Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ સત્તા પર આવશે તો બેરોજગાર યુવાનોને ભથ્થું આપશે

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસ તરફથી આજે એક મહત્વની જાહેરાત કરતાં જણાવાયું હતું કે, કોંગ્રેસ જો આ વખતે ગુજરાતમાં સત્તા પર આવશે તો ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થું આપશે. જેમાં બેરોજગાર અનુસ્નાતકોને દર મહિને રૂ.ચાર હજાર, સ્નાતકોને રૂ.૩૫૦૦ અને ધો-૧૨ પાસને રૂ.ત્રણ હજાર ભથ્થું ચૂકવવામાં આવશે. ગુજરાતની ભાજપ સરકાર લાખો બેરોજગાર યુવાનોનું આર્થિક અને સામાજિક શોષણ કરી રહી હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સિધ્ધાર્થ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ આજે કર્યા હતા. કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ, પ્રભારી અશોક ગેહલોત, શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓએ આજે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૨૫ પ્લસના લક્ષ્યાંકને હાંસલ કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે જણાવ્યું હતું કે,  ગુજરાત રાજયમાં ૩૦ લાખથી વધુ યુવાનો બેરોજગારી સામે ઝઝુમી રહ્યા છે અને વર્ષોથી રોજગારીની રાહ જોઇને બેઠા છે પરંતુ આ લાખો યુવાનો માટે ભાજપ સરકાર ઠાલા વચનો આપ્યા સિવાય કશું કરી શકી નથી. જયારે લાખો યુુવાનોને ફિક્સ પગાર સહિતની યુવા વિરોધી નીતિ મારફતે ભાજપ સરકાર તેઓનું આર્થિક અને સામાજિક શોષણ કરી રહી છે. પરંતુ હવે બહુ થયું…જો કોંગ્રેસ આ વખતે રાજયમાં સત્તા પર આવશે તો, ગુજરાતના યુવાનોને ચોક્કસ નીતિ સાથે રોજગારી ઉપલબ્ધ કરાવશે. એટલું જ નહી, જે બેરોજગાર યુવાનો હશે તેમાં બેરોજગાર અનુસ્નાતકોને દર મહિને રૂ.ચાર હજાર, સ્નાતકોને રૂ.૩૫૦૦ અને ધો-૧૨ પાસને રૂ.ત્રણ હજાર ભથ્થું દર મહિને કોંગ્રેસ ચૂકવશે. અમે યુવાનોની રોજગારી અને બેરોજગારી ભથ્થું ચૂકવવા તત્પર છીએ. આ માટે કોંગ્રેસ હવે તા.૧૪મી સપ્ટેમ્બરથી રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ નવસર્જન યુવા રોજગાર અભિયાન છેડશે અને તે અંતર્ગત તા.૧૪મી સપ્ટેમ્બરથી રાજયના જિલ્લા-તાલુકા કક્ષાએ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, આ પ્રક્રિયા પાંચ દિવસ સુધી ચાલશે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ તે રાજયના લાખો યુવાનોને રોજગારી અપાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે.ગુજરાતમાં ૧૦ લાખ જેટલા યુવાનો તો સરકારી ચોપડે બેરોજગાર નોંધાયેલા છે, જયારે નહી નોંધાયેલા યુવાનોની સંખ્યા તો વીસ લાખ જેટલી થવા જાય છે. આમ, રાજયમાં ત્રીસ લાખ જેટલું યુવાધન નોકરી, ધંધા કે રોજગારી વિના વેડફાઇ રહ્યું છે છતાં, ભાજપ સરકારનું પેટનું પાણી હાલતું નથી. યુવાનો માટે ખાસ નીતિ સાથે કંઇ કરવાને બદલે ઉલ્ટાનું ભાજપ સરકાર યુવાનોને ફિકસ પગારે નોકરીઓ રાખી તેમજ યુવા વિરોધી નીતિને લઇ તેઓને માનસિક, સામાજિક અને આર્થિક શોષણનો ભોગ બનાવી રહી છે. સરકારી અને અર્ધ સરકારી નિગમની નોકરીઓમાં સાત લાખ જગ્યાઓ ખાલી પડી રહી છે, તેમછતાં ભાજપ સરકાર દ્વારા યુવાનોને નોકરીમાં તક અપાતી નથી. જેને લઇ રાજયના યુુવાવર્ગમાં ભાજપ માટે ઉગ્ર રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

Related posts

એઇડ્‌સગ્રસ્ત બાળકી એક દિવસ માટે ઓફિસર બની

aapnugujarat

લોક ખોલવા બહાને કારીગરો ૧૦૦ તોલા સોનું લઇ પલાયન

aapnugujarat

મહેસાણા મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોગ શિબિર યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1