Aapnu Gujarat
ગુજરાત

લોક ખોલવા બહાને કારીગરો ૧૦૦ તોલા સોનું લઇ પલાયન

શહેરના શાહીબાગ વિસ્તારમાં કાપડનો એક વેપારી પરિવાર આબાદ રીતે ઠગાઇનો ભોગ બન્યો હતો. બંગલાના ત્રીજા માળે ઓટોમેટિક લોક થઇ ગયેલો દરવાજો ખોલવા બોલાવેલા કારીગરો દરવાજો ખોલવાના બહાને વેપારીના ઘરમાંથી સો તોલા સોનું સેરવી રફુચક્કર થઇ ગયા હતા. ઠગાઇનો ભોગ બનનાર વેપારીએ સમગ્ર બનાવ અંગે શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, પોલીસે ૨૦ વર્ષ જૂનો ભાવ રૂ.૪૫૦૦નો ભાવ ગણી સો તોલા દાગીનાની કિંમત સાડા ચાર લાખ રૂપિયાની બતાવી છે પરંતુ વાસ્તવમાં રૂ.૩૦ લાખની કિંમતના દાગીના ચોરાયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં ચૈતન્યનગર સોસાયટી ખાતે રહેતા ૭૨ વર્ષીય મોતીલાલ હરખચંદ મહેતા છેલ્લા ૩૫ વર્ષોથી કાલુપુર વિસ્તારમાં આવેલા મસ્કતી માર્કેટ ખાતે કાપડનો વેપાર-ધંધો કરે છે. મોતીલાલ મહેતાના બંગલામાં ત્રીજા માળે ઓટોમેટિક દરવાજો લોક થઇ જતાં તે ઘણા સમયથી ખુલતો ન હતો. દરમ્યાન ગઇકાલે પોણા અગિયાર વાગ્યાના સુમારે તેમના ઘર પાસેથી એક શખ્સ સાયકલ પર આવ્યો હતો અને તાળા કૂંચી બનાવવી હોય તો…બોલો એવી બૂમો પાડતો જતો હતો, તેની પાછળ એક યુવક પણ સોસાયટીમાં પ્રવેશ્યો હતો. મોતીલાલે બૂમો સાંભળી શખ્સને બોલાવ્યો હતો, જેથી આ શખ્સ અને પેલો યુવક બંને તેમની પાસે આવ્યા હતા. મોતીલાલે તેઓને દરવાજાનું લોક બતાવ્યું હતું. જેને ખોલવા માટે રૂ.૨૦૦ નક્કી કર્યા હતા. મોતીલાલે યુવકને દરવાજો ખોલવા માટે જરૂરી સાધન સામગ્રી આપી શખ્સ પાસે મોકલ્યો હતો અને પોતે નીચે આવી ગયા હતા. એકાદ કલાક બાદ બંને જણા મોતીલાલ પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ચાવી બનાવી નથી અને અમે કાલે આવીશું. તેઓએ પોતાની મહેનતના રૂ.૫૦ માંગ્યા હતા. મોતીલાલે રૂપિયા આપવાની ના પાડતાં બંને જણાં સાયકલ લઇને જતા રહ્યા હતા. એ પછી લગભગ પોણા વાગ્યાની આસપાસ મોતીલાલની પૂત્રવધુ રેખાબહેને આવી તેમને વાત કરી હતી કે, ઉપરના માળે કબાટના ખાનાના લોક તૂટેલા છે અને પરિવારના સભ્યોના સોનાના દાગીના ગાયબ છે. જેથી મોતીલાલને સમગ્ર બાબતનો ખ્યાલ આવી ગયો હતો અને તેમણે તરત જ આ અંગે શાહીબાગ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ કરી તો, બંગલામાંથી સો તોલા સોનું અને રૂ.૪૫ હજાર રોકડાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મોતીલાલ મહેતાએ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

અમદાવાદ ખાતે ઓરી રૂબેલા વેક્સીનેશન કેમ્પેન ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો.

aapnugujarat

नोटबंदी के खिलाफ कांग्रेस का शहर में विरोध प्रदर्शन

aapnugujarat

મેમનગર વિસ્તારમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ચાર જણાં ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1