Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેર-જિલ્લાનો દશમો ગરીબ કલ્યાણ મહામેળો : ૮૩૬૩ શહેરી ગરીબોને ૩૦ જેટલી કલ્યાણ યોજનાઓ હેઠળ રૂ. ૮૮૦ કરોડથી વધુ રકમની સાધન સહાયતા મળી

ખેલ રાજ્ય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરા શહેર-જિલ્લાના દશમા ગરીબ કલ્યાણ મહામેળાનો પ્રારંભ કરાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા તથા જિલ્લા પ્રશાસને સંકલિત રીતે યોજેલા આ મેળાના ભાગરૂપે વડોદરાના ૮૩૬૩ જેટલા શહેરી ગરીબોને આવાસો સહિત રૂ. ૮૮૦.૨૬ કરોડની કિંમતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જ્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓના ૪૯૫૪૫ લાભાર્થીઓને રૂ. ૩૨ કરોડ ૫૮ લાખ ૨૯ હજારની સાધન સહાયતા અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આમ, એક જ દિવસે શહેર-જિલ્લાના ૫૭૯૦૮ લાભાર્થીઓને રૂ. ૯૧૨.૮૪ કરોડના લાભોના સીધેસીધા વિતરણનો માનવ કલ્યાણ વિક્રમ સર્જાયો હતો. મેયરશ્રી ભરતભાઇ ડાંગર, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો જન સશકિતકરણ માટે લાભ વિતરણ આ પવિત્ર કાર્યમાં જોડાયાં હતા.

સ્વતંત્રતા પહેલા મોગલો અને અંગ્રેજોએ અને સ્વતંત્રતા પછી તત્કાલીન શાસકોએ દેશને લૂંટયો તેનો આક્રોશ વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લૂંટારા શાસકોની પકડમાંથી છોડાવીને, ગરીબ કલ્યાણ મેળા જેવી પહેલોથી ગરીબોના કલ્યાણ માટે અઢળક કામ કર્યુ છે. તેમણે માર્મિક ટકોર સાથે જણાવ્યું કે આ રાજ્યને અને દેશને અગાઉ હતી તેવી માટી, કોલસો અને તરંગો ખાઇ જનારી સરકારોની નહી પણ હાલમાં છે તેવી જન હિત રક્ષક સરકારોની અને શાસનની જરૂર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નિર્ણાયાત્મક સરકારની સિધ્ધિઓની વિગતવાર જાણકારી આપતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી શાસનને લોકોના ધ્વારે લઇ ગઇ છે અને એક કરોડ પરિવારોની સમસ્યાઓ ઉકેલી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૧૩૪૮ ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને ૧.૦૪ કરોડથી વધુ લોકોને રૂ.૧૬૩૯૧ કરોડના લાભો આપ્યા છે એવી માહિતી આપતાં તેમણે જણાયું કે આટલી રકમમાંથી એક મસમોટ્ટો બંધ બાંઢી શકાય. પ્રધાનમંત્રીશ્રીની ભેટ જેવા ગરીબ કલ્યાણ મેળાઓથી રાજ્ય સરકારે ગરીબી નિવારણનુ વીઝન સાકાર કર્યુ છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાઓએ રાજ્યના ગરીબોની દશા અને દિશા બદલી છે. તેમણે મેળાના સફળ આયોજન માટે વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસનને અભિનંદન આપ્યા હતા.

તેમણે કરજણ તાલુકાના રારોદ ગામમાં સખીમંડળ ધ્વારા મહિલા સશક્તિકરણની સાફલ્ય ગાથાના સર્જક હસુમતીબહેનનુ અનોખુ સન્માન કરવાની સાથે, નક્કર મહિલા સશક્તિકરણ માટે ઠેર ઠેર સખીમંડળો બનાવવાની હાકલ કરી હતી.

મેયરશ્રી ભરત ડાંગરે જનધન સહિતની યોજનાઓ અને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરની પારદર્શક વ્યવસ્થાનો હવાલો આપતાં જણાવ્યું કે અગાઉ દેશની બેન્કો અમીરોની બેલી ગણાતી અને ગરીબોમાં બેન્કનુ પગથિયું ચઢવાની હિમ્મત ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ આવી બેન્કોને ગરીબોની મદદગાર બનાવી છે. તો રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એક વર્ષના શાસનકાળમાં ૪૭૫ જેટલા લોકહિતના નિર્ણયો લઇને, તેનો ત્વરીત અમલ કરાવીને, પ્રજાલક્ષી શાસનની સુખદ અનુભૂતિ કરાવી છે. ગરીબ કલ્યાણ મેળાઓએ પુરવાર કર્યુ છે કે ગરીબી નારા પોકારવાથી નહીં સંકલ્પબધ્ધતાથી હટે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

ભારત સરકાર અને રાજ્ય સરકારના લોક કલ્યાણ આયોજનો અને યોજનાઓની વિગતો આપતાં સાંસદ રંજનબહેને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે દેશ અને રાજ્યના લોકોને સાચા અર્થમાં સુખસુવિધાપૂર્ણ જીવનની અનુભૂતિ કરાવી છે.

ધારાસભ્યશ્રીઓ શ્રી જીતુભાઇ સુખડીયા, મનીષાબહેન વકીલ, સતીષભાઇ પટેલ, કેતનભાઇ ઇનામદાર, અન્ન આયોગ અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, વૃડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ, નાયબ મેયરશ્રી યોગેશ પટેલ, મહાનગર પાલિકા પદાધિકારીઓ, નગરસેવકો, અગ્રણીઓ, મ્યુનીસીપલ કમિશનર  ડૉ. વિનોદ રાવ, જિલ્લા કલેકટર પી. ભારતી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધી અને ઉચ્ચાધિકારીઓ સાધન અને સહાયતા વિતરણમાં જોડાયા હતા. લાભાર્થીઓએ મેળામાં મળેલા લાભો તેમના જીવનને ખુશહાલ બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

ડીસામાં પહેલાં પિતા અને હવે પુત્રો સામસામે મેદાને ઉતર્યાં

aapnugujarat

1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા, અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ

editor

ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાથી પાકને નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1