રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. બોર્ડે બુધવારે 29 નવેમ્બરે આની જાહેરાત કરી છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરો થયો. આ પછી બોર્ડ અને દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે દ્રવિડ ઓછામાં ઓછા T-20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે. T-20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં યોજાવાનો છે.
દ્રવિડ સહિત સમગ્ર ભારતીય કોચિંગ સ્ટાફનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સામેલ છે.
ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બર 2023થી 7 જાન્યુઆરી 2024 વચ્ચે ત્રણ T-20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. બોર્ડે કહ્યું છે કે આ એસાઇનમેન્ટ દરમિયાન દ્રવિડ ટીમની સાથે રહેશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે દ્રવિડ પોતાનો કાર્યકાળ આગળ ચાલુ રાખવા માગતા નથી અને વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કોચ તરીકે મોકલવામાં આવી શકે છે.
BCCIના સચિવ જય શાહે ગયા અઠવાડિયે દ્રવિડ સાથે વાત કરી હતી, એમ BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું. આ વાતચીત બાદ દ્રવિડે કોચ તરીકેનો કાર્યકાળ વધારવા માટે સંમતિ આપી હતી.
VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નાં કામમાં ખૂબ જ વ્યસ્ત છે તેમજ અંડર-19 વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. લક્ષ્મણ આ જવાબદારી નિભાવતા રહેશે. જો દ્રવિડ ભારતીય ટીમની કોઈપણ સોંપણીમાંથી બ્રેક લે છે, તો લક્ષ્મણ તેમની જગ્યાએ સ્ટોપ ગેપ વ્યવસ્થા હેઠળ કોચ બની શકે છે. લક્ષ્મણ આ પહેલાં પણ આ રોલ કરી ચૂક્યા છે. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે T-20 સિરીઝ રમી રહી છે અને લક્ષ્મણ ટીમના કોચ છે.
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ સાથે પૂરો થયો. તેમના નજીકના લોકો કહેતા હતા કે તેઓ પોતાનો કોન્ટ્રેક્ટ વધારવા ઈચ્છતા નથી. તેમણે બીસીસીઆઈના અધિકારીઓને આ વાતની જાણ કરી હતી, પરંતુ હવે જય શાહે તેમને મનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાના કોચ તરીકે દ્રવિડનાં બે વર્ષ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારને બાદ કરતાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાની તમામ મેચ જીતી લીધી હતી. તો વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો હતો. ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજિત T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમી હતી.
આ સિવાય ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી અને બાંગ્લાદેશમાં શ્રેણી જીતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ઘરઆંગણે T-20 શ્રેણી જીતવામાં પણ સફળ રહી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાનો ઇંગ્લેન્ડમાં પાંચમી ટેસ્ટમાં પરાજય થયો હતો.