Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કોલેજમાં વર્ષો જૂના બિલ્ડીંગ તોડવા સામે વિરોધ

શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ કેમ્પસમાં ૧૧૭ વર્ષ જૂના રેકટર બંગલાના બિલ્ડીંગને તોડવાની રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની તજવીજ સામે ઉગ્ર વિરોધનો વંટોળ ફુંકાયો છે. ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ પર રમવા આવતા ખેલાડીઓ સહિતના સ્થાનિક જાગૃત લોકો દ્વારા આ સમગ્ર મામલે સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત પણ કરવામાં આવી છે. એટલે સુધી કે, ખુદ ઔડાની હેરિટેજ કન્ઝર્વેશન કમીટીના ચેરમેન પી.કે.ઘોષે ખુદ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને આ બંગલો હેરીટેજ બિલ્ડીંગમાં આવતો હોઇ તેનો ઐતિહાસિક વારસો જાળવવા અને બિલ્ડીંગની સુરક્ષા માટે ખાસ તાકીદ કરી છે, તેમછતાં આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા મનસ્વી રીતે હાથ ધરાયેલી તજવીજ સામે વિરોધ વધુ ઘેરો બન્યો હતો. મોડી સાંજે બંગલાની સુરક્ષા માટે કોલેજના ગ્રાઉન્ડ પર રમવા આવતા ખેલાડીઓ, કોચ ઉધ્ધવભાઇ ભાટિયા સહિતના લોકો બિલ્ડીંગની સામે જ ધરણાં પર બેસી ગયા હતા. આવતીકાલે આ જાગૃત નાગરિકો હેરીટેજ બિલ્ડીંગની સુરક્ષા અને જાળવણી માટે રાજયના શિક્ષણપ્રધાન સહિતના સત્તાવાળાઓને રજૂઆત કરે તેવી શકયતા છે. ગુજરાત કોલેજ કેમ્પસમાં ૧૧૭ વર્ષ જૂના બિલ્ડીંગને તોડવાની તજવીજ સામેના વિરોધમાં અને તેની જાળવણી માટે ધરણાંમાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. બધાએ જોરશોરથી એક સૂરે માંગણી કરી હતી કે, આપણા ઐતિહાસિક વારસો એ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે અને તેની જાળવણી સૌકોઇની ફરજ છે ત્યારે રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ હેરીટેજ બિલ્ડીંગને કોઇપણ રીતે તોડી શકે નહી. અમે કોઇપણ ભોગે આ ઐતિહાસિક ઇમારત તૂટવા નહી દઇએ. દરમ્યાન હેરિટેજ કન્ઝર્વેશન કમીટીના ચેરમેન પી.કે.ઘોષે બે દિવસ પહેલાં જ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર બહુમાળી ભવનને ખાસ પત્ર પાઠવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે, એ બહુ દુઃખદ બાબત છે કે, ગુજરાત કોલેજના કેમ્પસમાં આવેલા ૧૧૭ વર્ષ જૂના રેકટર બંગલાના બિલ્ડીંગને નહી તોડવાની તાકીદ છતાં તમારા દ્વારા તેના ડિમોલીશનની તજવીજ હાથ ધરાઇ છે. આ બિલ્ડીંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરીટેજ ઇમારતોની યાદીમાં સમાવિષ્ટ છે અને તેથી તેની સ્વીકાર્ય સંરક્ષણ નિયમો મુજબ તેની જાળવણી ખૂબ જરૂરી છે. તેથી તમને ફરીથી તાકીદ કરવામાં આવે છે કે, આ હેરીટેજ બિલ્ડીંગને તોડવાની અને અન્ય કોઇ નવા બાંધકામની દરખાસ્ત પડતી મૂકવામાં આવે અને આ ઐતિહાસિક ઇમારતને સુરક્ષિત રાખવામાં આવે. કમીટીના ચેરમેન ઘોષે આ પત્રની નકલ મ્યુનિસિપલ કમિશનરને પણ મોકલી તેમને પણ સમગ્ર મામલાની જાણ કરી હતી.

 

Related posts

રાજપીપળામાં આદિવાસીઓ દ્વારા રેલી કઢાઈ

aapnugujarat

સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત ૧૫માં ક્રમે ફેંકાયું છે : કોંગ્રેસ

aapnugujarat

ભારતીય કિસાન સંઘે આકરા તેવર બતાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1