Aapnu Gujarat
ગુજરાત

નર્મદા યોજનામાં ઘણાં ગંભીર ગોટાળા : સરકાર સામે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનાં પ્રશ્નો

મા નર્મદા મહોત્સવની ઉજવણી એ ભાજપ સરકાર માટે ગાજવાને બદલે લાજી મરવાની સ્થિતિ છે. નર્મદા યોજના ભાજપ માટે બીજું કાંઇ નહી પરંતુ ચૂંટણી ટાણે પ્રજાજનોને ભરમાવી મતો મેળવવાનું એક ટુલ છે. નર્મદા યોજના હજુ પૂરી જ થઇ નથી તો તેની ઉજવણી કેવી રીતે હોઇ શકે ? અને તેમાં પણ માત્ર એક વ્યકિત નરેન્દ્ર મોદીની સિધ્ધિના બહાને કરોડો રૂપિયાનું ઉજવણી પાછળ આંધણ કેવી રીતે ચાલે? ખુદ સીએજી(કેગ)ના ૨૦૦૯ સુધીના ઓડિટ રિપોર્ટમાં નર્મદા યોજનાને લઇ ભાજપ સરકારની અનેક ગેરરીતિઓ અને ગંભીર ગોટાળા ચોંકાવનારા રિપોર્ટ બહાર આવ્યા છે, જે ભાજપ સરકારને આરોપીના પીંજરામાં ખડો કરી દેનારો છે. એટલું જ નહી, ભાજપ સરકારે ગુજરાતના લાખો ખેડૂતો અને પ્રજાજનો સાથે ઇરાદાપૂર્વક ગુનાહીત છેતરપીંડી આચરી છે એમ અત્રે રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, નર્મદા અભિયાનના મંત્રી ગૌતમ ઠાકર અને પીયુસીએલના રાષ્ટ્રીય સભ્ય પ્રો.હેમંત શાહે જણાવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહાર કરતાં સુરેશ મહેતા સહિતના મહાનુભાવોએ જણાવ્યું કે, સરદાર સાહેબની પ્રતિષ્ઠાને જો કોઇ વ્યકિતએ સૌથી મોટી હાનિ પહોંચાડી હોય તો તે નરેન્દ્ર મોદી છે. છેલ્લા બે વર્ષમાં એવું શું બન્યું કે, કરોડો રૂપિયાના ખર્ચે ઉજવણી અને મહોત્સવ ઉજવવાનો વારો આવ્યો. વાત સાચી એ છે કે, દર ચૂંટણી ટાણે ભાજપને નર્મદા યોજના યાદ આવી જાય છે અને ગુજરાતની ભોળભાળી જનતાને નર્મદા યોજનાના બહાને ભરમાવી મતોનું રાજકારણ ભાજપ રમે છે. ૨૦૦૭, ૨૦૧૨ની ચૂંટણી તેની સાક્ષી છે અને હવે ૨૦૧૭ની ચૂંટણી. નર્મદા યોજનાના ૨૦૦૪થી ૨૦૦૯ના સમયગાળા માટે ઓડિટમાં નહેરોનું નેટવર્કનું આયોજન, અમલ અને વિકાસમાં ગેરવાજબી પગલાંથી ભાજપ સરકારે ગંભીર છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેનાલ નેટવર્કના મંજૂર થયેલા ૯૦,૩૮૯ કિ.મીના મૂળ આયોજનમાં ભાજપ સરકારે અનઅધિકૃત રીતે નિર્ણયો લઇ એક, બે નહી પરંતુ ૧૮,૬૪૧ કિ.મી એટલે કે, ૨૦.૬૨ ટકાનો ઘટાડો કોઇપણ મંજૂરી વિના મનસ્વી રીતે કરી નાંખ્યો. ગેરકાયદે અને અનઅધિકૃત રીતે નર્મદા કેનાલના નેટવર્કમાં અવારનવાર ઘટાડો કરી આજે ૭૧ હજાર કિ.મીના નેટવર્ક પર આવીને અટકી છે. જયારે ખુદ ગુજરતા સરકરાના જૂન-૨૦૧૭ના તાજા પ્રગતિ અહેવાલ મુજબ, હજુ ૨૨,૬૭૭ કિ.મીની નહેરો બાંધવાનું કામ હજુ પણ બાકી છે. આમ કુલ ૪૧,૩૧૮ કિ.મી.ની નહેરો બાંધકામ કરાયુ જ નથી. આમ કરી ભાજપે ગુજરાતના લાખો ખેડૂતો અને પ્રજાજનો સાથે ગંભીર ઇરાદાપૂર્વકની છેતરપીંડી આચરી છે અને તેને લઇ આ ભાજપ સરકાર ખેડૂતો અને પ્રજાની ગુનેગાર સરકાર છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને નર્મદા અભિયાનના મંત્રી ગૌતમ ઠાકરે એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું કે, નર્મદા યોજના હેઠળ ૧૭.૯૨ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ થાય તેવું આયોજન છે પરંતુ સરકારના નર્મદા વિભાગના વાર્ષિક અહેવાલ મુજબ, હજુ સુધી રાજયમાં માત્ર ૧૧.૬૭ ટકા વિસ્તારમાં જ સિંચાઇ થાય છે. બીજી તરફ ભાજપ સરકાર દર વર્ષે નર્મદા યોજના પાછળ બેજેટમાં રૂ.૯થી ૧૦ કરોડ રૂપિયા ફાળવ્યા કરે છે પરંતુ જો કામ પૂરું થતું નથી તો, આટલા કરોડો રૂપિયા વપરાય છે કયાં ? તે એક મોટો સવાલ છે. એટલું જ નહી, વર્ટીકલ ઇન્ટ્રીગેશન અભિગમમાંથી શરતભંગ કરી નર્મદા યોજના સાથે ગંભીર ચેડા થયા છે. આ પ્રસંગે ગુજરાત સોશ્યલ વોચના કન્વીનર મહેશ પંડયા અને પૂર્વ કેબીનેટ પ્રધાન પ્રવીણસિંહ જાડેજાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણવા હવે ધાબા પણ મળે છે ભાડે

aapnugujarat

गुजरात चुनाव के लेकर राहुल ने अहम बैठक की

aapnugujarat

અમદાવાદમાં મેલેરિયાના ૫૨૦ કેસો નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1