અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ અને અન્ય વાહનોમાં ટિકિટ બુક કરાવી રહ્યા છે. ૧૧ જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. મુસાફરોના ધસારો વધતા જ એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો કર્યો હતો. અમદાવાદથી અયોધ્યા સુધીની ફ્લાઇટના અગાઉ ૩,૯૯૯ રૂપિયા હતા જેના માટે હવે ૭,૦૦૦થી ૧૦,૦૦૦ ચૂકવવા પડશે. જેમ જેમ ઉત્સવનો પ્રંસગ નજીક આવતો જાય તેમ તેમ ફ્લાઈટના ભાડામાં વધારો થશે. અગાઉ પણ અમદાવાદથી અયોધ્યા પહોંચવા માટે હવાઈ મુસાફરીનો ઉપયોગ થતો હતો પરંતુ એમાં એક કે બે સ્ટોપ બાદ અયોધ્યા પહોંચી શકાતું હતું, જે હવે ડાયરેક્ટ ફ્લાઇટથી ૧ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે. મહત્વની બાબત છે કે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪થી ફરી એના ભાવ નીચે આવતાં ૫,૦૦૦માં અયોધ્યા પહોંચી શકાશે એવી શક્યતા સેવાઈ રહી છે. આ બધા વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન ૧૧ જાન્યુઆરીથી થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. અયોધ્યાનું રામ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ ૫૦૦ વર્ષની લાંબી લડાઈ બાદ શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશના લગભગ ચાર વર્ષ બાદ અયોધ્યામાં નિર્માણ કાર્ય શરૂ થયું, જેમાં લગભગ ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં એવું રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જેને આવતા હજાર વર્ષ સુધી કોઈ સમારકામની જરૂર નહીં પડે. એટલું જ નહીં, નાગર શૈલીમાં બનેલા રામલલ્લાના આ ભવ્ય મંદિરની ઓળખ યુગો સુધી રહેશે. મંદિરને પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંત ભાઈ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