Aapnu Gujarat
બ્લોગ

નરેન્દ્ર મોદી અને ન્યૂ ઇન્ડિયા

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી ‘ધ અમેરિકન બજાર’ નામની લોકપ્રિય ઓનલાઇન પત્રિકાએ લખ્યું હતું, ‘વિભાજિત ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સૌથી કરિશ્માઇ, સ્ફૂર્ત અને ચાલાક રાજકારણી છે, જેણે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જેવાને પણ ઝાંખા પાડી દીધા છે. વૈશ્વિક સંદર્ભમાં એમના વિજયને ૨૦૦૮માં બરાક ઓબામાની જીત સાથે સરખાવી શકાય.’ઉત્તરપ્રદેશની જનતાએ નરેન્દ્ર મોદીના નામ પર ભારતીય જનતા પક્ષને ઐતિહાસિક ૩૧૨ બેઠકો આપી તે પછી મોદીના કરિશ્માને લઇને વધી-ઘટી શંકાઓ પણ નાબૂદ થઇ ગઇ છે.પંડિતો, મીડિયા, અભ્યાસકર્તાઓ કે વિશ્લેષકોની કોઇપણ પ્રકારની મદદ વગર જનતાના મનને કેવી રીતે ઓળખવું એની સાબિતી મોદીએ આપી દીધી છે. આ જ એક કારણથી મોદીને બૌદ્ધિકો પ્રત્યે તિરસ્કાર છે.આપણે જેને ‘આમ આદમી’ તરીકે ઓળખીએ છે તે ગરીબ, મધ્યમ વર્ગ, છેવાડાના માણસ સાથે લગાવ ઊભો કરવાની એક ઉત્તમ આવડત ઇન્દિરા ગાંધીમાં હતી.વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં તે પછી એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં મથાળું હતું, ‘ઇટ્‌સ એન ઇન્દિરા ગાંધી મોમેન્ટ ફોર નરેન્દ્ર મોદી’ (નરેન્દ્ર મોદીનો ઇન્દિરા જેવો સમય).કરિશ્મા શબ્દ આમ તો ચલતા-પૂર્જા જેવો છે, અને બોલિવૂડના હીરોથી લઇને ક્રિકેટના સ્ટાર સુધી અને અંડરવર્લ્ડના બોસથી લઇને આધ્યાત્મના ગુરુ સુધીના લોકો માટે વપરાય છે, પરંતુ પૂરા સમાજ કે રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્યના જીવન પર અસર છોડી જાય તેવા વ્યક્તિત્વમાં છેલ્લું નામ ઇન્દિરાનું આવે છે, અને હવે નરેન્દ્ર મોદીનો એમાં ઉમેરો થયો છે. કરિશ્મા ઓળખવો સહેલો છે, સમજવો કઠિન છે. દુનિયાને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો પરિચય થયો તે પછી વિધાનસભામાં તેમને જે ભવ્ય જીત મળી તેને મોદીના કરિશ્માનો પ્રતાપ ગણાવાય છે. આ શું છે? મોદીના અનુયાયીઓને મજાકમાં ‘ભક્તો’ કહેવાય છે.
આ સાવ જ ખોટું નથી. કરિશ્મા શબ્દ ગ્રીક ‘ખરીસ્મા’ ઉપરથી આવે છે જેનો મતલબ થાય છે ગ્રેસ, એટલે કે ઇશ્વરની કૃપા. મોદીમાં વિશ્વાસ રાખનારાઓને મોદીમાં સુપરમેન, સાધારણથી વિશેષ વ્યક્તિ દેખાય છે.કરિશ્મા શબ્દ ધાર્મિક છે, અને એટલે જ એ આજે પણ રાજનેતાઓમાં જીવતો રહ્યો છે. ઇસુ પછીની ૫૦મી સદીમાં ઇસાઇ ધર્મદૂત પોલ ધ એપોસલે ઇસાઇ સમુદાયોને લખેલા પત્રોમાં પહેલી વખત કરિશ્મા શબ્દ વાપર્યો હતો. તેણે નવ કરિશ્મા (આધ્યાત્મિક ભેટ) ગણાવ્યા હતાઃ ભવિષ્યવાણીની ક્ષમતા, ઇલાજની આવડત, ગૂઢવાણી, એ વાણીનું અર્થઘટન, શિક્ષા, સેવા, ચમત્કાર, જ્ઞાન અને શ્રદ્ધા.ભારતીય રાજનૈતિક સંસ્કૃતિમાં કરિશ્માઇ નેતૃત્વની એક વિશેષ ઓળખ રહી છે, જેનો સંબંધ રાજનીતિક નેતાના અનોખા સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક વ્યક્તિત્વ સાથે છે. આવા નેતાના અનુયાયી આ ગુણોની અતિશયોક્તિ તો કરે જ છે, સાથે એવું પણ માને છે કે એમની સમસ્યાઓનું સમાધાન કોઇ નીતિ-નિર્ણય, પરંપરા કે રીતિ-રિવાજોમાં નહીં પરંતુ કરિશ્માઇ નેતૃત્વમાં છે. રાજનીતિમાં કરિશ્માઇ નેતૃત્વને વધુ મહત્ત્વ આપવા પાછળ ભારતીયોની આધ્યાત્મિક વૃત્તિ રહી છે જે રાજનીતિમાં વ્યક્તિપૂજાને પ્રોત્સાહન આપે છે.
