Aapnu Gujarat
ગુજરાત

મહારાષ્ટ્રની હિંસાના ગુજરાતમાં પડઘા : સુરતમાં લોકો રસ્તા ઉપર

મહારાષ્ટ્રમાં ભડકેલી આગ અને હિંસાના ઘેરા પડઘા આજે ગુજરાતમાં પણ પડયા હતા. પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધનું એલાન અપાયું તેના ગણતરીના કલાકોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. મહારાષ્ટ્ર બંધની અસરના ભાગરૂપે સુરતથી મહારાષ્ટ્ર જતી ૩૧ બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા. જેના કારણે સુરતમાં સેંકડો મુસાફરોની હાલત ફફોડી બની હતી. બીજીબાજુ, સુરતના ઉધના સ્ટેશન પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉધના ખાતે દલિત સમાજના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ભાજપ કાર્યાલય સામે જોરદાર દેખાવો અને પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. સમતા સૈનિક દળ દ્વારા આવતીકાલે સુરત બંધનું એલાન અપાયું છે. સુરતથી મુંબઈ, પુણે, અકોલા, શિરડી, પંડરપુર, ધોલે, શિરપુર, માલેગાંવમાં નંદુરબાર જેવી અનેક રુટોની બસ રદ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર જતા યાત્રીઓ અટવાઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. સુરત એસટીને પણ જંગી નુકસાન થયા હોવાની વિગતો મળી રહી છે. મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાની અસર ગુજરાતમાં આજે સુરતમાં જોવા મળી હતી. દલિત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓએ ઉધનાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેના કારણે ઉધના સ્ટેશન નજીક ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉધના સ્ટેશન પર બે ટ્રેનો પણ પ્રદર્શનકારીઓ દ્વારા રોકાઇ હતી. પરિસ્થિતિ વધુ વણસે નહી અન્ય વિસ્તારો તેમ જ રાજયના અન્ય ભાગોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત ના પડે તે હેતુથી તાત્કાલિક પોલીસ અને સુરક્ષા જવાનોનો કાફલો ખૂબ મોટી સંખ્યામાં ખડકી દેવાયો હતો. બીજીબાજુ, વાતાવરણ તંગ બનતાં અને પરિસ્થિતિની ગંભીરતાં જોતાં તંત્ર દ્વારા સુરતથી મુંબઇ, પૂણે, અકોલા, શિરડી, પંઢરપુર, ઔરંગાબાદ, ધુલે, અમલનેર, ચોપડા, શિરપુર, માલેગાંવ, ભુસાવલ અને નંદુરબાર સહિતના અનેક રૂટની બસો રદ કરવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્ર તરફ જતાં સેંકડો મુસાફરો અટવાઇ પડયા હતા અને તેઓની હાલત કફોડી બની હતી. સુરત આવી પહોંચેલી મહારાષ્ટ્રની બસોને માત્ર નવાપુર ગુજરાત બોર્ડર સુધી જ દોડાવાતી હતી, જયારે ૫૦થી વધુ બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં ભડકી ઉઠેલી જાતિય હિંસાના વિરોધમાં આપવામાં આવેલા મહારાષ્ટ્ર બંધના એલાનને કલાકો સુધી અંધાધૂંધી સર્જ્યા બાદ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ તંત્રને રાહત થઇ હતી. સામાજિક કાર્યકર અને બાબા સાહેબ બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે બંધને પરત લેવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી દિપક કેસરકરે કહ્યું હતું કે, દલિત સમાજથી કોઇનું મોત થયું નથી. સોશિયલ મિડિયા ઉપર અફવા ફેલાવવામાં આવી રહી છે. સ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહી છે. સોમવારના દિવસે પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં મરાઠા અને દલિતો વચ્ચે હિંસક અથડામણનો દોર શરૂ થયો હતો. ભીમા કોરેગાંવ યુદ્ધના શૌર્ય દિવસના આયોજનને લઇને હિંસામાં એકનું મોત થયા બાદ જાતિય હિંસાની આગ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાઓમાં ફેલાઈ ગઈ હતી. સ્થિતિને ધ્યાનમાં લઇને થાણેમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, આજે સતત ત્રીજા દિવસે પણ બંધ દરમિયાન હિંસાનો દોર જારી રહ્યો હતો. પુણેમાં પથ્થરમારાના બનાવો બન્યા હતા.

Related posts

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯ મહિનામાં સૌથી ઓછો

editor

હાર્દિક પટેલ પોતાના જ દાવમાં ફસાઇ ગયો : રિપોર્ટ

aapnugujarat

મારુ ગામ કોરોના મુક્ત રહે તે માટે મહિલા સરપંચની કોવિડ-૧૯ માર્ગદર્શિકાની અસરકારક અમલવારી

editor

Leave a Comment

UA-96247877-1