Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાંચ વર્ષમાં અધધ.. બે લાખ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા પકડાયા

ભારત આખા વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતો દેશ ગણાય છે જે ટૂંક સમયમાં વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર પણ બની જશે. ભારતના ગ્રોથની જોરદાર સંભાવના હોવા છતાં મોટી સંખ્યામાં ભારતીયો આધુનિક દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા છે. તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકન ઓથોરિટીએ બે લાખથી વધુ ભારતીયોને USમાં ગેરકાયદે પ્રવેશતા પકડ્યા છે. આ આંકડો એવા લોકોનો છે જેની US ઓથોરિટીને જાણ છે. આ સિવાય પણ મોટી સંખ્યામાં ભારતીયો ઈલિગલી અમેરિકામાં ઘૂસ્યા હોવાની શક્યતા છે. વર્ષ 2022-23માં અમેરિકામાં ગેરકાયદે આવેલા ભારતીયોની સંખ્યા 97000 જેટલી હતી. એટલે કે દર વર્ષે યુએસમાં ગેરકાયદે જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે.

વિદેશ મંત્રાલયે સંસદમાં આ ચોંકાવનારી વિગતો આપી છે. સરકારે અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટીના ડેટાને ટાંકીને આ આંકડા આપ્યા છે. રાજ્ય કક્ષાના વિદેશમંત્રી વી મુરલીધરને જણાવ્યું કે 2018-19માં 8027 ગેરકાયદે ઈમિગ્રન્ટનો પતો લાગ્યો હતો. 2029-20માં અમેરિકામાં 1227 ભારતીયો ગેરકાયદે પ્રવેશ્યા હતા. ત્યાર પછી 2020-21માં 30600 ભારતીયો અને 2021-22માં 63927 ભારતીયો અમેરિકામાં ઈલિગલી પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંખ્યા ત્યાર પછીના વર્ષમાં વધીને સીધી 97 હજારની નજીક પહોંચી ગઈ હતી.

અમેરિકન ઓથોરિટીએ જણાવ્યું છે કે પાંચ વર્ષની અંદર બે લાખ 760 ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો પતો લાગ્યો છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઈટ પર આ બધો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડેટા અમેરિકન નાણાકીય વર્ષના આધારે છે. અમેરિકામાં ઓક્ટોબરથી સપ્ટેમ્બરને નાણાકીય વર્ષ ગણવામાં આવે છે.

અમેરિકામાં ઘૂસતા કેટલાના મોત થયા?
ભારત સરકારે જણાવ્યું કે અમેરિકાની બોર્ડને ગેરકાયદે પાર કરતી વખતે કેટલા ભારતીયોના મોત થયા તેનો ડેટા ઉપલબ્ધ નથી. સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતીને ખાસ પ્રાથમિકતા આપે છે. ભારતીયો જ્યારે વિદેશમાં રોજગારી માટે જાય ત્યારે તે ઈમિગ્રેશન એક્ટ 1983 હેઠળ રેગ્યુલેટ થાય છે. ભારતીયો લીગલ માઈગ્રેશન કરે અને વિદેશમાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે વિદેશ મંત્રાલયે કેટલાક પગલાં લીધા છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય કક્ષાના વિદેશમંત્રી વી મુરલીધરને કહ્યું કે ભારતીયો સુરક્ષિત રીતે માઈગ્રેશન કરી શકે તે માટે રાજ્ય સરકારો અને બીજા લાગતા વળગતા સાથે વિદેશ મંત્રાલય સહયોગ કરી રહ્યું છે. ક્યાંય પણ ઈલિગલ માઈગ્રેશન અથવા હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ મળે તો રાજ્યની પોલીસે તેની તપાસ કરવાની હોય છે. ભારતીયો કાયદેસર રોજગારી મેળવે તે માટે શ્રમ મંત્રાલયે ડેન્માર્ક, જાપાન, પોર્ટુગલ, મોરેશિયસ અને ઈઝરાયલ સાથે એગ્રીમેન્ટ ધરાવે છે. વિદેશ મંત્રાલયે ‘સુરક્ષિત જાવ, પ્રશિક્ષિત જાવ’ નામે એક અભિયાન પણ શરૂ કર્યું છે જેનાથી લોકોમાં વિદેશમાં નોકરી રોજગારના અર્થે માઈગ્રેશન વિશે જાગૃતિ આવશે.

ભારતમાંથી ગેરકાયદે અમેરિકા જતા લોકો ઘણી વખત જોખમી રસ્તો અપનાવે છે જેમાં કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. થોડા સમય અગાઉ ગુજરાતના એક પરિવારનું અમેરિકા કેનેડા બોર્ડર પર ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મેક્સિકોના જંગલોમાંથી ઈલિગલી પ્રવેશતા લોકો સાથે લૂંટાઈ જવાની, ગંભીર રીતે ઈજા થવાની અથવા ડુબી જવાના કારણે મૃત્યુ પામવાની ઘટનાઓ પણ બની છે.

Related posts

ઈમરાન ખાને પાકિસ્તાનના હિન્દુઓને પાઠવી હોળીની શુભેચ્છા

editor

સાઉદી અરબે જેફ બેઝોસનો ફોન હેક કર્યો હોવાનો ઘટસ્ફોટ

aapnugujarat

चीन की अमेरिका से अपील, ताइवान को न बेचें हथियार

aapnugujarat
UA-96247877-1