Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ આરટીઓમાં ૬૦ હજારથી પણ વધુ આરસી બુક બેકલોગ ભરાવો

અમદાવાદ આરટીઓમાં હાલ આરસી બુકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે કારણ કે, આરટીઓ કચેરીમાં આશરે ૬૦ હજારથી વધુ આરસીબુકના બેકલોગનો ભરાવો થઇ ગયો છે. બેકલોગ ઘટાડવાની લ્હાયમાં આરટીઓ સત્તાવાળાઓ દ્વારા વાહનચાલકોને ભૂલભરેલી અને સુધર્યા વિનાની જ આરસીબુક પોસ્ટ કરી દેવાતી હોવાની ઘટનાઓ સામે આવતાં વાહનચાલકો અને નાગિરકોમાં રોષની લાગણી ફેલાઇ છે. બેકલોગ ડિસ્પેચમાં આરટીઓ તંત્રના આ ધાંધિયાના કારણે વાહનચાલકો-નાગિરકોની પરેશાની, પૈસા અને સમયનો દુર્વ્યય થઇ રહ્યો હોઇ આરસી બુક મામલે ઝડપી અને ભૂલવિનાનું અસરકારક તંત્ર ગોઠવવા પણ લોકોમાં માંગ ઉઠી છે. તાજેતરમાં રાજયના વાહનવ્યવહાર મંત્રી આરટીઓ કચેરીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આરસી બુકના બેકલોગના ભરાવાને લઇ ચિંતા વ્યકત કરી હતી અને તેના ઝડપથી નિકાલ માટે આરટીઓ સત્તાવાળાઓને સૂચના આપી હતી. જો કે, આરસી બુકના બેકલોગને ઘટાડવાની લ્હાયમાં આરટીઓ સત્તાવાળાઓ દ્વારા આરસી બુક ડેટા વેરીફિકેશન કે ખરાઇ કર્યા વિના આડેધડ ડિસ્પેચ કરી દેવાઇ હોવાનું સામે આવ્યું હતું. મેહુલ જોષી નામના એક યુવકે તેના પિતાના નામેથી બાઇક પોતાના નામે ટ્રાન્સફર કરાવી હતી અને તે પેટેની ટ્રાન્સ્ફર ફી સહિતની જરૂરી ફી પણ આરટીઓમાં જમા કરાવી દીધી પરંતુ જયારે તેના ઘેર વાહનની આરસી બુક આવી તો ફરી તેના પિતાના નામની જ એની એ જ આરસી બુક ઘેર પહોંચી હતી જેથી આ યુવક આશ્ચર્યમાં પડી ગયો હતો. હવે આરટીઓ તંત્રની ભૂલ હોવાછતાં તેને ફરીથી અરજી કરવાથી માંડીને ધક્કાધુક્કી અને સમયની બરબાદીના આરટીઓના કપરા ચક્કરમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની આરસી બુકની અનેક ફરિયાદો સામે આવી રહી છે કે જેમાં કોઇમાં નામ, સરનામા સહિતની વિગતોમાં ભૂલ કે ક્ષતિ હોય તેવી આરસીબુકો પણ વેરીફિકેશન વિના જ ડિસ્પેચ કરાઇ રહી છે. વાસ્તવમાં જેની જવાબદારી છે તે કંપનીએ આરસી બુક ડિસ્પેચ કરતાં પહેલાં તેનું વેરીફિકેશન કરવું જોઇએ અને ત્યારબાદ જ તે વાહનચાલકોને ડિસ્પેચ કરવી જોઇએ પરંતુ યોગ્ય વ્યવસ્થા અને આયોજનના અભાવે હાલ આરટીઓમાં આરસી બુકના બેકલોગમાં હજારોનો ભરાવો બોલી રહ્યો છે.

Related posts

ગાય માતાના નામ પર સરકાર દ્વારા રાજનીતિ : મનીષ દોશી

aapnugujarat

૨૫,સપ્ટેમ્બ૨થી ૨, ઓકટોબ૨ દ૨મિયાન રાજયમાં ઉજવાશે ખાદી સપ્તાહ

aapnugujarat

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1