Aapnu Gujarat
ગુજરાત

હૃદયના ધબકારા થંભાવી દે તેવો મતગણતરી ડ્રામા રહ્યો

ગુજરાતના ઇતિહાસમાં કયારેય જોવા ના મળી હોય તેવા સસ્પેન્સ, થ્રીલર અને દિલધડક રોંમાચ વચ્ચે આજે મતગણતરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. શરૂઆતના કલાકમાં એક એક સેકન્ડે ચિત્ર બદલાતું હતું, શરૂઆતમાં જયાં ભાજપ આગળ ચાલી રહી હતી તો, અડધા પોણા કલાક બાદ કોંગ્રેસે જોરદાર ગતિ પકડી ભાજપને પાછળ પાડી દીધી હતી અને કોંગ્રેસ આગળ નીકળી ગઇ હતી. એક તબક્કે કોંગ્રેસ ભાજપથી દસ બેઠકોના માર્જીનથી આગળ ચાલી રહી હતી પરંતુ ચાર રાઉન્ડ બાદ લગભગ ૯-૫૦ મિનિટે ભાજપે ફરી એકવાર કોંગ્રેસને પાછળ ધકેલી દીધી હતી અને ભાજપ ૧૦૦ બેઠકો પર આગળ થઇ સરકાર રચવાના નિર્ધારિત લક્ષ્યાંકથી પાર નીકળી ગઇ હતી. પરિસ્થિતિ વારેઘડીયે સતત બદલાતી જતી હતી અને રાજકીય વિશ્લેષકોથી માંડી રાજકારણના ધુરંધરો કોઇ તારણ કે નિર્ણય પર આવી શકતા ન હતા તેવી દિલધડક ઉત્તજેનાભર્યા દ્રશ્યો મતગણતરી દરમ્યાન જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે ભારે ઉત્સાહ અને ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે વહેલી સવારે આઠ વાગ્યાથી અમદાવાદ સહિત રાજયભરના મતગણતરી કેન્દ્રો પર શરૂ થઇ હતી, શરૂઆતના અડધા કલાક સુધી પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ ઇવીએમના કાઉન્ટીંગ શરૂ કરાયા હતા. ઇવીએમના કાઉન્ટીંગ શરૂ થતાંની સાથે જ શરૂઆતની દસ-પંદર મિનિટમાં ભાજપ આગળ હતી અને કોંંગ્રેસ પાછળ હતી પરંતુ બંને પક્ષ વચ્ચે કાંટાની ટકકર સર્જાયેલી જોવા મળી હતી. એક તબક્કે તો, ભાજપ અને કોંગ્રેસ બરાબરી આવી ગયા હતા ત્યારે બંને પક્ષો સહિતના સૌકોઇ લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. એ પછી ફરીવાર ભાજપ આગળ નીકળી હતી અને કોંગ્રેસ પાછળ ધકેલાઇ હતી પરંતુ અચાનક જ સવારે ૮-૫૭ મિનિટે ગુજરાતના ઇતિહાસમાં ૨૨ વર્ષ બાદ સૌપ્રથમવાર કોંગ્રેસ ભાજપથી આગળ થઇ ગઇ હતી અને કોંગ્રેસ ૮૨ બેઠકો પર આગળ થઇ ગઇ હતી, જયારે ભાજપે ૮૧ બેઠકો પર આગળ ચાલતી હતી. એ પછી તો ખુદ ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજો પણ મતગણતરીમાં પાછળ થઇ જતાં ભાજપની છાવણીમાં રીતસરનું ટેન્શન છવાઇ ગયું હતું. લગભગ અડધા-પોણા કલાક સુધી આ સ્થિતિ ચાલી હતી પરંતુ લગભગ ૯-૨૭ મિનિટે ભાજપ ૯૦ બેઠકો પર આગળ નીકળી ગઇ હતી અને કોંગ્રેસ ૮૬ બેઠકો પર આવી ગઇ હતી. આમ, મતગણતરીના રાઉન્ડ દરમ્યાન અને એકે-એક મિનિટ જોરદાર સસ્પેન્સ, થ્રીલર અને હૃદયના ધબકારા થંભાવી દે ઉત્તેજના વચ્ચે પરિણામોનો ટ્રેન્ડ આમે આવતો હતો. પરિણામોનો ટ્રેન્ડ અને સ્થિતિ એવી હતી કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આંકડા અને બેઠકોના ચઢાવ ઉતારને જોઇ કોઇ સત્તાવાર નિવેદન પણ લગભગ બે કલાક સુધી આપી શકયા ન હતા. સવારે ૧૦-૧૫ વાગ્યે ભાજપ ૧૦૫ બેઠકો પર આવી ગઇ હતી અને કોંગ્રેસ ૭૩ બેઠકો પર અટકી હતી, એ સમયે ૧૦-૩૦ વાગ્યે ગુજરાતમાં સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હતી કે, ૨૨ વર્ષો બાદ પણ ફરીથી ભાજપની સરકાર બનવા જઇ રહી છે એટલે કે, ગુજરાતમાં સત્તાનું પુનરાવર્તનના સંકેતો મળી ગયા હતા. જો કે, કોંગ્રેસની સ્થિતિ નોંધનીય સુધરી હતી અને બેઠકોમાં વધારો થયો હતો તે વાત પણ એટલી જ સાચી અને વાસ્તવિક હતી, ખુદ રાજકીય વિશ્લેષકોએ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવને વખાણ્યો હતો. પરંતુ આજે મતગણતરી દરમ્યાન ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોતા હોઇ તે પ્રકારનો હાઇવોલ્ટેજ ડ્રામા આજે જોવા મળ્યો હતો, જેણે ભલભલાના હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધારી દીધા હતા. જો કે, છેવટે ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ તો,કોંગ્રેસની છાવણીમાં ઉદાસીનતા અને દુઃખનો માહોલ છવાયો હતો. એટલે કે, કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Related posts

१००० किलो चांदी की पाट की चोरी के मामले में दो गिरफ्तार

aapnugujarat

જિગ્નેશ મેવાણીએે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

aapnugujarat

સાહેબે મારી સીડી બતાવવાનો ધંધો માંડયો પણ ફેર નહીં પડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1