Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં રોજગારી, હાઉસિંગની ભારે અછત

કેનેડામાં પહોંચતાની સાથે જ જોબ મળી જશે અને ડોલરમાં કમાણી શરૂ થઈ જશે તેવું માનતા ભારતીયો માટે આંચકાજનક સમાચાર છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી કેનેડામાં સારી જોબ શોધવી મુશ્કેલ છે. ભારતથી કેનેડા જતા મોટા ભાગના યુવાનોને લો સ્કીલ જોબ કરવી પડે છે. આ દરમિયાન કેનેડા હવે ટેમ્પરરી ફોરેન વર્કરની સંખ્યા ઘટાડવા વિચારે છે. 2024થી કેનેડામાં ફોરન વર્કર્સની સંખ્યા પર અંકુશ આવે તેવી શક્યતા છે.

તાજેતરમાં કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું કે કેનેડામાં આગામી વર્ષે અને ત્યાર પછી પણ ફોરેન વર્કર્સની સંખ્યા પર નિયંત્રણ મૂકાય તેવી શક્યતા છે. કેનેડામાં અત્યારે રોજગારની તંગી છે તે વાત જગજાહેર થઈ ચૂકી છે. આ ઉપરાંત વિદેશી સ્ટુડન્ટ્સના અને ટેમ્પરરી વર્કર્સના આગમનના કારણે અહીં હાઉસિંગની પણ અછત છે. આ બંને સમસ્યા ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી છે. મિલરે કહ્યું કે હાઉસિંગની અછત અને વિદેશી વર્કરની વધતી સંખ્યા વચ્ચે સીધો સંબંધ છે. અમે કોઈ ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવા નથી માંગતા પરંતુ હાલની સિસ્ટમ સુધારવી જરૂરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં અભ્યાસ માટે અથવા ટેમ્પરરી કામ માટે આવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2023ના છેલ્લા ક્વાર્ટરમાં કેનેડામાં વસતીમાં 4.30 લાખનો ઉમેરો થયો છે. 1957 પછી કેનેડામાં પહેલી વખત એક ક્વાર્ટરમાં વસતી આટલી બધી વધી છે. હાલમાં કેનેડાની વસતી 4.07 કરોડ છે અને છેલ્લા એક ક્વાર્ટરમાં વસતીમાં જે વધારો થયો તેમાં 3.13 લાખ તો ઈમિગ્રન્ટ્સ હતા.

રોજગારી ઉપરાંત અત્યારે કેનેડામાં હાઉસિંગની અછત એ મુખ્ય સમસ્યા છે. વિદેશી કામદારો અને સ્ટુડન્ટ્સના કારણે હાઉસિંગની જેટલી ડિમાન્ડ છે તેટલો પૂરવઠો નથી. તેના કારણે ભાડાના દર ઉંચા ગયા છે અને સ્થાનિક લોકો પણ વધતી મોંઘવારીના કારણે પરેશાન છે. આવી સ્થિતિમાં કેનેડા વિદેશી વર્કર્સ પર જ અંકુશ મુકવાનું વિચારે છે. સરકાર જાણે છે કે કેનેડામાં આવતા મોટા ભાગના ટેમ્પરરી રેસિડન્ટનો પ્લાન અહીં આવીને કામ કરવાનો હોય છે.

ભારતથી કેનેડા ગયેલા ઘણા યુવાનોની ફરિયાદ છે કે અહીં આવવું એ તેમની ભૂલ હતી અને જોબ શોધવી મુશ્કેલ છે. કેનેડાએ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા માટે વિદ્યાર્થીએ ફરજિયાત દેખાડવી પડતી રકમ પણ લગભગ ડબલ કરી નાખી છે. આમ છતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરે છે કે તેમને છ-છ મહિના સુધી જોબ નથી મળતી અને ઘરેથી જ રૂપિયા મગાવવા પડે છે. આ ઉપરાંત તેઓ ક્યાંય જોબ શોધે તો પણ તેમાં મજૂરી વધારે હોય છે અને વળતરનું પ્રમાણ ઓછું હોય છે. કેનેડિયન મંત્રી મિલરે પણ કહ્યું છે કે હાઉસિંગ કટોકટી અને બીજી સમસ્યાઓ દૂર કરવા માટે કેનેડા વર્ષ 2024માં બીજા મોટા પગલાં લે તેવી શક્યતા છે.

કેનેડા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદ દેશો પૈકી એક છે. કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન સહેલાઈથી મળી જાય છે અને વિઝાની પ્રક્રિયા પણ પ્રમાણમાં વધારે ઉદાર છે. તેના કારણે કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતીય છે. પરંતુ જોબની તંગીએ સ્ટુડન્ટની તકલીફ વધારી દીધી છે.

Related posts

પાકિસ્તાનમાં હિંદુ પત્રકારની હત્યા

editor

પાકિસ્તાન પાસે ભારત કરતા ૫ પરમાણુ બોમ્બ વધારે છે

editor

भारत से रोजाना करतारपुर साहिब के दर्शन के लिए 5000 श्रद्धालु जा सकेंगे

aapnugujarat
UA-96247877-1