દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા છે. તાજેતરમાં આ બંને ઉદ્યોગપતિઓની સંપત્તિમાં જંગી વધારો થયો છે. પરંતુ અદાણીની મિલ્કતમાં થયેલો વધારો અંબાણી કરતા વધારે છે. આજની સ્થિતિ પ્રમાણે અબજોપતિઓના લિસ્ટમાં અદાણી હવે 12મા ક્રમ પર છે જ્યારે મુકેશ અંબાણી તેમનાથી પાછળ 13મા ક્રમે છે. અંબાણી 14મા ક્રમેથી 13 પર આવી ગયા છે જ્યારે અદાણી 15મા સ્થાનેથી 12મા સ્થાને પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ હિન્ડનબર્ગ રિસર્ચના આંચકા પછી મોટું નુકસાન સહન કર્યું હતું, પરંતુ તેમણે તળિયેથી છલાંગ લગાવી છે અને મોટા ભાગની માર્કેટ વેલ્યૂ ફરી પ્રાપ્ત કરી લીધી છે. હવે તેઓ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે જ્યારે મુકેશ અંબાણી બીજા ક્રમે છે.
જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી પર શેરના ભાવમાં ચેડા કરવાનો અને એકાઉન્ટિંગમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. અદાણી જૂથે આ આરોપો નકારી કાઢ્યા હતા અને સેબીની તપાસમાં પણ તેમની વિરુદ્ધ હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. જોકે, અદાણી જૂથની સંપત્તિ લગભગ 60 ટકા ઘટી ગઈ હતી અને તેમને આશરે 69 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
ગૌતમ અદાણીએ ખાદ્ય તેલ અને કોમોડિટીના વેપારથી શરૂઆત કરી હતી, પરંતુ હવે તેઓ એરપોર્ટ, પોર્ટ, એનર્જી, સિમેન્ટ, મીડિયા સહિતના બિઝનેસમાં હાજરી ધરાવે છે. તેઓ અત્યારે ભારતમાં સૌથી મોટો પ્રાઈવેટ પોર્ટ ધરાવે છે અને ગ્લોબલ કોલ માઈનિંગ સેક્ટરમાં મોટું નામ ગણાય છે. તેમની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં 17 અબજ ડોલરની રેવન્યુ નોંધાવી હતી. અદાણી જૂથની 10 કંપનીઓ લિસ્ટેડ છે અને ઈન્વેસ્ટરોને તેમાં જંગી નફો થયો છે. ગૌતમ અદાણી હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 73 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 56 ટકા, અદાણી પોર્ટ્સમાં 66 ટકા, અદાણી પાવરમાં 70 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 68 ટકા હિસ્સો ધરાવે છે.