Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ સાંસ્કૃતિક રાજધાની વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની રાજયસ્તરીય ઉજવણીનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતની એક્તા અખંડિતતાને આંતકી ઓછાયાથી તોડવાના કોઇ પ્રયાસો દેશની જનતા સાંખી લેશે નહીં તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

તેમણે કહયું કે, ભારતીય ત્રિરંગાની આન-બાન-શાનને દિલોજાનથી જાળવીને સૌ દેશવાસીઓ ભારતને વિશ્વગુરૂ બનાવવા સંકલ્પબધ્ધ થયા છે. હવે તેની આડે આવતા તત્વોને “રૂકજાવ” આખોદેશ એકી અવાજે કહી રહયો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરામાં ૭૧માં સ્વાતંત્ર્ય પર્વના રાજય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વડોદરામાં હરણી પોલીસ મથકનું ઉદ્દઘાટન અને સમા તળાવના નવીનીકરણનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ ૬૭ મીટર ઉંચો રાજયનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ સ્થંભ ઉપર લગાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સમા તળાવના કાંઠે રાષ્ટ્રધ્વજ ઉદ્યાનના સ્થળે શહિદ સ્મૃતિ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે સમાસ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રૂ. ૫૫ કરોડના ખર્ચે અઘતન સ્માર્ટસીટી શહેરી બસ સેવાનું લોકાર્પણ કરવાની સાથે સ્માર્ટ વડોદરાને ઇન્ટરનેટ યુગ સાથે સાંકળતી શહેરી જનો માટેની નિઃશુલ્ક વાઇફાઇ સુવિધા શરૂ કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરના ૨૯ તળાવોના નવસર્જનના અભિયાન માટે વડોદરા મહાનગરપાલિને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડોદરાને સંસ્કારી, સાંસ્કૃતિક અને ઉદ્યાનસભર નગરી બનાવનારા સયાજીરાવનો આ વારસો વડોદરાની અસ્મિતા છે.

ગુજરાતની ૫૦ ટકા વસતીને શહેરોમાં વસે છે અને અર્બનાઇઝેશન વધી રહયું છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરી જનોને સુખાકારીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાત્રી માટે માનવી ત્યાં સુવિધાના લક્ષ્ય સાથે શહેરોને સ્માર્ટ અને રહેવા લાયક બનાવવાનું અભિયાન આદર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ  ૬૭ મીટરની ઉંચાઇ ધરાવતા રાજયના સર્વાધિક ઉંચાઇએ લહેરાનારા રાષ્ટ્રધ્વજની નગરજનોને ભેટ આપવા માટે વડોદરા મહાનગર પાલિકાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આ ગગનચૂંબી ઉંચાઇએ લહેરાતો રાષ્ટ્રધ્વજ નવી પેઢીને ઉન્નત રાષ્ટ્રપ્રેમની અવિરત પ્રેરણા આપશે.

કાળાબજારીયા હવાલા કોંભાડીઓ, બે નંબરીયાઓ અને ગરીબોનું શોષણ કરનારાઓની હવે ખેર નહીં રહે તેવી લાગતી વ્યક્ત કરતા તેમણે કહયું કે, પેટ્રોડોલરથી દેશનું વિભાજન કરવાની નેમ ધરાવનારાઓની મેલી મુરાદ બર નહીં આવે. હવે ભારત સહન નહીં કરે, ઇંટનો જવાબ પથ્થરથી અને ગોળીનો જવાબ ગોળાથી અપાશે. તેમણે વડોદરાવાસીઓને સ્વતંત્રતા પર્વની અગ્રિમ શુભકામનાઓ પાઠવી  હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્વતંત્રતા પર્વની રાજય સ્તરની ઉજવણી વિવિધ શહેરોમાં યોજીને તેને જનઉત્સવ બનાવ્યો એવી લાગણી વ્યક્ત કરવાની સાથે પ્રધાનમંત્રીનું ‘‘દેશ માટે કરેંગે’’ સૂત્ર અપનાવવા લોકોને અનુરોધ કર્યો હતો.

સમગ્ર ગુજરાતનો સહુથી વધુ ઉંચો ધ્વજ વડોદરાની શાન બનશે અને રાષ્ટ્રપ્રેમનું સંવર્ધન કરશે તેવી લાગણી વ્યક્ત કરતા મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને રાજય સરકારના સહયોગથી વડોદરા ખુબજ ઝડપથી સ્માર્ટસીટી બની રહયું છે. તેમણે એક વર્ષના શાસનકાળમાં ૪૭૫ ઝડપી પ્રજાલક્ષી નિર્ણયો લેવા માટે વડોદરાવાસીઓની સાથે તેમનું સહૃદય અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે ખેલ રાજય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, સૌરભભાઇ પટેલ, મનિષાબેન વકીલ, નાયબ મેયરશ્રી યોગેશભાઇ પટેલ, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શબ્દશરણ બ્રહમભટ્ટ, અન્ન આયોગના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, વુડાના અધ્યક્ષશ્રી નારાયણભાઇ પટેલ, ડૉ.જીવરાજ ચૌહાણ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ નગર સેવકો, જિલ્લાના પ્રભારી સચિવશ્રી કે.એલ.ચૂઆંગો, મ્યુનિસીપલ કમિશનરશ્રી ડૉ.વિનોદ રાવ સહિત ઉચ્ચ અધિકારીઓ, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

ઘેર-ઘેર કચરો એકઠો કરવાની યોજનાના અમલમાં ધાંધિયા

aapnugujarat

કુડાસણમાં હવેલી કાફે નામના હુક્કાબાર પર એસઓજીનાં દરોડા

aapnugujarat

નવા ગવર્નર આરબીઆઇને એક ઇતિહાસ બનાવી ના દે : જયનારાયણ વ્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1