Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં હિંદુ પત્રકારની હત્યા

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ પત્રકાર અજય લાલવાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજય લાલવાની વાળ કપાવી રહ્યો હતો તે સમયે બે બાઈક અને એક ગાડીમાં આવેલા હુમલાખોરોએ આડેધડ ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અજય લાલવાની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ અને ઉર્દુ ભાષાના સમાચાર પત્ર ‘ડેઈલી પુચાનો’ના રિપોર્ટર હતા. તેઓ ગુરૂવારે સુક્કુર શહેરની એક દુકાનમાં વાળ કપાવવા પહોંચ્યા તે સમયે તેમના પર ગોળીબાર થયો હતો. ઈજાગ્રસ્ત લાલવાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પેટ, બાજુઓ અને ઘૂંટણમાં ગોળી વાગવાના કારણે તેમનું મોત થયું હતું.
અજયના પિતાએ અંગત દુશ્મનાવટના કારણે હત્યા થઈ હોવાના સમાચારને રદિયો આપ્યો હતો. આ તરફ પોલીસે ૩ અજ્ઞાત ગુનેગારો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે અને તે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
પત્રકારોના એક સમૂહે લાલવાનીની હત્યાને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ એક માર્ચ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ૭૫ લાખ હિંદુઓ રહે છે અને પાકિસ્તાનની મોટા ભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં છે.

Leave a Comment

UA-96247877-1