Aapnu Gujarat
બ્લોગ

“મા નર્મદા મહોત્સવ” : ગુજરાતની જીવાદોરી પ્રત્યે કૃતજ્ઞતા

કહેવાય છે કે નદી સંસ્કૃતિનું પારણું છે. એટલે જ ‘નર્મદા’ કે ‘ગંગા’ શબ્દોથી આપણાં મનમાં સંપૂર્ણ જીવન કે સંસ્કૃતિનો વિચાર આવે છે. નદીઓ જીવનનાં પ્રવાહને પ્રતિબિંબિત કરે છે. નદીઓ સંસ્કૃતિને સાતત્યતા, ટકાઉપણું, ઉત્પાદકતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. જળ જીવન છે.નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવ્યાં પછી જીવનનાં સમૃદ્ધ અસ્તિત્વ માટે નદીઓનાં આ પ્રકારનાં માળખાને જીવંત કરવાનો વિચાર અને આયોજન કરી રહી છે.જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે આ પ્રોજેક્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. સેંકડો અવરોધો હોવા છતાં તેમણે પ્રોજેક્ટ પૂર્ણ કરવા મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી હતી. તેમણે પ્રોજેક્ટ માટે પુરતુંભંડોળ પૂરું પાડ્યું હતું અને તમામ હિતધારકોનો સાથસહકાર મેળવ્યો હતો. તેમનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન નર્મદા મૈયાનાં નીર, પાણીની તંગી અનુભવતા કચ્છ સુધી પહોંચ્યાં હતાં.
સરદાર સરોવર પ્રોજેક્ટએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે કામગીરી સંભાળ્યાં પછી ૧૭મા દિવસે ૧૨ જૂન, ૨૦૧૪નાં રોજ નર્મદા નિયંત્રણ સત્તામંડળ (એનઓસી)એ જળાશયની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટરથી વધારીને ૧૩૮.૭૨ મીટર કરવાની મંજૂરી આપી હતી, જેમાં દરવાજાં ખુલ્લાં રાખવાની શરત હતી.
રાજ્ય લગભગ ૮ વર્ષથી આ મંજૂરીની આતુરતાપૂર્વક રાહ જોતું હતું. પછી રાજ્ય સરકારે જરાં પણ વિલંબ કર્યા વિનાં બીજા જ દિવસથી ડેમનીઊંચાઈ વધારવાની કામગીરી શરૂ કરી હતી અને વાસ્તવિક સમયમર્યાદાનાં છ મહિના અગાઉ કામગીરી પૂર્ણ કરી હતી.ત્યારબાદ કેન્દ્ર સરકારે આશરે ત્રણ મહિના અગાઉ ૧૬ જૂનનાં રોજ ચાલુ વર્ષે ગુજરાત સરકારને સરદાર સરોવર ડેમનાદરવાજા બંધ કરવાની મંજૂરી આપી હતી. નર્મદા નદી પર ડેમ માટે શિલારોપણ થયા પછી આશરે ૬૦ વર્ષે આ સફળતા મળી હતી. આ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે જળાશયનાં દરવાજા બંધ થવાની સાથે રાજ્યની જનતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે દરવાજાં ખુલી ગયા છે. આ દિવસની તેઓ આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં. તેનાથી રાજ્યનાં સંપૂર્ણ વિકાસને વેગ મળશે અને પ્રગતિનાં નવાં શિખરો સર કરાશે એવી અપેક્ષા પણ છે.આ અભૂતપૂર્વ ક્ષણની યાદગીરી સ્વરૂપે રાજ્ય સરકારે “મા નર્મદા મહોત્સવ”ની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. નર્મદા રાજ્યની સૌથી લાંબી નદી હોવાની સાથે ગુજરાતની જીવાદોરી પણ છે. ગુજરાતનાં સૌથી મોટા વિસ્તારની પાણીની જરૂરીયાત પૂરી પાડે છે અને આ મહોત્સવની ઉજવણી સાથે ગુજરાત સરકારે જીવન, તેનાં સ્થાયીપણા અને વિકાસની ઉજવણી કરવાનાં આયોજનની સાથે નર્મદા માતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની તક પણ ઝડપી લીધી છે. પ્રધાનમંત્રી ૧૭.૦૯.૨૦૧૭ને આગામી રવિવારે આ મહોત્સવનાં અંતે સહભાગી થશે એવી અપેક્ષા છે.જળાશયનાં દરવાજા બંધ થવાથી તેની સંગ્રહક્ષમતા ૩.૭૫ ગણી વધી છે. હવે ૪,૨૫,૭૮૦ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જે અગાઉ દરિયામાં વહી જતું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૨૦ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ વધારાનાં સંગ્રહિત પાણીનો ઉપયોગ કરીને ૪૦ ટકા વધારે વીજળીનું ઉત્પાદન થઈ શકશે. તે રાજ્યને દુષ્કાળની સ્થિતિમાંથી પણ બચાવશે, કારણ કે સંગ્રહિત પાણીને હવે પાણીની ખેંચ ધરાવતાં વિસ્તારોમાં વાળી શકાશે.