Aapnu Gujarat
ગુજરાત

ગણેશજી રાષ્‍ટ્રીય એકતાના દેવ છે અને સમાજને-રાષ્‍ટ્રને જોડવાની પ્રેરણા આપે છે : મુખ્‍યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍થાપેલી ગણેશ દર્શન પરંપરાને આગળ ધપાવવાનો હર્ષ વ્‍યકત કરવાની સાથે, વડોદરાવ્‍યાપી ગણેશ દર્શન નગરયાત્રા યોજીને વિવિધ પંડાલોમાં સ્‍થાપિત શ્રીજી પ્રતિમાઓના દર્શન અને ભાવવંદના કરી હતી. તેમણે વિધ્‍નહર્તા દેવને વડોદરા અને ગુજરાતની સુખ સમૃધ્‍ધિ, સલામતી અને રિધ્‍ધિ- સિધ્‍ધિ માટે હ્રદયપૂર્વક પ્રાર્થના કરી હતી અને સ્‍માર્ટ સીટી, સરદાર સરોવર યોજના જેવી રચનાત્‍મક થીમ  આધારીત ગણેશોત્‍સવની ઉજવણી માટે વડોદરાના ગણેશ મંડળોને આભિનંદન આપ્‍યા હતા. ગણેશોત્‍સવ વડોદરા માટે સયાજીરાવના શાસનકાળથી ઉજવાતો ઉત્‍સવ વારસો છે તેવી લાગણી તેમણે વ્‍યકત કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ નિઝામપુરા વિસ્‍તારની રિધ્‍ધિ-સિધ્‍ધિ સોસાયટીમાં સ્‍થાપિત નિઝામપુરાના રાજા ગણેશના વૈષ્‍ણવાચાર્ય પૂજય દ્વારકેશલાલજી સાથે દર્શન કરીને તેમની શ્રીજી દર્શન યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગોરવા દિવ્‍ય ભાવના યુવક મંડળના પંડાલ ખાતે ત્રિપરિમાણીય- થ્રીડી ગણેશના દર્શન કરવાની સાથે, તેમણે સ્‍માર્ટ સીટી-ગ્રીન સીટી વડોદરાના મોડેલને રસપૂર્વક નિહાળ્યું હતું. તે પછી દાંડીયા બજાર-ફાયર બ્રિગેડ ખાતે ધારાસભ્‍ય શ્રી યોગેશભાઇ પટેલ દ્વારા સ્‍થાપિત શ્રીજી સહિત વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. લોકોએ ગણપતિ બાપા મોરીયાના જનનાદો સાથે મુખ્‍યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍વતંત્રતા આંદોલન માટે દેશને જોડવાના આશયથી લોકમાન્‍ય તિલક મહારાજે સાર્વજનીક ગણેશોત્‍સવ ઉજવવાની સ્‍થાપેલી પરંપરાને યાદ કરી હતી અને સર્વ સમાજ માટે એક સરખા પૂજનીય છે, પ્રત્‍યેક શુભકાર્યની શરૂઆત જેમના પૂજનથી થાય છે એવા ગણપતિદાદા રાષ્‍ટ્રીય એકતાના દેવ છે અને સમાજને, રાષ્‍ટ્રને જોડવાની પ્રેરણા અને શકિત આપે છે તેમ જણાવ્‍યું હતું. ગણેશજીમાંથી પ્રેરણા લઇને એક ભારત-શ્રેષ્‍ઠ ભારતના ઘડતરનો સંકલ્‍પ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્‍યું હતું કે ગણેશોત્‍સવ હવે ગુજરાતમાં રાજયવ્‍યાપી  સમાજ ઉત્‍સવ બની ગયો છે અને નવરાત્રી જેટલી જ ધામધૂમથી સર્વત્ર તેની ઉજવણી કરવામાં આવે છે. તેમણે વડોદરાના ગણેશ મંડળોને સમાજના ઘડતરને વેગ મળે તેવા વિષયવસ્‍તુને ગણેશોત્‍સવનો હાર્દ બનાવવા માટે ખાસ અભિનંદન આપ્‍યા હતા.

ગણેશ દર્શન નગરયાત્રા દરમિયાન મુખ્‍યમંત્રીશ્રીની સાથે ખેલ રાજય મંત્રીશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદી, મેયર શ્રી ભરત ડાંગર, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતુભાઇ સુખડીયા, મનીષાબેન વકીલ અને ધારાસભ્‍યશ્રીઓ, વુડા અધ્‍યક્ષશ્રી નારણભાઇ પટેલ, અન્‍ન આયોગના અધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રભાઇ લાખાવાલા, વડોદરા મહાનગરપાલિકાના સમિતિ અધ્‍યક્ષો અને નગરસેવકો, અગ્રણીઓ તથા મહાનુભાવો જોડાયા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ સતત બીજા વર્ષે વડોદરામાં ગણેશ દર્શનની પરંપરા ચાલુ રાખી હતી.

Related posts

વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૨૨ લાખ ખંખેર્યા

aapnugujarat

દમણમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો

aapnugujarat

પાસ-કોંગ્રેસની વચ્ચે ટિકિટનો કકળાટ ટોક ઓફ ટાઉન બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1