Aapnu Gujarat
ગુજરાત

પાંચ કિલો, ૩૯૦ ગ્રામ ચરસ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)ના અધિકારીઓએ એક મહત્વના ઓપરેશન દરમ્યાન શહેરના જૂહાપુરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેથી પાંચ કિલો,૩૯૦ ગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે બે આરોપીઓ આબીદ મીંયા અને ઇન્તેખાબ આલમને રંગેહાથ ઝડપી લીધા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચરસના આ જથ્થાની કિંમત રૂ.૩૫ લાખ જેટલી થાય છે. ચરસનો આટલો મોટો જથ્થો ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. એનસીબીના અધિકારીઓએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. એનસીબીના ઝોનલ ડાયરેકટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે, એનસીબી, અમદાવાદના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે શહેરના જૂહાપુરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેથી આરોપી આબીદ મીંયા અને ઇન્તેખાબ આલમને પાંચ કિલો, ૩૯૦ ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ચરસનો આ જથ્થો પાંચ જેટલા પેકેટમાં પેક કરાયેલો હતો અને ચરસ લાડુના સ્વરૂપમાં પેકેટમાં મૂકાયેલુ હતું. ચરસનો આ જથ્થો જમ્મુ-કાશ્મીરથી આવ્યો હોવાની પૂરી આશંકા છે. એનસીબીની તપાસમાં આરોપી આબીદ મીંયાએ કબૂલ્યું હતું કે, ચરસનો આ પાંચ કિલો,૩૯૦ ગ્રામ જથ્થો તે અમદાવાદમાં અન્ય એક વ્યકિતને આપવાનો હતો અને તેના વતી ઇન્તેખાબ આલમ આ જથ્થો મેળવવાનો હતો. ઇન્તેખાબ જીજે-૦૧-ઇએચ-૨૮૪૦ નંબરની મોટરસાયકલ ચલાવતો હતો અને એનસીબીના અધિકારીઓએ તે મોટરસાયકલ પણ જપ્ત કરી લીધી હતી. એનસીબીના અધિકારીઓએ બંને આરોપીઓની એનડીપીએસ એકટ-૧૯૮૫ની કલમ-૮(સી), ૨૦(બી)(બી), ૨૫ અને ૨૯ હેઠળ ધરપકડ કરી હતી. આજે બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે બંને આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. એનસીબીની પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, આબીદ મીંયા(ઉ.વ.૪૫) એ જૂહાપુરાનો રહેવાસી છે અને ઇન્તેખાબ આલમ(ઉ.વ.૪૪) એ ખાનપુર વિસ્તારનો રહેવાસી છે. આબીદ મીંયા ચરસની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર મનાઇ રહ્યો છે. ચરસનો આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે લવાયો હતો અને કોને ડિલીવર કરવાનો હતો તે સહિતના મુદ્દાઓ પર એનસીબી પોતાની તપાસ આગળ ધપાવી રહી છે.

Related posts

૨૪૦ બગીચાઓની સંભાળ માટે નવેસરથી કોન્ટ્રાકટ થશે

aapnugujarat

કાંકરેજમાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

કડી શહેરમાં રામ મંદિર ભૂમિ પૂજનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1