Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં મુકબધીરો, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો, શતાયુ અને તેથી વધુ વયના વડીલ-વૃધ્ધજનો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા બન્યા છે સહુ તત્પર

રાજપીપલાના ખારા ફળીયામાં રહેતું મુકબધીર દંપતિ મિતેશભાઇ કનુભાઇ વસાવા તેમના ધર્મપત્નિ સુનીતાબેન વસાવા સાથે જીવન વિતાવે છે. નિતેશભાઇ દરજી કામ કરીને તેમના કુટુંબનું ગુજરાન ચલાવે છે. કુદરતના અભિશાપને કારણે તેઓ બન્ને ન તો સાંભળી શકે છે કે ન તો બોલી શકે છે. ઇશારા અને સંકેતો એ જ છે એમની વાચા, ભાષા અને શ્રવણશક્તિ. સંકેત ભાષાના જાણકાર અને રાજપીપલા મુકબધિર શાળાના શિક્ષક શ્રી વિજયભાઇ ડાભી દ્વારા તેમને ચૂંટણી અને મતદાનની વાત કરતાં જ તેમના ચહેરા પર રોમાંચભરી ખુશી પ્રસરી જાય છે. ઉલ્લાસપૂર્વક અંગુઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. તેઓએ જ્યારથી મતાધિકાર મેળવ્યો છે, ત્યારથી બધી ચૂંટણીઓમાં મતદાન કર્યુ છે. તેઓ સંકેત-સંવાદો દ્વારા પોતાના અન્ય મુકબધીર સાથીઓને પણ મતદાન કરવાનો આગ્રહ કરશે-સમજાવશે, તેમ જણાવે છે. શ્રવણશક્તિ, શબ્દ અને ધ્વનિની જેમને ખબર જ નથી એવા આ મુકબધીર દંપતીને લોકશાહીનો સાદ સંભળાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણીતંત્રએ આદરેલા શતાયુ મતદાર શોધ અભિયાનમાં જિલ્લાનાં વ્યાધર ગામનાં ૧૧૬ વર્ષની વયના દાદીમા અને ૧૦૯ વર્ષની વયનાં દાદાજી ભુવનભાઇ કાદવાભાઇ ભીલ જિલ્લાનાં ૫૬ જેટલા શતાયુ મતદારોમાં મોખરે છે. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીના સૈનિકો મતદાન કરીને લોકશાહીને મજબુતબનાવવા સંકલ્પબધ્ધ બન્યા છે, ત્યારે જિલ્લાની મતદાર યાદીને શોભાવતા આ શતાયુથી વધુ અને શતાયુ મતદારો પણ મતદાનથી અળગા રહેતા અને યુવા મતદારોને અચૂક મતદાનનો પ્રેરક સંદેશો આપી રહ્યાં છે.

