Aapnu Gujarat
ગુજરાત

કોંગી જમીન અધિગ્રહણ માટે નવો કાયદો લાવશે : રાહુલની ખાતરી

દક્ષિણ ગુજરાતના ત્રીજા દિવસના ચૂંટણી પ્રવાસ દરમ્યાન સુરત-વલસાડમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ લોકોની દુઃખતી નસ પકડી હતી અને કોંગ્રેસ તરફથી સહાનુભૂતિનો મલમ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર જોરદાર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયને પગલે દેશની અર્થવ્યવસ્થા તૂટી ગઇ અને નાના વેપારીઓ, દુકાનદારો, ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. દેશનો જીડીપી દર બે ટકા સુધી ઘટી ગયો. દેશમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય તો તે ગુજરાતમાં લોકોની જમીનો પચાવી પાડવાનો ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસની સરકાર આવશે તો, જમીન અધિગ્રહણ માટે નવો કાયદો અમલમાં લાવશે. પંચાયત અને ખેડૂતોને પૂછયા વિના સરકાર ખેડૂતોની જમીન લઇ શકશે નહી. ખેડૂતો અને આદિવાસીઓની જમીનની સુરક્ષા અને અધિકારો માટે આ નવો રાષ્ટ્રીય કાયદો લાગુ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના અત્યાચારી અને અન્યાયી શાસનમાં આજે ગુજરાતમાં તમામ લોકો દુઃખી છે, દરેક સમાજ અને વર્ગ દુઃખી છે, કોઇ ખુશ નથી. ગુજરાતમાં દરેક સમાજ આજે આંદોલન કરવા મજબૂર બન્યો છે. કારણ કે, ભાજપે લોકોને વાયદાઓ કરી તે પાળ્યા નથી પરંતુ કોંગ્રેસ આવું નહી કરે. કોંગ્રેસ ખોટા વાયદાઓ આપવામાં માનતી નથી પરંતુ જનતાના દુઃખ, દર્દના નિવારણમાં માનનારી પાર્ટી છે. કોંગ્રેસની સરકાર આવશે તો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત તમામ લોકોના પ્રશ્નોનું નિવારણ કરશે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતનું આજનું સત્ય એ છે કે, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, પાટીદારો પર લાઠીઓ ચલાવાઇ, દલિતો પર અત્યાચાર થયા, ખેડૂતો, આદિવાસીઓની જમીન છીનવાઇ અને તેમના હક્કની વીજળી, પાણી અને જમીનો મોદીજીના પાંચ-દસ માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાયા. મોદી સરકાર અને ભાજપનું શાસન આ પાંચ-દસ ઉદ્યોગપતિઓના ઇશારે ચાલે છે અને તેથી ગુજરાત સહિત દેશમાં લોકોમાં દુઃખ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મોદી સરકાર પાસે નેનોને રૂ.૩૫ હજાર કરોડ આપવા માટે હતા પરંતુ રાજયના ખેડૂતોના દેવું માફ કરવા માટે સરકાર પાસે પૈસા નથી. ભાજપે ગુજરાતના લોકોની લાગણીઓ સાથે રમત રમી મોટો વિશ્વાસઘાત કર્યો છે. પેટ્રોલ-ડિઝલમાં ભડેક બળતા ભાવો અંગે રાહુલ ગાંદીએ જણાવ્યું કે, જો પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવાય તો ચોક્કસ તેના ભાવો નિયંત્રમાં આવી શકે પરંતુ આ માટે મોદી સરકારની ઇચ્છાશકિત હોવી અત્યંત જરૂરી છે. પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને કારણે દેશભરમાં ખાસ કરીને કાપડબજાર, શાક માર્કેટ સહિતના ક્ષેત્રોમાં તેની સીધી અસર વર્તાય છે. ભાજપની સરકાર પાંચ-દસ ઉદ્યોગપતિઓની સરકાર છે, જયારે કોંગ્રેસની સરકાર લોકોની અને લોકોને સાથે લઇને ચાલનારી સરકાર હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાહુલ ગાંધીએ તેમના ત્રણેય ચૂંટણી પ્રચારના તબક્કાઓ દરમ્યાન વિવિધ દેવી-દેવતાઓના મંદિરોમાં દર્શન કરી, માથા પર તિલક કરી, પૂજા-અર્ચના કરી સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલી કાઢયું અને તેના કારણે ભાજપને બેકફુટ પર ધકેલી દીધુ હતું. દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન આજે પણ રાહુલ ગાંધીએ કોસંબામાં રણછોડરાય મંદિરમાં દર્શન કરી પૂજા-વિધિ કરી માથે તિલક લગાવી હિન્દુ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા એક રીતે પ્રગટ કરી હતી. આ વાતની ગુજરાતના રાજકારણમાં નોંધ લેવાઇ હતી. રાહુલ ગાંધીના સોફ્ટ હિન્દુત્વને લઇ એક બાજુ ભાજપ ગોથુ ખાઇ ગયુ છે તો, બીજીબાજુ, વાપી રોડ પર એક સામાન્ય હોટલમાં કાઠિયાવાડી ભોજન માણી, આંગણવાડીની બે હજાર આશાવર્કર બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી, કોસંબામાં માછીમારો સાથે ભાવપૂર્વકની મુલાકાત, ધરમપુુર ખાતે ખેડૂતો સાથે લોકસંવાદ, નાના બાળકોને પોતાની પાસે બોલાવી વ્હાલ કરી, નાગરિકોની વચ્ચે જઇ ભારે સહજતા અને સરળતા સાથે તેમની સાથે હાથ મિલાવી, સતત હાથ હલાવી હસતા ચહેરે લોકોનું અભિવાદન કરવાનો રાહુલ ગાંધીનો આ નવતર વ્યૂહાત્મ અભિગમ હાલ ગુજરાતના રાજકારણ, મીડિયાઆલમ અને રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. કારણ કે, રાહુલ ગાંધીના આ પ્રકારના અલગ અવતારને જોઇ તેમનું રાજકીય કદ તો વધ્યું જ છે.

Related posts

जमालपुर में मकान धराशायी

aapnugujarat

ગોધરાની ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

editor

ગોધરામા MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1