Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચશે

દેશમાં ટામેટાંના સપ્લાયને એટલી મોટી અસર થઈ છે કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અત્યારે ટામેટાં ખાઈ શકે તેમ નથી. ટામેટાંનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોના લેવલને ક્યારનો વટાવી ગયો છે અને કેટલીક જગ્યાએ 300 રૂપિયાનો ભાવ પણ બોલાય છે. બીજી તરફ મિડલ ક્લાસે હજુ વધુ આંચકા માટે તૈયાર રહેવું પડે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવ પણ વધતા જશે અને સપ્ટેમ્બરમાં ડુંગળીનો ભાવ ટામેટાંની સાથે જ ટોચ પર પહોંચે તેવી શક્યતા છે.

હાલમાં વરસાદના કારણે ઘણી જગ્યાએ ટામેટાંના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત ટામેટાંના ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થઈ છે. બીજી તરફ ડુંગળીના ભાવ હવે વધવાની શરૂઆત થશે અને સપ્ટેમ્બરમાં ડુંગળી કદાચ સૌથી વધારે મોંઘી હશે.

ટામેટાંના ભાવમાં એક મહિના કરતા વધારે સમયથી મોટો ઉછાળો થયો છે અને હવે 300ની તરફ આગળ વધી રહ્યા છે. દિલ્હીની એક મંડીના હોલસેલર વેપારીએ જણાવ્યું કે અત્યારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ભેખડો ધસી પડી હોવાથી શાકભાજીના ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં પાકને અસર થઈ છે. અત્યારે શાકભાજીને ખેતરમાંથી મંડી સુધી લઈ જવામાં 6થી 8 કલાકનો સમય લાગી જાય છે.

દિલ્હીની આઝાદપુર મંડી એશિયામાં સૌથી મોટી હોલસેલ શાક માર્કેટ ગણાય છે. અહીં ટામેટાનો જથ્થાબંધ ભાવ 170 રૂપિયાથી 220 રૂપિયા પ્રતિ કિલો ચાલે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 180થી 200 રૂપિયા પ્રતિ કિલો ભાવ ચાલતો હતો. ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રના સારી ક્વોલિટીના ટામેટાંનો ભાવ ઉંચો હતો.

ડુંગળીના ભાવ પણ વધશે
ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર ટામેટાં પછી ડુંગળીના ભાવમાં પણ મોટો વધારો થવા જઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં ડુંગળીનો ભાવ નવા રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. રિટેલ માર્કેટમાં ઓગસ્ટમાં ડુંગળીનો ભાવ કિલો દીઠ 70 સુધી પહોંચશે અને સપ્ટેમ્બરમાં તે તેના કરતા પણ વધી જાય તેવી શક્યતા છે. એક વખત ઓક્ટોબરમાં ખરીફ પાક આવી જાય ત્યાર પછી બજારમાં સ્થિરતા આવશે તેમ માનવામાં આવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બરનો ગાળો ભાવમાં સ્થિરતા માટેનો હશે.ડુંગળીના ભાવ 2020માં ટોચ પર પહોંચ્યા હતા, તેની તુલનામાં આ વખતે ભાવ નીચા રહેશે. પરંતુ અત્યારે તમે જે ભાવ ચુકવો છો તેના કરતા સપ્ટેમ્બરમાં વધારે ચુકવવાની તૈયારી રાખવી પડશે તેમ ક્રિસિલનો રિપોર્ટ જણાવે છે. ભારતમાં અનાજના વધતા ભાવની પણ ચિંતા છે. તેના કારણે તાજેતરમાં સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ ઉઠાવવામાં આવે તો ચોખાના ભાવમાં તીવ્ર વધારો થાય તેમ છે. તેના કારણે અમુક મહિના સુધી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવાય તેમ માનવામાં આવે છે.

Related posts

સતત પબજી ગેમ રમવાથી ગળાની નસોમાં સોજો આવતા વિદ્યાર્થીનું મોત

aapnugujarat

Anusuiya Uikey takes oath as Governor of Chhattisgarh

aapnugujarat

જમ્મુમાં આતંકી હુમલો, 2 જવાન શહીદ

aapnugujarat
UA-96247877-1