Aapnu Gujarat
ગુજરાત

કાલુપુર પોલીસ સ્ટેશનમાં રીક્ષા ડ્રાઈવરનું રહસ્યમયી મોત : પરિવારજનોનો ભારે હોબાળો

શહેરના કાલુપુર પોલીસના કથિત અત્યાચારને લઇ એક રિક્ષાચાલકના રહસ્યમય સંજોગોમાં નીપજેલા મોતને લઇ આજે મૃતકના પરિવારજનોએ કાલુપુર પોલીસ મથકે જોરદાર હંગામો અને હોબાળો મચાવ્યો હતો. મૃતક રિક્ષાચાલકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, અબ્દુલ ગફુરનું મૃત્યુ પોલીસ અત્યાચારના કારણે થયું છે. કાલુપુર પોલીસ મથકે આજે મોટી સંખ્યામાં મૃતકના પરિજનો અને સગાવ્હાલાઓ દેખાવો કરવા પહોંચ્યા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. બીજીબાજુ, આ સમગ્ર પ્રકરણમાં ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસીએશન દ્વારા શહેર પોલીસ કમિશનરને મૃતક રિક્ષાચાલકના કિસ્સામાં પગલા લેવા માંગ કરાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કાલુપુર પોલીસ દ્વારા તાજેતરમાં જ અબ્દુલ ગફુર શાહ નામના એક રિક્ષાચાલકને એક ગુનાની તપાસના ભાગરૂપે અટકાયતમાં લીધો હતો. પોલીસે રિક્ષાચાલકની તપાસ અને પૂછપરછ કર્યા બાદ તેની તબિયત લથડતાં તેને તાબડતોબ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં આજે સવારે તેનું મોત નીપજયું હતું. રિક્ષાચાલક અબ્દુલ ગફુર શાહનું મોત નીપજતાં તેના પરિવારજનો અને સગાવ્હાલાઓએ કાલપુર પોલીસ મથકે પહોંચી જોરદાર હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અત્યાચારના કારણે અબ્દુલ ગફુરનું મૃત્યુ થયુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ એટલી હદે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તપાસ કરવા તેને લઇ ગઇ ત્યારે તેની તબિયત સારી હતી, પોલીસ કસ્ટડી દરમ્યાન તેની પર અત્યાચાર ગુજારાયો અને તેથી તેની તબિયત લથડી ને અકાળે મોતને ભેટયો. ગફુરનું મોત પોલીસ કસ્ટડીમાં જ થયુ હતું પરંતુ પોલીસે તેની બોડી સિવિલમાં મોકલી દીધી હતી. પરિવારજનોએ કસૂરવાર પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહીની ઉગ્ર માંગણી કરી હતી. બીજીબાજુ, ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસીએશને પણ આ સમગ્ર મામલામાં કસૂરવાર પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ વિરૂધ્ધ કાયદેસર પગલા લેવા બાબતે શહેર પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત અને માંગણી કરી છે.

Related posts

ફિલ્મ દિગ્દર્શકે સગીરાને તાબે થવા કહ્યું

aapnugujarat

ચાલુ ચકડોળે લોક ખુલતા યુવતી એકાએક નીચે પડી

aapnugujarat

અભદ્ર ભાષાપ્રયોગ બાબતે કોંગ્રેસ માફી માંગે : ભાજપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1