Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી નિરીક્ષક (જનરલ) અશોકકુમાર અને પોલીસ નિરીક્ષક સંદીપ પાટીલે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને પ્રિ-પોલ તૈયારીઓ સંદર્ભે કરેલી પ્રાથમિક સમીક્ષા

નર્મદા જિલ્લામાં આગામી તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારની બેઠકોની ચૂંટણી માટે કેન્દ્રિય ચૂંટણીપંચ તરફથી નિરીક્ષકશ્રી (જનરલ) તરીકે નિમાયેલા શ્રી અશોકકુમાર (IAS) તથા પોલીસ નિરીક્ષકશ્રી તરીકે નિમાયેલા શ્રી સંદિપ પાટીલ (IPS) નું ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં આગમન થયા બાદ આજે સવારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ઉક્ત બંને નિરીક્ષકશ્રીઓએ જિલ્લા ચૂંટણીતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આજદિન સુધી ચૂંટણી સંદર્ભે કરાયેલી પૂર્વતૈયારીઓ અને તેના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરીને પ્રાથમિક સમીક્ષા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા, ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટેના ચીફ કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, MCC ના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.આર. ધાકરે સહિત ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અન્ય નોડલ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમારે ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણ સાથે જિલ્લામાં મુક્ત, ન્યાયી, પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પરસ્પર તમામને એકબીજા સાથે સુસંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.

કેન્દ્રિય પોલીસ નિરીક્ષકશ્રી સંદીપ પાટીલે બેઠકને સંબોધતા જિલ્લામાં યોજાનારી ચૂંટણીના મતદાન પહેલાં પ્રિ-પોલ સંદર્ભે આગોતરૂં આયોજન અને તે અન્વયે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર માટે જુદા જુદા પ્રકારની જુદી જુદી મંજૂરીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અપનાવાયેલ સીંગલ વિન્ડો સીસ્ટમ (એકબારી પધ્ધતિ) ની તેમણે જાણકારી આપી હતી.

કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રી અશોકકુમાર અને શ્રી સંદીપ પાટીલે નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા ચૂંટણી મેનેજમેન્ટ પ્લાન નિહાળવાની સાથે તેની જાણકારી મેળવીને સંતોષની લાગતી વ્યક્ત કરી હતી. ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા સાથી તમામ અધિકારીઓ-કર્મચારીઓને સૌને સાથે મળીને લોકશાહીના પર્વને ઉજાગર કરવાનો અનુરોધ કરી, મહત્તમ મતદાન થાય તે માટે અને કોઇપણ મુશ્કેલી હોય તો કેન્દ્રિય નિરીક્ષકશ્રીઓનો-જિલ્લા ચૂંટણીતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓનો સીધો સંપર્ક સાધીને જરૂરી માર્ગદર્શન મેળવીને તેનો યોગ્ય ઉકેલ આવે તેવા પ્રયાસો કરવા પણ તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આજદિન સુધી વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી ઉપરાંત જિલ્લાના મતદાન કેન્દ્રો, મતદાતાઓ, અગાઉના વર્ષોના મતદાનની ટકાવારી, ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુવીંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એક્ટીવીટીની થયેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી જાણકારી આપવા ઉપરાંત જિલ્લા પોલીસતંત્ર તરફથી કાયદો-વ્યવસ્થા અંતર્ગત વિવિધ અટકાયતી પગલાં સહિત પોલીસ ડીપ્લોયમેન્ટ પ્લાનની વિસ્તૃત વિગતોથી બંને ચૂંટણી નિરીક્ષકશ્રીઓને વાકેફ કરાયાં હતાં.

ઉક્ત બંને ચૂંટણી નિરીક્ષકશ્રીઓ શ્રી અશોકકુમાર અને શ્રી પાટીલ આજે સવારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા સહિત જિલ્લાના વરિષ્ઠ ઉચ્ચાધિકારીશ્રીઓએ સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. ત્યારબાદ યોજાયેલી ઉક્ત બેઠકના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાએ બંને ચૂંટણી નિરીક્ષકશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્રના સરળ સંચાલન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓ શ્રી જી.આર. ધાકરે, શ્રી આર.બી. બારીયા, શ્રી એસ.જે. ગાવિત, શ્રી એમ.યુ. પઠાણ, શ્રી યાકુબ ગાદીવાલા સહિત અન્ય નોડલ અધિકારીશ્રીઓ વગેરેએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

Related posts

ડોઝીયર અધુરૂ : હેરીટેજ સીટી જાહેર કરવાના પ્રયાસને ફટકો

aapnugujarat

ઓબીસી સમાજને ભાજપ દ્વારા અન્યાય થયો : કોંગ્રેસ

aapnugujarat

ઉનાળામાં 44 ડીગ્રી તાપમાન વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદ, ભારે પવન જોવા મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1