૨૦મી સદીના જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે કરિશ્માને ધર્મના દાયરામાંથી બહાર કાઢીને એને સામાજિક નેતૃત્વ સાથે જોડીને કહ્યું હતું કે કરિશ્માઇ નેતૃત્વમાં અસાધારણ, અમાનુષી અને બહાદુરીના ગુણ હોય છે. વેબરે કહ્યું હતું કે આધુનિક જગતમાં સખ્ત રીતે નિયંત્રિત બ્યુરોક્રસી હોવા છતાં કરિશ્માઇ નેતૃત્વ પેદા થતાં રહેશે. વેબર ૧૯૨૦માં મરી ગયો, અને જગતના પ્રથમ કરિશ્માઇ નેતા મુસોલિની અને હિટલરમાં એની થિયરીને સાબિત થતી જોઇ ન શક્યો.
આનું કારણ એ છે કે મોટાભાગના લોકો સ્વભાવગત અનુયાયી છે. આકાશમાં બેઠેલો ભગવાન હોય કે મંચ પર બેઠેલો ગુરુ કે લીડર હોય, માણસો શ્રદ્ધાથી માથું ઝુકાવીને સૂચનાનું અનુસરણ કરવા ટેવાયેલા છે. તમે ચાર રસ્તા ઉપર ઊભા રહીને પાંચ મિનિટ સુધી આકાશમાં જોતા રહો તો આવતા જતા માણસો પણ તમારી આજુબાજુ ઊભા રહીને તમે જુવો છો તે દિશામાં નજર ખોડવા લાગશે. આ તમે ઊભો કરેલો નેતા-અનુયાયીનો સંપ્રદાય કહેવાય. આ બાળપણમાં જ શરૂ થાય છે જ્યાં બાળક એની માતાની નકલ કરે છે. માતા-બાળકનો આ સંબંધ નેતા-અનુયાયીનું પ્રથમ ઉદાહરણ છે.
બાળક કમજોર છે, બેસહાય છે એટલે આ અફાટ, ભયાનક જંગલમાં ટકી રહેવા માટે માતા સાથે અનુયાયી, અનુસરણનો સંબંધ બનાવી રાખે છે. મોટા થયા પછી પણ આ જ પ્રક્રિયા ચાલતી રહે છે, અને રાજકારણ હોય કે ધર્મ, એને મસીહાની જરૂર રહે છે. આમ જનતામાં આ મસીહા, તારણહારની જરૂરિયાત જ કરિશ્માઇ નેતાઓને પેદા કરે છે. એમાં સહેજ પણ આશ્ચર્ય નથી કે જે જનતાએ એક સમયે સોનિયા ગાંધીમાં વિશ્વાસ મૂક્યો હતો તે જ જનતાએ નરેન્દ્ર મોદીને શ્રદ્ધા સુમન ચઢાવ્યાં છે. ૧૯૮૪માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાં કેથલીન રૂથ સેલ્વ નામની વિદ્યાર્થિનીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કરિશ્માઇ નેતાગીરી પર થીસીસ લખી હતી. એમાં એણે લખ્યું હતું કે, ભારતમાં ત્રણ પ્રકારના નેતાઓ હોય છે. એક એવો કરિશ્માઇ નેતા જેની દૂરદર્શિતા અને માન્યતાઓ સમાજની વ્યવસ્થા-સંસ્થાઓને પ્રભાવિત કરે, મજબૂત કરે (જેમ કે નહેરુ). બીજો કરિશ્માઇ નેતા એ છે જે એની તાકાત અને પ્રભાવનો ઉપયોગ કરીને સંસ્થાઓને કમજોર બનાવે (જેમ કે ઇન્દિરા), અને ત્રીજો નેતા એ જેનામાં કરિશ્મા જ ન હોય પણ એને પેદા કરવાની સંભાવના હોય (જેમ કે રાજીવ).નહેરુએ એમના ચિંતનથી આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. ઇન્દિરામાં કરિશ્મા હતો પણ દૃષ્ટિ ન હતી એટલે એણે ન્યાય, સંસદ અને બંધારણીય પ્રણાલીને કમજોર બનાવીને પોતાની સત્તા જાળવી રાખી હતી. રાજીવમાં સ્વપ્ન હતું પણ કરિશ્મા ન હતો. નરેન્દ્ર મોદી નિશ્ચિત રીતે રાજીવથી ઉપર અને નહેરુથી નીચે મોર્ચો બાંધીને ઊભા છે. જીતના બીજા દિવસે રવિવારે દિલ્હીની સડકો ઉપર અભિવાદન કરતાં એમણે ‘ન્યૂ ઇન્ડિયા’નો પાયો નાખવાની વાત કરી એમાં ઇન્દિરાથી ઉપર જવાની એમની ખ્વાહિશ ઝલકતી હતી. મોદીને એમના કરિશ્માએ સાથ આપ્યો છે. હવે એમને ચિંતનના સહયોગની જરૂર છે.

Related posts

भारत-भूटान प्रेमालाप

aapnugujarat

ભુતકાળમાં વિધાતા છઠ્ઠીના દિવશે બાળકનું ભાગ્ય લખતા અને આજે…?

aapnugujarat

શ્રીલંકામાં વિકસી રહ્યું છે રામાયણ ટૂરિઝમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1