Aapnu Gujarat
ગુજરાત

નોટબંધીને લઇ શહેરમાં આજે જુદા જુદા કાર્યક્રમો માટે આયોજન

નોટબંધી સામેના વિરોધમાં આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી રીતે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરશે.
આજે મોદી સરકારના નોટબંધીના સૌથી વિવાદીત નિર્ણયને એક વર્ષ પૂર્ણ થતું હોઇ તેના વિરોધમાં તેમ જ નોટબંધી દરમ્યાન માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પવાના હેતુથી ગુજરાત જન આંદોલનના નેજા હેઠળ લાલદરવાજા, સરદાર બાગ ખાતે સાંજે ૭-૩૦ વાગ્યે જોરદાર વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જન સંઘર્ષ મંચ, ગુજરાત મજદુર સભા સહિતના સંખ્યાબંધ સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ અને યુનિયનો સામેલ થશે. સેંકડો મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો નોટબંધીનો વિરોધ કરી વિશાળ માનવસાંકળ રચશે અને ત્યારબાદ નોટબંધી માર્યા ગયેલા નિર્દોષ લોકોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પવામાં આવશે. ગુજરાત જન આંદોલનના કન્વીનર અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સ્વ.ડો.મુકુલ સિંહાના પત્ની નિર્ઝરી સિંહા, ગુજરાત મઝદુર સભાના પ્રમુખ અમરીષ પટેલ, ગુજરાત જન આંદોલનના સભ્ય શમશાદ પઠાણ, જન સંઘર્ષ મંચ રાજેશ માંકડ, પ્રવીણ મિશ્રા સહિતના આગેવાનોના નેજા હેઠળ યોજાનારા આ અનોખા વિરોધ કાર્યક્રમમાં સૌકોઇને ખાસ કરીને મહિલાઓને થાળી અને વેલણ લઇને આવવાની અપીલ કરવામાં આવી છે. આજે સેંકડો લોકો માનવ સાંકળ રચી વિરોધ વ્યકત કરશે અને નોટબંધી દરમ્યાન માર્યા ગયેલા નિર્દોષ લોકોના માનમાં સ્વર્ગસ્થને મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવશે. ગુજરાત જન આંદોલનના કન્વીનર નિર્ઝરી સિંહા અને સભ્ય શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધીના તઘલખી નિર્ણયનો વિરોધ કરવા આવતીકાલે ગુજરાતની જનતા એક થવાની છે અને સરકારને સામાન્ય માણસની તાકાતનો એવા સંદેશા સાથે પરચો આપશે કે, તમે કરી અમારી નોટબંધી, અમે હવે કરીશું તમારી વોટબંધી. ગયા વર્ષે તા.૮મી નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું હતું કે હવેથી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો માન્ય ગણાશે નહી. એ પછી કેટલાક મહિનાઓ સુધી દેશના લાખો-કરોડો લોકો માટે એમના જીવનના સૌથી કપરા દિવસો બની ગયા. બે-ચાર મહિનાઓ સુધી લાખો લોકોને એટીએમ અને બેંકોની આગળ લાંબી લાંબી લાઇનો લગાવી ઉભા રહેવુ પડયું હતું જેમાં ઘરડા, બિમાર, અશકત અને વિકલાંગ લોકોનો પણ સમાવેશ થતો હતો. સરકારના આ સરમુખત્યારશાહી ભર્યા નિર્ણયને કારણે ૧૦૦થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સમગ્ર દેશનું અર્થતંત્ર કકડભૂસ થઇ ગયું, લોકો બરબાદ થઇ ગયા. ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા. દેશ આર્થિક દ્રષ્ટિકોણથી પાછળ ધકેલાઇ ગયો. આજે એક વર્ષ બાદ પણ દેશનું અર્થતંત્ર નોટબંધીના મરણતોલ ફટકામાં ઉભરી શકયું નથી. વિરોધ કાર્યક્રમ મારફતે કેન્દ્ર અને રાજય સરકારને અનોખો સંદેશો પાઠવાશે.

Related posts

વાઇબ્રન્ટ ગુજરાતની વિશેષતાઓ અંગે અગ્રણી સમક્ષ રજૂઆત કરી

aapnugujarat

नये निर्माणकाम के मूल्यांकन में म्युनि.टैक्स के घोटाले : सूत्र

aapnugujarat

સી.જી.રોડનાં ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1