મિતેશભાઇની જેમ ખારા ફળીયાના ગૃહિણી જાગૃતિબેન ધર્મેશભાઇ મોચી મિતેશભાઇના ચીલે ચાલતા જાગૃત મતદાર છે. જાગૃત્તિબેનના પતિ પણ મૂકબધિર છે અને સંતોષ ચોકડી પાસે મોચી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતિ પણ પહેલાથી જ મતદાન માટે ખૂબ જ ઉત્સાહી છે. તેમણે પણ આજદિન સુધીની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે. જાગૃત્તિબેને ઇશારાથી તેમની સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે, તેમના પતિ પણ મોચી કામના સ્થળે બુટ પોલીશ કે ચંપલ રીપેરીંગ માટે આવતા પ્રત્યેક ગ્રાહકોને સંકેત ભાષાથી અંગુઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને સૌને અચૂક મતદાન કરવાની તેઓ અપીલ કરે છે, તો ટેકરા ફળીયા-બિરસા મુંડા સ્કુલની પાછળ પરિવાર સાથે રહેતા પ્રજ્ઞાચક્ષુ સુરેશભાઇને અત્યારથી જ જાણે કે, બંધ આંખે મતદાન મથકનો રાહ સૂઝી રહ્યો છે. મારી ૧૮ વર્ષની ઉંમર થઇ ત્યારથી આજદિન સુધી મતદાન કરતો આવ્યોં છું. તેમ જણાવતા સુરેશભાઇ કહે છે કે,અગાઉ મતપત્રક પર સહાયકની મદદથી મતદાન કરતા હતા. હવે તો ઇવીએમ-મતદાન યંત્ર પર બ્રેઇલ લિપીમાં ઉમેદવારનો ક્રમાંક પણ અંકિત હોય છે. એટલે બ્રેઇલ લિપી જાણનારા અંધજનો તો સહાયકની મદદ વગર પણ મત આપી શકે છે. સદગુરૂ કબીર સત્સંગ મંડળના સેવક એવા આ અંધજન તેમના સાથી પ્રજ્ઞાચક્ષુઓને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં સહાયરૂપ બનવાની સાથે જે કાંઇ જાણકારી પ્રાપ્ત થાય તેની એકબીજા સાથે આપ લે કરવાની હરહંમેશ કાળજી પણ તેઓ લે છે. સુરેશભાઇ આવતાં જતાં તમામને અચૂક મતદાન કરવા માટે આગ્રહ કરતાં રહે છે. આપણે સૌ સાથે મળીને મતદાન કરવા જઇએ તેવી તમામ જનતાને હ્રદયસ્પર્શી અપીલ કરતાં તેઓ વધુમાં ઉમેરે છે કે, રાષ્ટ્રના વિકાસ માટે દરેક વ્યક્તિએ નિર્ભયતાપૂર્વક નિષ્પક્ષતાથી ખૂબ જ આનંદ-ઉત્સાહ સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરવી જોઇએ અને આજની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા આગામી સમયમાં આપણા દેશને મહાસત્તા તરફ લઇ જવાના ધ્યેય સાથે સૌએ અચૂક મતદાન કરવું જોઇએ તેવી ભારપૂર્વક પૂનઃ અપીલ કરી છે, તેવી જ રીતે ટેકરા ફળીયામાં આશરે ૮૦-૭૫ ની વયે પહોંચેલુ વૃધ્ધ દંપતિ એવા ચંદુભાઇ ભૂરાભાઇ વસાવા અને તેમના ધર્મપત્ની કાશીબેન વસાવા કહે છે કે, વર્ષોથી અમો બન્ને સાથે અચૂક મતદાન કરવા જઇએ છીએ અને આ ચૂંટણીમાં પણ અમે મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને ધબકતી રાખવામાં અમારૂ યોગદાન એક મતદાર તરીકે આપીશું, ત્યારે પ્રત્યેક મતદારે પણ મતદાનમાં અચૂક ભાગ લઇને આપણાં દેશની સૌથી મોટી લોકશાહી શાસન પ્રણાલી હજી વધુ મજબુત બને તેવા સહિયારા પ્રયાસોની તેમણે હિમાયત કરી હતી, તેવી જ રીતે રાજપીપલાના કહાર ફળિયુ – મચ્છી બજારના આશરે ૫૫ વર્ષની વયનાં બજરંગભાઇ ચરણભાઇ કહાર છેલ્લા વીસ વર્ષથી બન્ને પગે અપંગ છે. પગે અપંગતા હોવા છતાં પણ બજરંગભાઇનો જુસ્સો કંઇક અલગ જ છે. તેઓ પહેલા બન્ને પગે સાજા હતા ત્યારે પણ અચૂક મતદાન કરવા જતા હતાં અને પગમાં અપંગની ખોડ આવ્યા બાદ મતદાનના ઉત્સાહમાં કોઇ ઓટ આવી નથી અને આજ સુધી તમામ ચૂંટણીઓમાં તેમના પરિવારના સભ્યો સાથે અચૂક મતદાન કર્યું છે. હાલની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ઉત્સાહભેર મતદાન કરશે. કહાર ફળીયાનાં અન્ય દિવ્યાંગ ગણેશભાઇ શંકરભાઇ કહાર ૧૧ વર્ષ પહેલાં ટ્રક સાથે તેમની બાઇકના અકસ્માતમાં જમણો પગ ગુમાવી બેઠા છે પણ તેમનું મનોબળ સામાન્ય માણસને પણ ઇર્ષા આવે તેવું છે. તેઓ કોઇ જાતની હિંમત હાર્યા વિના મક્કમતાપૂર્વક વાસ્તવિકતાને સ્વીકારવાની સાથે તેમની સામાજિક કે નૈતિક ફરજમાં ક્યારેય પીછેહઠ કરી નથી અને એટલે જ તેઓ હજી પણ ઘોડીના ટેકાની સહાયથી સતત મતદાન કરવા જઇ રહયાં છે અને હાલની ચૂંટણીમાં પણ તેઓ અચૂક મતદાન કરશે અને તેમના પરિવાર ઉપરાંત આડોશ-પાડોશના રહીશોને પણ અચૂક મતદાન કરે તેવા તેમના પ્રયાસો રહેશે.

