Aapnu Gujarat
ગુજરાત

મોદીની કેશુબાપા-વાઘેલા સાથે હાથ મિલાવીને ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પ્રધાનમંડળના શપથવિધિ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને એક સમયના ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવતાં શંકરસિંહ વાઘેલાના હસ્તધનૂન અને મુલાકાત કરી રહ્યા હતા એ સૌથી વધુ સૂચક ઘટના સૌનું ધ્યાન ખેંચતી અને ચર્ચાસ્પદ રહી હતી. એક જમાનામાં આ ત્રણેય નેતાઓ એકબીજાની ઘણી નજીક અને એક તબક્કે એકબીજામાં તિરાડ પડતા કેટલાક વર્ષો માટે દૂર થયેલા અને ફરી પાછા આજે એક જ મંચ પર ત્રણેય જણાં સાથે આવીને ઉભા રહ્યા અને એકબીજાના હાલચાલ જાણ્યા. વડાપ્રધાન મોદી સાથેની કેશુબાપા અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. મોદીએ ૩૦ સેકન્ડ સુધી વાઘેલાનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. બાપુએ પણ ભારે વિનમ્રતાથી માથુ ઝુકાવી મોદીનું અભિવાદન કરતાં નજરે પડયા હતા. આ ત્રણેય દિગ્ગજોની મુલાકાતની રાજકીય વિશ્લેષકોથી માંડી મોટા રાજકારણીઓને નોંધ લેવી પડી હતી. એ વખતે આનંદીબહેન પટેલ પણ બાજુમાં જ ઉભા હતા અને મોદીએ તે પહેલાં અડવાણી સાથે પણ હાથ મિલાવ્યો હતો, જેમને હાંસિયામાં ધકેલી દેવાની ચર્ચા આજે પણ રાજકારણમાં ચાલી રહી છે. શપથવિધિ સમારોહના વિશાળ મંચ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત એટલા માટે ચર્ચાસ્પદ રહી હતી કે, ગુજરાતના રાજકારણમાં આ ત્રણેય દિગ્ગજોની અલગ રાજનીતિ અને તેની અલગ કહાની છે. આ ત્રણેય દિગ્ગજોની મુલાકાતથી લગભગ અઢી દાયકા પહેલાના ઘટનાક્રમની યાદો રાજકીય વિશ્લેષકોથી માંડી પીઢ રાજકારણીઓના માનસપટ પર તાજી થઇ ગઇ હતી. નોંધનીય છે કે, ભાજપે જયારે અયોધ્યામાં રામમંદિરનો મુદ્દાનો રણટંકાર કરી ગુજરાતની રાજનીતિમાં પહેલીવાર નોંધપાત્ર દસ્તક આપી ત્યારે શંકરસિંહ વાઘેલા ભાજપના પ્રમુખ હતા, રાજયના પહેલીવાર ભાજપે એકલાહાથે સત્તા હાંસલ કરી એ વખતે કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતી અને ભાજપનો દિગ્વિજયી અશ્વ સમગ્ર દેશમાં ફરી વળ્યો ત્યારે તેના સારથી નરેન્દ્ર મોદી છે. સૌથી સૂચક અને નોંધનીય બાબત એ હતી કે, વડાપ્રધાન મોદી, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઇ પટેલના હસ્તધનૂન અને મુલાકાતની દાયકાઓ પાછળની કડવી હકીકત એ હતી કે, આ ત્રણેય દિગ્ગજો એક જમાનામાં એકબીજા સામે ટકરાઇ ચૂકયા છે. વર્ષો પહેલા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરી કેશુબાપા સામે બગાવત કરી હતી. તો, કેશુબાપા પણ મોદીએ પીઠમાં ખંજર ભોંકયુ હોવાની કહી બળવો કર્યો હતો અને મોદી માટે એવી છાપ પ્રવર્તી રહી છે કે, આ સાથીઓને કદ પ્રમાણે વેતર્યા પછી જ તેમના માટે દિલ્હીની રાહ આસાન બની છે. તેમછતાં, આજે આ ત્રણેય યાદો ભૂતકાળની કડવી યાદો ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી અને નિખાલસતાથી મળ્યા હતા અને એકબીજાના હાલચલા જાણ્યા હતા. ગુજરાતના તાજેતરના રાજકારણની અનબનનો કિસ્સો જોઇએ તો, આનંદીબહેન અને અમિત શાહ વચ્ચેની કડવાશ સૌકોઇમાં ચર્ચાની એરણે છે. આ ત્રણેય દિગ્ગજોની આજની મુલાકાતને લઇ રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી હતી કે, રાજનીતિમાં કોઇ કાયમ માટે દોસ્ત કે દુશ્મન નથી હોતું. રાજકીય શતરંજના આ કુશળ ખેલાડીઓએ તેમના વખતમાં ગુજરાતની રાજનીતિમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે, જે નજરઅંદાજ કરી શકાય નહી. શપથવિધિ પર તમામ લોકોની નજર કેન્દ્રિત હતી.

Related posts

નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને આક્ષેપબાજી : પંચમાં ફરિયાદ

aapnugujarat

ખેડૂતને આજથી ઉનાળુ ખેતી માટે સિંચાઇ પાણી નહીં મળે

aapnugujarat

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે કોલ કરીને સુરતની ફેશન ડિઝાઇનર સાથે ઓનલાઇન ઠગાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1