Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીમાં શિવસેના ૫૦થી વધુ ઉમેદવારો ઉભા રાખશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં શિવસેનાએ પણ ઝંપલાવવાની આજે સત્તાવાર જાહેરાત કરી હતી. શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેના નિર્દેશાનુસાર, વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના તેના ૫૦થી ૭૫ ઉમેદવારો ઉભા રાખશે. શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અનિલ દેસાઇ અને શિવસેના, ગુજરાતના પ્રભારી રાજુલબહેન પટેલે આ અંગેની અધિકૃત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં નાગરિકો માટે શિવસેના સારો વિકલ્પ બની શકે છે. તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા અંગે શિવસેના હાઇકમાન્ડ સાથે ચર્ચા અને અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. આગામી દિવસોમાં શિવસેના સુપ્રીમો ગુજરાતમાં આવી જાહેરસભા અને લોકસંવાદ યોજશે તેવી પણ શકયતા તેમણે વ્યકત કરી હતી. શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અનિલ દેસાઇ અને શિવસેના, ગુજરાતના પ્રભારી રાજુલબહેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી શિવસેના ગુજરાતમાં સક્રિય છે અને લોકોના સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓની નિરાકરણમાં તેની રીતે સહાયભૂત થઇ રહી છે. શિવસેના પ્રખર હિન્દુત્વની વિચારધારાને વળગી રહેલી પાર્ટી છે અને તેથી હિન્દુત્વ, વિકાસ સહિતના મુદ્દે જ શિવસેના ચૂંટણી લડશે. ભાજપ હિન્દુત્વ અને રામમંદિરના મુદ્દા પરથી ભટકી રહી હોય તેવું તમને લાગે છે એવા પ્રશ્નના જવાબમાં અનિલ દેસાઇએ જણાવ્યું કે, લોકોને ખબર પડી જ ગઇ છે અને લોકો બધુ સમજે જ છે, તેથી ભાજપે આ સમગ્ર મામલે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. નોટબંધી અને જીએસટીની અસરો વિશે તેમણે જણાવ્યું કે, નોટબંધી અને જીએસટીના કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓ અને ઉદ્યોગો પડી ભાંગ્યા, સમગ્ર દેશમાં આર્થિક મંદીનો માહોલ છવાયો અને લોકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડયો છે, તે વાસ્તવિકતા છે. ભાજપ સાથે ગઠબંધનની વાતનો તેમણે સાફ શબ્દોમાં ઇન્કાર કર્યો હતો. શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અનિલ દેસાઇએ સ્પષ્ટ કર્યું હતું કે, શિવસેના આગામી સમયમાં તેનું ગુજરાતમાં સંગઠન અને નેટવર્ક વધુ મજબૂત બનાવશે. હિન્દુત્વના મુદ્દા પર ગુજરાતની જનતાનો આધાર શિવસેના બની શકે છે. શિવસેના એવો પક્ષ છે કે જે હિન્દુત્વના મુદ્દે કોઇ બાંધછોડ નહી કરે અને તેથી ગુજરાતની જનતાને અમારા પક્ષ અને ઉમેદવારોમાં ભરોસો છે. આ વખતની ચૂંટણીમાં પણ શિવસેનાને સારૂ પરિણામ મળવાની આશા તેમણે વ્યકત કરી હતી. શિવસેના, ગુજરાતના યોજાયેલા સંમેલનમાં શિવસેના ગુજરાતના પ્રમુખ ઉમેશ એન્જિનીયર, અશોકભાઇ શર્મા, હેમરાજભાઇ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

जापान के प्रधानमंत्री श्री शिंजो आबे की पत्नी श्रीमती अकि आबे का अंधजन मंडल में दिव्यांग भाइयों द्वारा बैंड की सुरावलियों से स्वागत किया गया

aapnugujarat

બહેરામપુરા વિસ્તારમાં ચાર મહિનામાં ડેન્ગ્યુના દસ કેસ

aapnugujarat

૧૫ ઓગસ્ટથી ભાજપ સભ્યવૃદ્ધિ અભિયાન ચાલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1