‘મા નર્મદા મહોત્સવ’નું આયોજન ૬ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ હેઠળ ‘નર્મદા રથ’ પ્રોજેક્ટનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને ગુજરાતનાં ચાર કરોડ નાગરિકોનાં જીવનને થયેલી સકારાત્મક અસર વિશે જાણકારી આપવા ૨૪ જિલ્લાનાં ૧૦,૦૦૦ ગામડાઓમાં ફરશે. આ ઉજવણી દરમિયાન નર્મદા રથનું આરતી સાથે સ્વાગત થશે અને સાથે સાથે રક્તદાન શિબિરો, સ્લોગન સ્પર્ધાઓ, મોબાઇલ ફિલ્મ સ્પર્ધાઓ, મહિલા અને કિસાન સભાઓ તથા યુવાનો દ્વારા સાયકલ/બાઇક રેલીઓ પણ યોજાશે. આ ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી દ્વારા લોંચ કરવામાં આવેલ વેબસાઇટ પર નોંધણી કરાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદીનાં વિઝનથી પ્રેરિત અને નર્મદાનાં નીર સાથે સંબંધિત ગુજરાતની ત્રણ મુખ્ય યોજનાઓ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને સરદાર સરોવર યોજનાને રાજ્યનાં વિકાસ માટે આગળ ધપાવવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનાઓને કારણે નર્મદાનાં નીર હવે રાજ્યનાં અંતરિયાળ અને પાણીની ખેંચ ધરાવતાં વિસ્તારો સુધી પહોંચ્યાં છે, જ્યાં અનાવૃષ્ટિ અનુભવાયછે.આ યોજનાઓ પાછળનો જુસ્સો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોદીની રાજ્ય પ્રત્યેની તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને તેમની સંપૂર્ણ પ્રેરણા સ્પષ્ટપણે દર્શાવે છે.સૌની યોજના ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોંચ કરેલો પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ સરદાર સરોવર ડેમપરથી વહી જતું પૂરનું પાણી સૌરાષ્ટ્ર વિસ્તારનાં દુષ્કાળની શક્યતા ધરાવતાં વિસ્તારોમાં વાળીને ૧૧૫ મોટાં જળાશયોને ભરવાનો છે.આ યોજના હેઠળ નર્મદાનાં પૂરનું એક (૧) મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને પ્રદાન કરવામાં આવે છે, જે માટે રૂ. ૧૬,૬૩૮ કરોડનાં ખર્ચે ૧૨૬૩ કિમી લાંબી પાઇપલાઇન પાથરવામાં આવી છે. રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાઓનાં ખેડૂતોને મુખ્યત્વે આ યોજનાથી લાભ થયો છે.પ્રધાનમંત્રીએ ઓગસ્ટ, ૨૦૧૬, એપ્રિલ, ૨૦૧૭ અને જૂન, ૨૦૧૭માં અનુક્રમે સૌની યોજનાનાં પ્રથમ તબક્કાની ૧, ૨ અને ૩ લિન્કનું ઉદ્ગાટન કર્યું હતું. તેઓ નર્મદા જળાશયનાં નવાં નિર્માણ પામેલા દરવાજાનું ઉદ્ઘાટન કરશે અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ને રવિવારનાં રોજ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રને અર્પણ કરશે. આ રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતા માટે સમૃદ્ધિ અને વિકાસને વાસ્તવિક બનાવવાના સ્વપ્નને સાકાર કરતાં પ્રોજેક્ટ્‌સ માટે સતત કાર્યરત છે.સુજલામ સુફલામ યોજના હેઠળ, નર્મદાનાં પૂરનું ૧ મિલિયન એકર ફીટ પાણી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર અને ૧૪ પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતને પૂરું પાડવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૪૦૦૦ કરોડ છે. આ પ્રોજેક્ટ હેઠળ ૮ જિલ્લાઓનાં ૬૯૭ સરોવરોને નર્મદાનાં પાણીથી ભરવામાં આવશે, જેનાથી અંદાજે ૧,૮૮,૬૦૦ એકર જમીનને લાભ થશે. તેનાથી મુખ્યત્વે મહિસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ થશે.