Aapnu Gujarat
ગુજરાત

૪૩ હજાર કિમીની કેનાલોનું કામ બાકી રહેતાં નુકસાન થયું

ભાજપ સરકારે તેના ૨૨ વર્ષોના શાસન અને સત્તા છતાં ગુજરાતમાં નર્મદા યોજનાની ૪૩ હજાર કિ.મી.ની કેનાલોનું કામ પૂર્ણ નહી કર્યું હોવાથી ગુજરાત રાજયને કલ્પી ના શકાય તેવું ગંભીર નુકસાન થયું છે. ભાજપની આ ગુનાહીત બેદરકારીનો જવાબ ગુજરાતની જનતા આગામી વિધાનસભા ચૂંટણીઓમાં આપશે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. નર્મદા યોજના હજુ પૂરી જ થઇ નથી તેમછતાં તેને પૂર્ણ ગણાવી ભાજપ કરોડો રૂપિયાના તાયફા અને ઉજવણી કેવી રીતે કરી શકે? એવો સવાલ ઉઠાવતાં ભરતસિંહે જણાવ્યું કે, કેનાલોનું કામ પૂર્ણ નહી કરી શકનાર ભાજપને પ્રજાના પૈસે ચૂંટણીલક્ષી તાયફાઓ કરવાનો કોઇ અધિકાર નથી. નૈતિકતા હોય તો નર્મદા રથ, સમારંભ અને તાયફાઓનો કરોડો રૂપિયાનો સંપૂર્ણ ખર્ચ ભાજપ ઉઠાવી બતાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, નર્મદા યોજનાનું ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ હોવાછતાં ૪૩ હજાર કિ.મીની કેનાલ, માઇનોર, સબમાઇનોર, ફિલ્ડ ચેનલ બની નહી હોવાથી નર્મદાનું પાણી દરિયામાં વેડફાઇ જાય છે અને ખેડૂતોને મળતું નથી. ગુજરાતમાં ૨૨ વર્ષ સુધી સત્તામાં રહેવા છતાં નર્મદા કેનાલની ૪૩ હજાર કિલોમીટરનું કામ પૂર્ણ નહી કરી શકનાર ભાજપ ગુજરાતની પ્રજાની જાહેરમાં માફી માંગે, નહી તો આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજા ભાજપને તેનો જવાબ આપશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપને આડા હાથે લીધું હતું અને આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાને પીવાનું અને ખેડૂતોને સિંચાઇનું પાણી જોઇએ છે, કરોડો રૂપિયાના ખર્ચે થઇ રહેલા વાહિયાત તાયફાઓ નહી. પ્રજાને નર્મદાના પાણીમાં રસ છે, ભાજપના તાયફાઓમાં નહી. માં નર્મદાના નામનો વોટબેંક માટે ઉપયોગ કરનારી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જવાબ આપે. એકબાજુ ગુજરાતની જનતાને નર્મદાનું પીવાનું પાણી મળતું નથી અને ખેડૂતો નર્મદાના સિંચાઇના પાણીથી વંચિત હોઇ તરસી રહ્યા છે ત્યારે ભાજપ ચૂંટણી ટાણે મતોની લાલચમાં લોકમાતા નર્મદા માતાના નામને વટાવી રહી છે. એટલું જ નહી પ્રજાના પૈસે ભાજપ પોતાના પ્રચાર માટે કરોડો રૂપિયાના તાયફાઓ યોજી ગુજરાતની ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. વાસ્તવમાં નર્મદા યોજનામાં ૪૩ હજાર કિ.મીની કેનાલનું કામ હજુ પણ બાકી બોલે છે છતાંય ભાજપ યોજના પૂર્ણ થઇ ગઇ હોવાનું જુઠ્ઠાણું ચલાવી રહી છે. ગુજરાતની ૧૯ લાખ હેકટર જમીનમાં પિયત(સિંચાઇ)નું પાણી પહોંચાડવાનું હતું, તેના બદલે માંડ ૨૦ ટકા જ સિંચાઇનું પાણી પહોંચી રહ્યું છે જે ભાજપની ગુનાહિત બેદરકારી છતી કરે છે. હકીકતમાં, ગુજરાતના ખેડૂતો ભાજપથી નારાજ હોવાથી તેમનો રોષ ખાળવા ભાજપ નર્મદા રથના ચૂંટણીલક્ષી નાટકો ચલાવી રહી છે. આયોજન પંચ તથા કેગે કહ્યું છતાં સમાંતર રીતે કેનાલનું કામ નહી કર્યું હોવાથી ખેડૂતોને હજુ સુધી પાણી પહોંચ્યા નથી અને દર સીઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે.

Related posts

નમામી દેવી નર્મદે મહોત્સવની બોડેલી તાલુકામાં ઉજવણી કરાઈ

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વિધેયક મુદ્દે પી.ડી. વસાવાની પ્રતિક્રિયા

aapnugujarat

સુરતમાં વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1