈકરનું મોત

aapnugujarat

ખેડૂતોને એમએસપી સંબંધિત પોલિસીને કેબિનેટની બહાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1