સરદાર સરોવર ડેમ એ સરદાર સરોવર પ્રોજેક્ટનો ભાગ છે અને આ ડેમ ભરુચ જિલ્લાનાં નવાગામમાં સ્થિત છે, જે દરિયાની સપાટીથી ૫૩૦ ફીટ ઊંચાઈ પર છે. આ ડેમની કલ્પના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી. તેનું શિલારોપણ ૧૬ એપ્રિલ, ૧૯૬૧નાં રોજ થયું હતું અને ૧૭ જૂન, ૨૦૧૭નાં રોજ પૂર્ણ થયો હતો. આ સમયગાળા દરમિયાન જળાશયનાં નિર્માણ પર રૂ. ૪૪,૦૦૦ કરોડ ખર્ચ થયો હતો તથા બોન્ડ અને વ્યાજ પર રૂ. ૧૬,૦૦૦નો ખર્ચ થયો હતો.આ પ્રોજેક્ટ ગુજરાતની ૧૮ લાખ હેક્ટર જમીન અને રાજસ્થાનની ૨.૪૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ આશરે ૧૦ લાખ ખેડૂતોને લાભ આપવાનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની ૧૦ લાખ તકો ઊભી થવાની અપેક્ષા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરણ અટકાવવામાં મદદ મળશે.સરદાર સરોવર ડેમઉત્કૃષ્ટ ઇજનેરી કામગીરીનું વિશિષ્ટ ઉદાહરણ પણ છે. તે ભારતનો ૧૨૧૦ મીટરની લંબાઈ અને પાયાથી ૧૬૩ મીટરની ઊંચાઈ ધરાવતો સૌથી મોટો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. નર્મદાની મુખ્ય નહેર ૪૫૮ કિમીની લંબાઈ સાથે વિશ્વની સૌથી મોટી નહેર છે અને તેનું પાણી વહન કરવાની ક્ષમતા સેકન્ડદીઠ ૪૦,૦૦૦ ક્યુબિક ફીટ છે. તે ટોપ સોલર પાવર પ્લાન્ટ ધરાવતી વિશ્વની પ્રથમ નહેર છે, જે જમીન બચાવે છે અને નહેરમાંથી પાણીનું બાષ્પીભવન ઘટાડે છે. નદીઓને એકબીજા સાથે જોડવાથી નર્મદાનાં પૂરનું પાણી તેની નહેરો દ્વારા ગુજરાતમાં શક્ય હોય ત્યાં અન્ય નદીઓમાં વાળવામાં આવ્યું છે. આ રીતે સરદાર સરોવર યોજના ખરાં અર્થમાં રાજ્યની કાયાપલટ કરવા માટે પ્રેરણા સ્રોત બની ગઈછે.કેન્દ્ર સરકાર દેશનાં વિવિધ રાજ્યોમાં જુદી જુદી નદીઓને એકબીજા સાથે જોડાણ કરવાનાં માર્ગે અગ્રેસર હોવાથી આ પ્રકારનાં સ્વપ્નો સાકાર થશે.નદીઓનાં આંતરજોડાણ (આઇએલઆર)ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે અને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ ગણવામાં આવે છે. જળ સંસાધન, નદીનો વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલય (એમઓડબલ્યુઆર, આરડી અને જીઆર) સાપ્તાહિક ધોરણે આઇએલઆરની પ્રગતિ પર નજર રાખી રહ્યું છે.નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં સત્તામાં આવ્યાં પછી કેન્દ્રિય મંત્રીમંડળની ૨૪ જુલાઈ, ૨૦૧૪નાં રોજ આયોજિત બેઠકમાં આઇએલઆર પર વિશેષ સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી અને ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૪નાં રોજ એક આદેશ મારફતે તેનાં બંધારણને મંજૂરી આપવામાં આવી હતી.જળ સંસાધન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (એનપીપી) હેઠળ એનડબલ્યુડીએએ હિમાલયની નદીઓનાં ઘટક હેઠળ ૧૪ લિન્ક અને દ્વિપકલ્પની નદીઓનાં ઘટક તરીકે ૧૬ લિન્કની ઓળખ કરી છે, જેથી ફિલ્ડ સર્વે અને તપાસ તથા વિસ્તૃત અભ્યાસોને આધારે જળનાં આંતર તટપ્રદેશમાં હસ્તાંતરણ કરી શકાય. તેમાંથી દ્વિપકલ્પની નદીનાં ઘટક હેઠળ ૧૪ લિન્કનો શક્યતાદર્શી રિપોર્ટ અને હિમાલયની નદીઓનાં ઘટક હેઠળ ૨ લિન્ક (ભારતીય ભાગ)નો શક્યતાદર્શી રિપોર્ટ તૈયાર થયો છે.આંતર-રાજ્ય નદીઓનાં જોડાણ પરનાં જૂથની રચના એમઓડબલ્યુઆર, આરડી અને જીઆર દ્વારા થઈ હતી, જેણે ૨૮.૦૫.૨૦૧૫નાં રોજ તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો.