Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના ભદામ ખાતેની વલ્લભ વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતેથી “કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ” નો થયેલો શુભારંભ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરી- નર્મદાના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે આજથી તા. ૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી રોજગાર કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ ઉજવાશે. જેના ભાગરૂપે આજે શ્રી વલ્લભ વિદ્યામંદિર હાઇસ્કુલ – ભદામ ખાતે કારકિર્દી માર્ગદર્શન સપ્તાહની ઉજવણીનાં શુભારંભ સમારોહને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયા, જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડીટરશ્રી આર.બી. જેઠવા, વિદ્યામંદિરના ઇન્ચાર્જ આચાર્યા શ્રીમતી મૃદુલાબેન પટેલની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી જીવન ઘડતર અંગે તેનું આગવું આયોજન ઘડી શકે તેવા હેતુસર સરકાર દ્વારા દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ધોરણ- ૧૦ પછી પોતાનામાં રહેલી શક્તિઓ થકી કારકિર્દી ઘડી શકાય છે. ગાડરીયા પ્રવાસની જેમ વિષય પસંદગી કરવા કરતા વિદ્યાર્થીએ પોતાની રૂચિ પ્રમાણે વિષયો પસંદ કરવા જોઇએ. સરકારે વિશાળ ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વિદ્યાર્થીએ પોતાનામાં રહેલા કૌશલ્ય થકી વિષય પસંદગી કરી કારકિર્દી ઘડતર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, શિક્ષણમાં દરેક પાસાઓ સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ભણતરની સાથે કારકિર્દીના ઘડતર માટે દિશા નક્કી કરવી જરૂરી છે. સરકારશ્રી દ્વારા ટૂંકા ગાળાના અનેકવિધ કોર્ષ અમલમાં છે તેનો પણ લાભ લઇ રોજગારી મેળવતા થવું જોઇએ. લાયકાત ધરાવતા ઉમેદવારોએ રોજગાર નોંધણી સમયે વિશેષ લાયકાતની પણ નોંધણી કરાવવી જોઇએ. રોજગાર વિભાગ દ્વારા વિવિધ ભરતી મેળાઓ યોજવામાં આવે ત્યારે ઉપસ્થિત રહી નોંધણી કરાવવી જોઇએ. સંપૂર્ણ માર્ગદર્શન મેળવી કાર્યક્ષમતા મુજબ કોર્ષ પસંદ કરી જીવન ઘડતર કરવા શ્રી બારીયાએ હિમાયત કરી હતી.

જિલ્લા માહિતી કચેરી નર્મદાના સિનિયર સબ એડીટરશ્રી આર.બી. જેઠવાએ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકમાં કારકિર્દી કોર્ષ અંગેની ઝીણવટભરી માહિતીનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા ધોરણ- ૧૦, ૧૨ અને કોલેજ પછી પસંદગીના કોર્ષની માહિતી આ અંકમાંથી મેળવવા જણાવ્યું હતું. શ્રી જેઠવાએ “ગુજરાત રોજગાર સમાચાર” સાપ્તાહિકમાં આવતી માહિતી અને સામાન્ય જ્ઞાનની કોલમ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ભરપુર અને રાજ્ય સરકારનું મુખ પૃષ્ઠ એવું “ગુજરાત” પાક્ષિકના લેખો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. શ્રી જેઠવાએ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતા સાહિત્ય થકી યોગ્ય માર્ગદર્શન મેળવી કારકિર્દી પસંદગી કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા રોજગાર કચેરીના શ્રી સોનીએ પણ રોજગાર કચેરી દ્વારા કારકિર્દી ઘડતર માટેના ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.

કાર્યક્રમના અંતમાં વિદ્યામંદિરના આચાર્યા શ્રીમતી મૃદુલાબેન પટેલે આભારવિધિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિવિધ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવેલા કેરીયર કોર્નર શિક્ષકો, વિદ્યાર્થી ભાઇ-બહેનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

સાત દિવસમાં પરવાનાવાળા હથિયારો સંબંધિત પોલીસ મથકમાં જમા કરાવી દેવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ 

aapnugujarat

રાહુલ ગાંધી આજથી ફરીથી ઝંઝાવતી પ્રચાર કરવા તૈયાર

aapnugujarat

સરકાર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે : હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1