સમાજના વરિષ્ઠ નાગરિકોએ પણ લોભલાલચ કે પ્રલોભનથી દૂર રહી તમામ મતદારો ૧૦૦ ટકા મતદાન કરીને લોકશાહીના પ્રહરી તરીકે  પોતાની નૈતિક અને પવિત્ર ફરજ અદા કરે તેવી હ્રદય સ્પર્શી અપીલ કરી છે. નર્મદા જિલ્લાના આવા મૂકબધીર, પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ અને વૃધ્ધ મતદાતાઓમાં શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે પણ લોકશાહીમાં શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જેટલી સરળતાથી તેઓ મતદાન કરી શકતાં નથી પણ અગવડો, અડચણો વેઠીને મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી તેમને લઇ જાય છે. ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે.

આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીના આ સૈનિકો મતદાન કરીને લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ બન્યા છે અને નર્મદા જિલ્લાના વોટર્સ ટર્ન આઉટ રેશીયોના ગ્રાફની ઉંચાઇને રાજ્યભરમાં વધુ બુલંદી બક્ષવાના હેતુસર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા અને ડેડીયાપાડા મુખ્યમથક સહિત સમગ્ર જિલ્લાના ગામેગામ જુદા જુદા વિસ્તારોમાં ઇવીએમ-વીવીપેટ સાથે મતદાર જાગૃત્તિ રથ, શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વીઝ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા તેમજ ગત ચૂંટણીઓમાં મતદાન વોટર્સ ટર્નઆઉટ રેશીયો નીચો હોય તેવા વિસ્તારોમાં વોટર્સ ટર્નઆઉટ રેશીયોનું ગ્રાફ ઉચે લઇ જવા પરંપરાગત પ્રચાર-પ્રસારનાં “જાગો મતદાર જાગો” નાટકના માધ્યમથી અચૂક મતદાન માટેનો સંદેશો ગુંજતો કરવા માટેનાં સ્વીપ અંતર્ગત સફળતાપૂર્વકના ભગીરથ પ્રયાસો કરાયા છે. ત્યારે ગત વિધાનસભા-૨૦૧૨ ની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ૮૧.૫૨ ટકાના મતદાન સાથે મોખરે રહેલો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો હાલની વિધાનસભા-૨૦૧૭ ની સામાન્ય ચૂંટણીના મતદાનમાં પણ અચૂક મોખરે રહેશે, તેમાં કોઇ  સંદેહ જણાતો નથી.

Related posts

ચીખલી તાલુકામાં મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી :

aapnugujarat

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે ભારત બંધ રહેશે

aapnugujarat

વેરાવળમાં ખારવા સમાજ દ્વારા રામાપીર બાપાની શોભાયાત્રા નીકાળાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1