આ પ્રકારનાં વિવિધ પ્રોજેક્ટ્‌સમાં દમણગંગા-પિંજલ લિન્ક પ્રોજેક્ટ અને પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટ પણ સામેલ છે. પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટથી ગુજરાતને અને દમણગંગા-પિંજલ લિન્ક પ્રોજેક્ટથી મહારાષ્ટ્રને લાભ થવાની અપેક્ષા છે. સંકળાયેલા રાજ્યો વચ્ચે ચર્ચા અને આ પ્રોજેક્ટ્‌સ માટે વિવિધ મંજૂરીઓ મેળવવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે ચાલુ વર્ષે ૪ જુલાઈનાં રોજ ટેકનો-અર્થતંત્ર મૂલ્યાંકન માટે કેન્દ્રિય જળ પંચને પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) સુપરત કર્યો હતો.દરમિયાન કેન્દ્રિય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રી શ્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે ભારતનો પ્રથમ નદી-જોડાણ પ્રોજેક્ટનો અમલ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે થશે. ગયા શુક્રવારે (૦૮/૦૯/૨૦૧૭)નાં રોજ મુંબઈમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા અને દમણગંગા-પિંજલ આંતર-રાજ્ય નદી જોડાણ પ્રોજેક્ટ આગામી ત્રણ મહિનામાં શરૂ થવાની અપેક્ષા છે. ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે નદી જોડાણનાં ૩૦ પ્રોજેક્ટની દરખાસ્ત છે, જેની પાછળ અંદાજે રૂ. ૮ લાખ કરોડનો ખર્ચ થશે. તેમાંથી પાંચ પ્રોજેક્ટ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે, જેમાંથી બે પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે.હકીકતમાં આ પ્રોજેક્ટ્‌સ સાથે સંબંધિત કેટલીક બેઠકો યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોનાં વરિષ્ઠ અધિકારીઓ અને બંને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સહભાગી થયા હતાં.જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય વિકાસ સંસ્થાની બેઠક તારીખ ૧૨/૦૯/૨૦૧૭ યોજાઈ હતી, જેમાં અન્ય પ્રોજેક્ટ્‌સની સાથે આ પ્રોજેક્ટની ચર્ચા થઈ હતી. બેઠકમાં વિવિધ રાજ્યોનાં જળ સંસાધન મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સામેલ થયા હતાં. આ બેઠકમાં ચર્ચાવિચારણા અને ચર્ચાનો અમલ એક દિવસ નદીઓનાં આંતરજોડાણ મારફતે ‘એક ભારત, એક જળ’ તરફ દોરી શકે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારનાં નેતૃત્વની આ પ્રકારની પ્રતિબદ્ધતા અને ખંત ગુજરાતનાં લોકોનો વિકાસ તરફ દોરી જશે, જેથી આ મહોત્સવની ઉજવણી યથાર્થ છે, જે તેમનાં કલ્યાણ અને વિકાસની ખાતરી આપે છે.અત્યારે દુનિયામાં વિવિધ દેશો માટે સૌથી મોટો પડકાર પીવાનું અને ખેતીવાડી માટે પર્યાપ્ત અને સ્વચ્છ પાણી પ્રદાન કરવાનો છે. તમામ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ પાણીની ઉપલબ્ધતા સાથે સંબંધિત છે. અત્યારે જળસંરક્ષણની તાતી જરૂર છે અને એટલે રાજ્ય સરકાર દ્વારા‘મા નર્મદા મહોત્સવ’ મારફતે પાણીનાં યોગ્ય અને અસરકારક ઉપયોગ વિશે જાગૃતિ લાવવાના તથા નદી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ પ્રયાસને બિરદાવવો જોઈએ.વળી આપણે નદીની પૂજા કરીને જ અટકી જવાનું નથી. સમાજનાં તમામ વર્ગોએ આપણી નદીઓને હંમેશા શુદ્ધ રાખવા સરકાર સાથે હાથ મિલાવવા જોઈએ અને નદીઓને નવજીવન આપવું જોઈએ.

 

Related posts

काजू-बादाम अखरोट खायेंगे सरकारीबाबू..कुपोषित बच्चे भले दम तोड़ दे, वाह रे हेल्थ मंत्रीजी..वाह..!

aapnugujarat

દેશની કુલ સંપત્તિનો લગભગ ૪૧ ટકા હિસ્સો હિંદુ સવર્ણો પાસે છેઃ અભ્યાસ

aapnugujarat

વોટસએપ પર લગામ સરકાર નહી લોકો જ લગાવી શકે…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1